ડોલર સામે રૂપિયાની ઐતિહાસિક પછડાટ: આ છે મુખ્ય કારણ…

ભારતીય રૂપિયો આજે વધુ ઘસાયો છે. અમેરિકન ડોલર સામે એ વધારે નબળો પડ્યો અને પહેલી જ વાર 71ના આંકને સ્પર્શી ગયો. આજે સવારના ટ્રેડિંગ વખતે ડોલર સામે રૂપિયાએ 26 પૈસાની પછડાટ ખાથી અને તે પ્રતિ ડોલર સામે 71.0013ની રેકોર્ડ નીચી સપાટીએ ઉતરી ગયો.

ગયા વર્ષના ક્લોઝિંગ માર્કની સરખામણીએ 2018માં રૂપિયાનું અવમૂલ્યન 11.16 ટકા રહ્યું.

રૂપિયો ગબડવાનું મુખ્ય કારણ છે, ઓઈલ ઈમ્પોર્ટર્સ તરફથી યુએસ કરન્સીમાં સતત ડિમાન્ડ. તદુપરાંત ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી ફૂગાવારૂપી દબાણ પણ વધ્યું છે.

ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન ડોલર સામે રૂપિયો 64ની આસપાસ ટ્રેડ થતો હતો.

રૂપિયો આટલી નિમ્ન સપાટીએ કેવી રીતે ઉતરી ગયો એ વિશે પાંચ પરિબળ કામ કરી ગયા છે.

ટ્રેડ વોર અને કરન્સીઝ વોર

ટ્રેડ વોરમાં કામચલાઉ ઢીલાશ આવી હતી, પરંતુ હવે એ તંગદિલી ફરી વધી છે. આનું કારણ છે, એક અહેવાલ, જેમાં જણાવાયું છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનમાંથી થનાર આશરે 200 અબજ ડોલરની આયાતો પર આવતા અઠવાડિયે અતિરિક્ત વેરા લાદશે.

જાગતિક નિષ્ણાતોનું માનવું છે કે ટ્રેડ વોર કદાચ સપ્ટેંબરમાં સૌથી મોટું જોખમી પરિબળ બની રહેશે. અમેરિકા અને કેનેડા વચ્ચેના વ્યાપાર સોદા ઉપર પણ સૌની નજર છે.

ક્રુડ ઓઈલ કિંમતો

ક્રુડ ઓઈલ ભારતના ઈમ્પોર્ટ બિલમાં મોટો હિસ્સો ધરાવે છે. તેથી ક્રુડ તેલની કિંમતમાં વધારો થાય એટલે ભારતના ઈમ્પોર્ટ બિલ પર સીધી માઠી અસર પડે. એને કારણે જ વર્તમાન એકાઉન્ટ ડિફિસીટ વધી છે અને ફૂગાવારૂપી દબાણો પણ વધ્યા છે.

ભારત ઓઈલ વિશેની તેની કુલ જરૂરિયાતોની 80 ટકા આયાત કરે છે. હાલના અઠવાડિયામાં, ક્રુડ તેલની કિંમતમાં 2.5 ટકાનો ઉછાળો આવ્યો હતો. ગયા અઠવાડિયે એ પાંચ ટકા હતો.

ડોલરની ડિમાન્ડ

અમેરિકન અર્થતંત્રમાં વૃદ્ધિ શરૂ થયા બાદ યુએસ કરન્સીની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો છે. મોટા ભાગના ગ્લોબલ સોદાઓ યુએસ કરન્સીમાં થાય છે. પરિણામે યુએસ અર્થતંત્ર ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે અને એ સાથે ડોલર માટેની માગ પણ વધી રહી છે.

અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર-યુદ્ધની તંગદિલીએ પણ ડોલરને સપોર્ટ કર્યો છે.

અમેરિકી અર્થતંત્ર

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા અનેક પગલાંને લીધે અમેરિકાનું અર્થતંત્ર રીકવર થયું છે અને ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે.

અમેરિકી અર્થતંત્રએ છેલ્લા ચાર વર્ષમાં એનો શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. 4.2 ટકાનો વિકાસ દર ઉલ્લેખનીય છે.

ટ્રમ્પે દેશમાં બેરોજગારીનું પ્રમાણ કાબૂમાં રાખવા માટે લેબર માર્કેટ પર સકંજો કસ્યો છે. ગયા જુલાઈમાં પર્સનલ ઈનકમનો આંક વધીને 0.3 ટકા થયો હતો.

યુએસ ફેડરલ રિઝર્વ તેજીમાં

અમેરિકાના આર્થિક વિકાસમાં ફેડરલ રિઝર્વનો મોટો હિસ્સો રહ્યો છે. તાજેતરમાં જ એના ચેરમેન જેરોમી પોવેલે નિર્દેશ આપ્યો હતો કે વ્યાજના દરોમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.

પોવેલે કહ્યું છે કે યુએસ ઈકોનોમી સ્ટ્રોંગ છે અને તબક્કાવાર વ્યાદ દર વધારાથી અર્થતંત્ર વધારે સુદ્રઢ બનશે.

આને કારણે દુનિયાભરના ઈન્વેસ્ટરો યુએસ ડોલર પ્રતિ વધારે આકર્ષિત થયા છે.