કરન્સી સંબંધી જોખમોનું હેજિંગ શા માટે મહત્વનું?

કરન્સી જોખમનું હેજિંગ : કોરોનાની શરૂઆત પૂર્વે, કોરોનાના અંત બાદ અને
કોરોના દરમિયાનના ગાળામાં

બીએસઇ ભારતમાં ઓછા ખર્ચે હેજિંગ શક્ય બનાવે છે.


સમીર પાટિલ – ચીફ બિઝનેસ ઓફિસર, BSE

મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઈંગ્લિશતાની, સર પે લાલ ટોપી રુસી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’

રાજ કપૂરની ૧૯૫૫ની ફિલ્મ ‘શ્રી૪૨૦’ના વિશ્વ મશહૂર થયેલાં ગાયનની આ પંક્તિઓ કરન્સી સંબંધી જોખમનો લેખ લખવામાં મારે શા માટે યાદ કરવી પડી? કારણકે, રાજ કપૂરના આ ગીતની જેમ જ આપણા ચલણ રૂપિયાનું દિલ ભારતનું હોવા છતાં તેનું નોંધપાત્ર ટ્રેડિંગ લંડન, ન્યૂયોર્ક અને દુબઈ જેવા સરહદપારના બજારોમાં થાય છે. સિંગાપોર, દુબઈ, યુએસ, કેનેડા અને લંડન તથા ન્યૂયોર્ક જેવાં ઓટીસી બજારો દ્વારા ભારતીય રૂપિયાના ડેરિવેટિવ્ઝમાં કોન્ટ્રાકટ્સની થતી ઑફર બાદ વર્ષ ૨૦૧૮માં તેનું અનુસરણ મોસ્કો એક્સચેન્જે કર્યું હતું. તેમની અખબારજોગી યાદીમાં જણાવાયું હતું કે યુએસડી/આઈએનઆર એફએક્સ ડેરિવેટિવ્ઝ વિશ્વમાં સૌથી વધુ ટ્રેડેડ થતાં એફએક્સ કોન્ટ્રાકટ્સમાંના એક હોઈ અમારા ફ્યુચર્સ અને ઑપ્શન્સના વર્તમાન ઓફરિંગ્સમાં આ નવું સાધન તાર્કિક ઉમેરા સમાન છે.” 

સરહદપારના બજારોમાં રૂપિયાનું ટ્રેડિંગ

BISના જણાવ્યા મુજબ ભારતમાં રોજના સરેરાશ ૩૫ અબજ યુએસ ડૉલરના મૂલ્ય જેટલાં રૂપિયાના ટ્રેડિંગની સરખામણીમાં સમગ્ર આંતરરાષ્ટ્રીય બજારોમાં વૈશ્વિક સ્તરે ટ્રેડિંગ ૭૯ અબજ યુએસ ડૉલરનું છે. જેમાં, લંડન એનડીએફ માર્કેટમાં દૈનિક ૪૭ અબજ યુએસ ડોલરના કામકાજ થાય છે. બેન્ક ઑફ ઇંગ્લૅન્ડે ૨૦૧૮માં ૨૩ અબજ યુએસ ડૉલરનો ઑફશોર રૂપી વેપાર નોંધ્યો હતો જ્યારે, આરબીઆઇના સૂત્રો ૨૦૧૯ માટે ૨૧ અબજ યુએસ ડૉલરના ડિલીવરીપાત્ર દૈનિક ઓનશોર ફોરવર્ડ અંદાજે છે. જે એ દર્શાવે છે કે ભારતનું ઑફશોર માર્કેટ સ્થાનિક બજારની સરખામણીમાં વિશાળ છે. સિંગાપોર, યુએસ અને દુબઈ એક્સચેન્જોમાં ૨૦૧૫થી ૨૦૧૯ના ગાળામાં વોલ્યુમ્સ વધ્યું હતું, એ બાબત પણ નોંધવી મહત્વની છે કે મૂલ્યની દૃષ્ટિએ જોતાં ભારતીય રૂપિયાનું મૂલ્ય ૨૦૧૪ના રૂ.૬૧ સામે હાલમાં રૂ.૭૬.૫ જેટલું હોવાથી પણ વૃધ્ધિ ઊંચી રહી છે. ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના (એફઆઈએ) જણાવ્યા મુજબ વિવિધ ચલણોના વોલ્યુમની દ્રષ્ટિએ વૈશ્વિક ટ્રેડિંગમાં યુએસ ડૉલર/ભારતીય રૂપી ચલણની જોડીના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટનો સમાવેશ ટોચના ત્રણ સાધનોમાં થાય છે.

ભારતમાં નિયમનતંત્રોની ભૂમિકા

વૈશ્વિક બજારમાં આકાર લેતી ઘટનાઓથી સરકાર અને નિયમનતંત્રો વાકેફ હતાં. આથી, તેના પ્રતિસાદરૂપે રિઝર્વ બેન્કે ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર શ્રીમતી ઉષા થોરાટના વડપણ હેઠળ ઑફશોર રૂપી બજારો સંબંધિત મુદ્દાઓનું નિરીક્ષણ કરવા ઉપરાંત, સ્થાનિક ચલણના બાહ્ય મૂલ્યની સ્થિરતા સુનિશ્ચિંત કરવાના નીતિવિષયક પગલાં સૂચવવા આઠ સદસ્યયી કાર્યદળની રચના કરી હતી. કાર્યદળે ઑફશોર રૂપી ટ્રેડિંગથી ઊભી થનાર ચિંતાઓના નિરાકરણના પગલાંઓ સાથે બિનરહીશો સ્થાનિક બજારની પહોંચ કેળવી શકે તે માટે પ્રોત્સાહનો ઘડી કાઢવા પગલાંઓ સૂચવ્યા હતાં. કાર્યદળની મહત્વની ભલામણોમાં, ઓનશોર માર્કેટના કામકાજના સમયગાળામાં વધારો કરવાનો અને રૂપી ડેરિવેટિવ્ઝની પતાવટ વિદેશી ચલણમાં શક્ય બનાવીને ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર સ્થિત એક્સચેન્જોમાં ટ્રેડિંગ શરૂ કરવાનો સમાવેશ થયો હતો.

કરન્સી સંબંધી જોખમોનો હેજિંગ શા માટે મહત્વનું?

કોરોના વાઇરસની મહામારીથી જોખમ ક્ષમતા કમજોર પડતાં અને રોકાણકાર દ્વારા સેફ હેવન મનાતા અમેરિકી ડૉલર તરફ દોટ મૂકાતા ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે ઘટીને ઐતિહાસિક નીચી સપાટી પર રહ્યો છે. છેલ્લાં ૨૫થી વધુ વર્ષોની માસિક ટકાવારીમાં ફેરફારની વાર્ષિક વધઘટ ગણત્રીમાં લેતાં ભારતીય રૂપિયાની વાર્ષિક વધઘટ અંદાજે ૮.૩ ટકા રહી છે. રૂપિયાની ચંચળતા વધવાનું કારણ બાહ્ય પરિબળો જેવા કે ૨૦૧૨-૧૩નું ટેપર ટેન્ટ્રમ પ્રકરણ અને કોરોના વાઇરસની પ્રવર્તમાન પરિસ્થતિ છે. આથી, સંબંધિત વ્યવસાય પર અસર ના થતી હોવા છતાં કરન્સીમાં જોખમ સંચાલન મહત્વનું છે. કરન્સી સંબંધી જોખમને હેજ ના કરીને આંતરરાષ્ટ્રીય વેપારમાં સંકળાયેલો સહભાગી નફાકારકતા અને સ્પર્ધાત્મકતા પર વિપરીત અસરનું જોખમ ઉઠાવે છે. કરન્સી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ, હેજર્સ અને રોકાણકાર માટે રૂપી અને યુએસ ડૉલર જેવી બે ચલણની જોડી વચ્ચેના હૂંડિયામણ દરમાં ફેરફાર સામે પોઝિશન લેવાનું શક્ય બનાવે છે. વર્તમાન નિયમ મુજબ, સહભાગી સંબંધિત એક્સપોઝરની હયાતી સુસ્થાપિત કર્યા વગર રૂપિયા સાથે સંલગ્ન ચલણની બધી જોડીઓમાં તમામ એક્સચેન્જોમાં મળીને એકત્રિતરૂપે ૧૦૦ મિલિયન યુએસ ડૉલર સુધીનું સિંગલ લિમિટ એક્સપોઝર ધરાવી શકે છે.

બીએસઇ પર કરન્સી જોખમનું હેજિંગ

ભારત ખાતે ઓગસ્ટ ૨૦૦૮માં નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ (એનએસઇ) ખાતે યુએસડી—આઈએનઆર કોન્ટ્રાક્ટ સાથે કરન્સી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગનો શુભારંભ થયો અને તેનું અનુસરણ મેટ્રોપોલિટન્ટ સ્ટૉક એક્સ્ચેન્જે  (અગાઉના એમસીએક્સ-એસએક્સ) કર્યું હતું, આ પછી, સેબીએ ૨૦૧૦માં યુરો-આઈએનઆર, જીબીપી-આઈએનઆર, જાપાની યેન-આઈએનઆરમાં કરન્સી વાયદાના કામકાજની મંજૂરી આપી હતી. બીએસઇએ ઘણાં લાંબા બાદ છેક નવેમ્બર ૨૦૧૩માં રૂપી ડેરિવેટિવ્ઝના કામકાજનો પ્રારંભ કર્યો હતો. આમ છતાં, બીએસઇએ ચડિયાતા ટેકનોલોજી પ્લેટફોર્મ અને ભાવ સ્પર્ધાત્મકતાના આધારે ૨૦૧૩થી સતત પ્રગતિ સાથે માર્કેટ લીડરનો દરજજો હસ્તગત કર્યો છે. બીએસઇ પર સહભાગીઓ મહત્તમ ૩ લાખ ભારતીય રૂપિયાની ફી સાથે માસિક રૂ.૨૦,૦૦૦ કરોડથી વધુનું કરન્સી એક્સ્પોઝર હેજ કરી શકે છે, આમ તે કરન્સી જોખમના હેજ માટે ઓછા ખર્ચે ઉપલબ્ધ પ્લેટફોર્મ છે. અન્ય એક્સચેન્જો પર આટલા જ મૂલ્યના હેજિંગનો ખર્ચ રૂ.૧૮ લાખ સુધી આવી શકે છે. આથી, બીએસઇ ભારતમાં ઓછા ખર્ચે હેજિંગ શક્ય બનાવે છે. તેણે અન્ય અગ્રણી એક્સચેન્જો દ્વારા લેવાતી ફીમાં ઘટાડા સંબંધી પુનઃસમીક્ષા સુનિશ્ચિંત કરી છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે સ્પર્ધાત્મકતાની હાજરી તમામને  કાર્યક્ષમ ભાવ તરફ દોરી જાય છે એટલું જ નહીં પરંતુ, કાર્યકારી જોખમનું વૈવિધ્યીકરણ થઈ શકે છે, જેની ઓફર બહુવિધ પ્રવાહી ટ્રેડિંગના માધ્યમ થકી થઈ રહી છે.

ગિફ્ટ સિટી આઈએફએસસી ખાતે રૂપિયામાં ટ્રેડિંગ

અત્યારસુધીમાં આઇએફએસસી ગિફ્ટ સિટી સ્થિત એક્સચેન્જોમાં ક્રોસ-કરન્સી ટ્રેડની છૂટ હતી, આ પછી, તમામ રૂપિયાના કામકાજોને ઑફશોરમાંથી ઓનશોર લાવવા છેલ્લાં જાહેર થયેલા અંદાજપત્રમાં રૂપી ડેરિવેટિવ્ઝના કામકાજની મંજૂરી અપાઈ હતી અને ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટમાં (ફેમા) સુધારો કરતું ગેઝેટ નોટિફિકેશન જાહેર કરાયું હતું અને આ રીતે, ગિફ્ટ સિટીમાં રૂપી ડેરિવેટિવ્ઝમાં કામકાજનો માર્ગ મોકળો કરાયો હતો. આ બાદ, આરબીઆઇ અને સેબીએ ઈન્ડિયા આઇએનએક્સ સહિતના ભારતીય એક્સચેન્જોને ભારતીય રૂપિયાને સાંકળતાં કરન્સી ફ્યુચર્સ અને ઓપ્શન્સના પ્રારંભની છૂટ આપી હતી. તાજેતરમાં, કેન્દ્રીય નાણાંપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને ઈન્ડિયા આઇએનએક્સ ખાતે આઈએનઆર—યુએસ ડૉલરમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાકટનો શુભારંભ કરતાં તે આવા કોન્ટ્રાક્ટ ઑફર કરનારું પ્રથમ એક્સચેન્જ બન્યું છે. આ કોન્ટ્રાક્ટની યુએસ ડૉલરમાં રોકડમાં પતાવટ કરાશે અને ક્લિયરિંગ કોર્પોરેશન ઈન્ડિયા આઇસીસી સોદા ક્લિયર કરવા ઉપરાંત, મુખ્ય કાઉન્ટરપાર્ટીની ભૂમિકા નિભાવવા સાથે પતાવટની પણ બાંયધરી આપશે. તમામ આઈએફએસસી બેન્કિંગ યુનિટો અને વિદેશી ગ્રાહકો (એફપીઆઇ અને ઈએફઆઈ) અને ટ્રેડિંગ મેમ્બરો આ કોન્ટ્રાકટ્સમાં કામકાજ કરી શકે છે અને એક અબજ યુએસ ડૉલર કે કુલ ઓપન ઇન્ટરેસ્ટના (કુલ ઊભાં ઓળિયાં) ૧૫ ટકા, એ બન્નેમાંથી જે વધુ હોય તે પ્રમાણે પોઝિશન લઈ શકશે. તમામ પાત્ર વિદેશી રોકાણકાર (ઇએફઆઇ) સેબીએ લાગુ કરેલાં કેવાયસીના ભાગરૂપે પેનકાર્ડની કોઈ જરૂરિયાત વગર ઈન્ડિયા આઇએનએક્સના સભ્ય પાસે સીધું અકાઉન્ટ ખોલાવી શકે છે. એક્સ્ચેન્જ દ્વારા વસૂલાતા ટ્રાન્ઝક્શન ચાર્જિસમાં મુક્તિ આપીને ઈન્ડિયા આઈએનએક્સ સ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે. આઇએફએસસી ઝોન કોઈપણ જાગતિક નાણાં કેન્દ્રો સાથે તુલનાત્મક એવું ટેક્સ રાહત  અને આધારરૂપ બનતું  નિયમનકારી માળખું ઑફર કરે છે. જેમાં, કેટલાંક જેવા કે ટ્રાન્ઝકશન ટેક્સ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ, કેપિટલ ગેઇન્સ ટેક્સ અને જીએસટીનો સમાવેશ થાય છે. ઈન્ડિયા આઈએનએક્સ આંતરરાષ્ટ્રીય સહભાગીઓને યુએસ ડૉલરમાં ટ્રેડેડ અને પતાવટવાળા કોન્ટ્રાકટ્સમાં દિવસભર દરમિયાન ૨૨ કલાક કામકાજ કરવાની સુવિધા પૂરી પાડે છે, જે ભારતને આદર્શ ઑફશોર પ્રવેશદ્વાર બનાવે છે. આના પરિણામે, ગિફ્ટ સિટી આઇએફએસસી ખાતેનું ઈન્ડિયા આઈએનએક્સ હાલમાં જાગતિક અધિકારક્ષેત્રના વર્ચસ્વવાળા ઑફશોર (સરહદપાર થતાં) રૂપી-ડૉલર એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટીવ્ઝને ઑનશોર (સ્થાનિકમાં) લાવી શકશે.

એકંદરે, બીએસઇ ખાતે અમે હિસ્સાધારકો અને સહભાગીઓને ઇક્વિટીઝ અને કોમોડિટીઝ સંબંધિત એકસ્પોઝર ઉપરાંત કરન્સી બજારની અનિશ્ચિંતતા સામે અસરકારક સાધન પૂરું પાડવાની માન્યતા ધરાવીએ છીએ. બીએસઇ હેજર્સ, ટ્રેડર્સ, રોકાણકાર અને બજારના સહભાગીઓને તેમના કરન્સી જોખમો હેજ કરવા સાનુકૂળ અને ઓછા ખર્ચે ઑનશોર પ્રોડક્ટ ઉપલબ્ધ બનાવીને ભારતીય મૂડી બજારોમાં ઊંડાણ લાવવા પ્રતિબદ્ધ છે.