મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ઓઈલ તથા ગેસ ક્ષેત્રની વિખ્યાત આંતરરાષ્ટ્રીય કંપની બ્રિટિશ પેટ્રોલિયમે જાહેરાત કરી છે કે તેઓ એક નવું સંયુક્ત સાહસ શરૂ કરવા સહમત થયા છે. એ સંયુક્ત સાહસની કંપની ભારતભરમાં રીટેલ સર્વિસ સ્ટેશન નેટવર્ક ચલાવશે અને એવિએશન ફ્યુઅલ્સમાં બિઝનેસ કરશે.
ભારતમાં રિલાયન્સના હાલના રિટેઈલિંગ નેટવર્ક તથા એવિએશન ફ્યુઅલ બિઝનેસનું ઘડતર કરીને બંને ભાગીદાર કંપનીઓની ધારણા ભારતમાં એનર્જી તથા મોબિલીટીની ઝડપથી વધી રહેલી માગને પહોંચી વળવા માટે ઝડપથી વિસ્તરણ કરવાની છે.
RIL અને બ્રિટિશ પેટ્રોલિયમ વચ્ચેની ભાગીદારી 2011ની સાલની જૂની છે.
વિશ્વમાં આવતા 20 વર્ષોમાં ભારત ઝડપથી વૃદ્ધિ પામનાર ફ્યુઅલ માર્કેટ બને એવી ધારણા છે. આ 20 વર્ષોમાં ભારતમાં પેસેન્જર કારોની સંખ્યા છ ગણી વધી જવાનો અંદાજ છે.
RIL અને બીપીનું સંયુક્ત સાહસ ભારતમાં RIL ફ્યુઅલ રિટેઈલિંગ નેટવર્ક, જે હાલ 1,400થી વધુ સ્થાનોનું છે તે આવતા પાંચ વર્ષોમાં વધારીને 5,500 સ્થાનોનું કરશે.
RIL હાલ ભારતભરમાં 30થી વધારે એરપોર્ટ્સ ખાતે એવિએશન ફ્યુઅલ બિઝનેસ કરે છે. હવે RIL અને બીપીની જોઈન્ટ કંપની એમાં બિઝનેસ વધારવા માટે સાથે મળીને જોર લગાવશે.
RILના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી તથા બીપીના ગ્રુપ ચીફ એક્ઝિક્યૂટિવ બોબ ડડલીએ આજે મુંબઈમાં સંયુક્ત સાહસ માટેના કરાર પર સહીસિક્કા કર્યા હતા.
નવા સંયુક્ત ઉપક્રમમાં રિલાયન્સનો હિસ્સો 51 ટકા રહેશે જ્યારે બીપીનો 49 ટકા. બંને કંપની વચ્ચેનો આ કરાર 2020ના પ્રથમ હાફમાં સંપૂર્ણ મંજૂરી પ્રાપ્ત કરશે એવી ધારણા છે.
નવી સંયુક્ત કંપની તેના નેટવર્ક સ્થાનો ખાતે ઉચ્ચ ગુણવત્તાનું ઈંધણ તથા સેવા પૂરી પાડશે. આ નવી કંપનીને રિલાયન્સના રીટેલ બિઝનેસના અનુભવ તથા માર્કેટમાં આગેવાન સ્તરે રહ્યાનો લાભ મળશે તેમજ રિલાયન્સના જિયો ડિજિટલ પ્લેટફોર્મ મારફત ગ્રાહકોને ડિજિટલ કનેક્શન આપી શકશે.