ધીરુભાઈ અંબાણી સાથેની એ પહેલી મુલાકાત…

(પરિમલ નથવાણી)

મારા પિતરાઈ મનોજ મોદીએ મને ફોન કર્યો હતો અને મને જણાવ્યું કે શ્રી ધીરુભાઈ અંબાણીએ આપણને મળવા બોલાવ્યા છે. મારા મનમાં અનેક સવાલો જાગ્યા હતા અને આશ્ચર્ય પણ થયું હતું કે ધીરુભાઈએ મને શા માટે મળવા બોલાવ્યો હશે? શ્રી ધીરુભાઈને મળવા હું મુંબઈ ગયો.

કમનસીબે, તે દિવસે તો એ મુલાકાત શક્ય બની નહોતી, કારણ કે ધીરુભાઈ એમની મીટિંગોમાં વ્યસ્ત રહ્યા હતા. મારે વડોદરામાં બીજા કામો હતા, એટલે હું રવાના થઈ ગયો હતો.

અમુક દિવસો બાદ, એ મીટિંગ ફરી યોજવાનું નક્કી થયું હતું અને શ્રી ધીરુભાઈ અંબાણીને એમની જ ઓફિસમાં મળ્યો. એમની સાથે શ્રી મુકેશ અંબાણી અને શ્રી અનિલ અંબાણી પણ હતા. હું થોડોક નર્વસ હતો, કારણ કે જિંદગીમાં હું એ પહેલી જ વાર આટલી મોટી કોર્પોરેટ ઓફિસમાં ગયો હતો. અંબાણી પિતા-પુત્રો ખૂબ જ ઉદાર દિલના હતા અને મને ખૂબ નિરાંતનો અનુભવ કરાવ્યો હતો.

શ્રી ધીરુભાઈ અંબાણીએ જામનગરમાં વિશ્વ કક્ષાની રીફાઈનરી બાંધવાના એમના ડ્રીમ પ્રોજેક્ટ વિશે મને જાણકારી આપવાનું શરૂ કર્યું હતું. રીફાઈનરી માટે તેઓ જે જમીન પ્રાપ્ત કરવા માગતા હતા તે ત્યાંના ખેડૂતોની માલિકીની હતી. એમણે ખેડૂતોને સારા વળતરની ઓફર કરી હતી, પરંતુ તે છતાં ખેડૂતો હજી પણ વિરોધ કરતા હતા. ધીરુભાઈ એ સમજવા માગતા હતા કે જમીનની જે કિંમત થતી હતી એની આઠગણી વધારે કિંમત આપવા પોતે તૈયાર હતા તે છતાં ખેડૂતો શા માટે અપસેટ હતા?

મારા આશ્ચર્ય વચ્ચે, એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે હું ખેડૂતોને મળું અને શું મામલો છે એ હું શોધી કાઢું. મેં બહુ જ નમ્રતાપૂર્વક એમને જણાવ્યું કે આ મામલો કેવી રીતે થાળે પાડવો એનો મને જરાય આઈડિયા નથી, કારણ કે જમીન અધિગ્રહણ અને સરકારી પ્રક્રિયાઓની ટેક્નિકલ બાબતોનો મને કોઈ અનુભવ નથી. પરંતુ એમને મારામાં ભરોસો હતો. એમણે મને કહ્યું, ‘પરિમલ, મૈં બોલતા હૂં, તૂ કર લેગા. તૂ બસ શુરૂ કર, ઔર મુઝે બતા.’

ફરીથી મારા મનમાં હજારો સવાલો ઊભા થયા. મીટિંગ પૂરી થઈ અને હું ત્યાંથી રવાના થયો, પણ મને એક વાતની ખાતરી થઈ ગઈ હતી, હું આ કામ કરીને રહીશ. શ્રી ધીરુભાઈ અંબાણીએ મારામાં જે ભરોસો દર્શાવ્યો હતો, જે જવાબદારી મને સોંપી હતી, એ હું પૂરી કરીને જ રહીશ.

મેં જામનગરમાં ‘વ્હાઈટ હાઉસ’ નામે એક ભાડાની ઓફિસ મેળવી અને પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. હું ખેડૂતોને મળ્યો અને મને જાણવા મળ્યું કે તેઓ વળતરથી તો ખુશ હતા, પરંતુ દરેકના પરિવારમાંથી કમસે કમ એક સભ્યને નોકરી મળે એવી તેઓ ખાતરી માગતા હતા. મેં એમને કહ્યું કે, મારી પર વિશ્વાસ રાખો. મેં મારા લૉયરની સલાહ લીધી અને માહિતી મેળવવાનું શરૂ કર્યું. આ બધું કામકાજ મારે માટે નવું જ હતું, પરંતુ મને વિશ્વાસ હતો કે હું ખેડૂતોને સમજાવી શકીશ.

એ લોકોએ અમારામાં વિશ્વાસ મૂકવાનું શરૂ કર્યું હતું, પરંતુ ગામમાં ખેડૂતોનું એક જૂથ એવું હતું જેણે અવરોધો ઊભા કર્યા હતા. એમાંના એક હતા હેમભા જાડેજા. ખાતરી આપવા છતાં, અમે એક કરોડ રૂપિયા આપીએ તો જ પોતાની જમીન આપવાની એ જિદ્દે ચડ્યા હતા. એમણે કહ્યું, ‘પરિમલભાઈ હું નરીમાન પોઈન્ટ પર ઊભો છું અને કહું છું, મને એક કરોડ રૂપિયા આપશો તો જ હું મારી જમીન આપીશ. બાકી મને મારો ગાડા માર્ગ આપી દો. (મારા ખેતર સુધી મારા બળદગાડાને લઈ જવાનો માર્ગ બનાવી આપો).’

એક બીજું જૂથ હતું બાવા સમાજનું, જેમનું એક મંદિર એ જમીન પર હતું જે અમે મેળવવા માગતા હતા. એમને અમુક ડર હતો અને તેઓ એમનું મંદિર છોડી દેવા તૈયાર નહોતા.

બસ આ જ બે હતા, જેઓ એમની જમીન અમને આપવા તૈયાર નહોતા. તેથી અમે પરસ્પર માફક આવે એવો એક ઉકેલ શોધી કાઢ્યો કે સુરક્ષાને લગતા યોગ્ય પગલાં લેવાની સાથે એમને રીફાઈનરીમાં પ્રવેશ પણ મળી રહે. ‘ગાડો માર્ગ’ પણ બાંધી આપવામાં આવ્યો અને રીફાઈનરીમાં પ્રવેશ કરવાનો એ બધાયને એક પાસ આપવામાં આવ્યો હતો.

તમામ ખેડૂતો પાસેથી સંમતિ મેળવવામાં આવી અને અદાલતમાં એ રજૂ કરી દેવામાં આવી, કારણ કે અમે આ પ્રક્રિયા શરૂ કરી હતી એ પહેલાં સુપ્રીમ કોર્ટે જમીન અધિગ્રહણને રદબાતલ કરી દીધું હતું. અમારા પ્રયાસો સફળ થયા અને વિશ્વ કક્ષાની રીફાઈનરી માટે જમીન સંપાદનનું કાર્ય પૂરું થયું. વચન આપ્યા મુજબ, દરેક પરિવારના સભ્યોને નોકરીઓ પણ આપવામાં આવી હતી. રીફાઈનરીમાંના રસ્તાનો ઉપયોગ આજે પણ હેમભા જાડેજાના ખેતરે જવા માટે અને બાવા સમાજના સમાધીસ્થળે પૂજા કરવા જવા માટે કરાય છે. તે આખી પ્રક્રિયામાં, ધીરુભાઈએ મારામાં મૂકેલો ભરોસો તો મને મળ્યો, પણ સાથોસાથ, એ તમામ લોકોનો વિશ્વાસ અને પ્રેમ પણ મનમે પ્રાપ્ત થયા જેમણે મારી જબાન પર રીફાઈનરી માટે એમની જમીન આપી દીધી હતી અને એ જ મારા જીવનનું એવું ઈનામ હતું જેને યાદ કરવાનું મને આજે પણ ગમે છે.

બસ આ જ રીતે હું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે જોડાયો હતો અને એશિયાની સૌથી મોટી રીફાઈનરીનો એક હિસ્સો બન્યો હતો. ધીરુભાઈ મારા માર્ગદર્શક હતા અને હું એમની પાસેથી જે કંઈ શીખ્યો છું એ બદલ સૌનો ઋણી છું. શ્રી મુકેશ અંબાણી સાથે કામ કરવું એ પણ એક એવી જીવનસફર છે, જે પણ મારે મન એક ઋણ સમાન છે.

(લેખક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે પોતાના જોડાણનું સંભારણું એમણે આ રીતે પોતાના બ્લોગમાં આલેખ્યું છે.)

લેખ અને તસવીર સૌજન્યઃ https://www.parimalnathwani.com/ril-refinery