અર્થતંત્રનાં પુનરુત્થાન માટે આર્થિક સુધારા અનિવાર્ય…

આપણો દેશ હાલ કોરોનાની સાથે-સાથે એક બીજી જંગ પણ લડી રહયો છે, આ જંગ આર્થિક મંદીની જંગ છે. આ પરિસ્થિતીમાં આર્થિક સુધારા જરૂરી છે, જે આગળ જતા અર્થંતંત્રના પુરુત્થાનમાં ખરાં સહયોગી બનશે. દેશને પાંચ ટ્રિલિયનનું અર્થંતત્ર બનાવવામાં પણ તે જ અનિવાર્ય બનશે.


મોદી સરકારે થોડા મહિના પહેલાં દેશના અર્થતંત્રના કદને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યુ હતું. પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી એટલે ભારતનું અર્થતંત્ર રૂપિયાના સંદર્ભમાં 3 કરોડ 62 લાખ પચાસ હજાર કરોડનું થાય (રૂ.3,62,50000 કરોડ). એટલે કે ભારતનું જીડીપી (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકશન) દર વરસે આઠ ટકાના દરે વધવો જોઈએ. જીડીપીમાં કુલ ઉત્પાદન, સર્વિસીસ, નિકાસ પણ આવી જાય. દેશમાં ઉત્પાદન, વપરાશ અને નિકાસ વૃધ્ધિનું અને આયાત ઘટાડવાનું લક્ષ્ય રખાયું હતું, આ સાથે વપરાશ વધે એ માટે રોજગારી મારફત લોકોનો વપરાશ વધારવાનું હતું. આમ થાય તો દેશમાં આર્થિક પ્રવૃતિ અને વિદેશી રોકાણનો પ્રવાહ વધી શકે. જયારે કે હાલ પરિસ્થિતી ઉલ્ટી દિશામાં જવા લાગી છે.

અર્થતંત્રનું સૌથી મહત્ત્વનું પરિબળ એવો બચત દર નોંધપાત્ર નીચે ગયો છે. અતિ નાના, લઘુ-મધ્યમ એકમો સહિત મોટા એકમો પણ કપરાં સમયમાથી પસાર થઈ રહયા છે. આમાં ઉત્પાદનને વેગ કયાંથી મળશે? બિઝનેસ કરવાનું સરળ બનાવવાનું બાજુએ રહયું, વધુ કપરું બની રહયું છે. સરકારે પોતાના આ વિઝનને હાંસલ કરવા સાત ક્ષેત્રમાં સુધારા કરવા અનિવાર્ય છે, જેમાં કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રકચર,જમીન અને કામદાર કાનુન,જીએસટી,સીધા વેરા અને ફાઈનાન્સીયલ સેકટરનો સમાવેશ થાય છે. સ્થાનિક મુડીરોકાણ કે મુડીસર્જનમાં કોઈ વધારોથયો નથી. સીધા વિદેશી રોકાણનો દર નીચો ગયો છે. રોજગારી સર્જનને બદલે વિસર્જનના સંકેતો સ્પષ્ટ થઈ રહ્યા છે.

અલબત્ત, આ હાલત માત્ર આપણા દેશની નથી, આ હાલાત માટે મોદી સરકારને જવાબદાર ગણી શકાય નહીં, બલકે સમગ્ર વિશ્વ આજે કોરોનાના કહેર હેઠળ છે. કોરોના વાઈરસની આફતને અત્યારસુધીની સૌથી બુરી આફત તરીકે જોવામાં આવે છે, આ આફતને પરિણામે અર્થતંત્રની હાલત સાવ જ કથળી ગઈ છે એ વાત સાચી, આપણી જ નહીં, જગતભરના દેશોના અર્થંતંત્રની કરોડરજજુ તુટી ગઈ છે. શેરબજારમાં ભાવોના ભુકકા બોલાઈ ગયા છે. હાલ યુએસએમાં પણ સતત જોબલોસ થઈ રહી છે. આ મહાસત્તાએ જંગી સહાય પેકેજ આપ્યા હોવાછતાં ત્યાં અત્યારે આર્થિક હાહાકાર ઉપરાંત મરણાંક પણ ઊંચો જઈ રહયો છે. કોરોનાને કારણે બિઝનેસ બંધ પડવાને લીધે જોબલોસનો આંકડો હજી વધવાની શકયતા છે. યુરોપની દશા આનાથી પણ વધુ બદ્ત્ર બની છે. આ દેશોમાં પણ આર્થિક વિકાસના આંકડા સતત નીચે ગબડી રહયા છે. આવામાં ભારત કયાંથી મુકત રહી શકે. ભારતમાં પણ આ તમામ મામલે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે.

એક સાંધો ત્યાં તેર તૂટે

રિઝર્વ બેંકે તેના અહેવાલમાં કહયું છે કે તાજેરમાં તેણે જે નાણાંકીય રાહત આપી છે તેની સારી અસર કોવિદ-19 બાદના સમયમાં માહોલ સામાન્ય બનવા પર જોવા મળશે. હાલ તો જીડીપી ગ્રોથ રેટની ધારણા મુકવી પણ કઠિન છે. સેવિંગ અને ડિપોઝિટ પર વ્યાજદર ઘટતા જાય છે.લોકો બચત કરે કયાં ? ધિરાણ પરના વ્યાજદર પણ ઘટયા છે, તેમછતાં ધંધા જ નથી ત્યારે ધિરાણ કોણ લેવા જાય? જે ધિરાણના હપ્તાઓમાં રાહત અપાઈ છે તે પણ ટુંકી પડવાની શકયતા જણાય છે. નાના-મધ્યમ એકમોની દશા તો એક સાંધો ને તેર તુટવા જેવી થઈ છે. નવી નોકરીઓ સર્જાવાની વાત તો બાજુએ રહી, જે છે તે ટકી જાય તો પણ ઘણું.

ભારત માટે નવો આશાવાદ

આવા વરવા સંજોગોમાં ભારત માટે કયાંક નવો આશાવાદ પણ વ્યકત થાય છે. ભારત હંમેશા કટોકટીમાં વધુ સારી કામગીરી બજાવે છે એવું પણ મનાય છે. અલબત્ત, આ વખતની કટોકટી અસાધારણ છે , તેમછતાં જયારે –જયારે ભારતમાં ઈકોનોમીકલ ક્રાઈસિસ આવી છે ત્યારે ભારત સરકાર આર્થિક સુધારા માટે વધુ સક્રિય બની છે. હાલ જયારે ભારતનું અર્થતંત્ર અત્યંત ખરાબ સ્થિતીમાંથી પસાર થઈ રહયું છે અને તેના વૃધ્ધિ દર માટે ભયંકર નબળો મત વ્યકત થઈ રહયો છે ત્યારે આ દેશ કોરોનામાંથી મુકત થઈ નવી લડાઇ માટે સજજ થઈ રહયો છે. આ સમજણ મોદી સરકાર પાસે વધુ સારી રીતે હોવાની પ્રતિતી જોવા મળી છે.

કટોકટીમાં ભારતનું લક્ષ્ય

આપણે ઉપર વાત કરી તેમ ભારતમાં જયારે પણ ઈકોનોમિક ક્રાઈસિસ આવી છે ત્યારે સરકાર આર્થિક સુધારા ઉર્ફે ઈકોનોમિક રિફોર્મ્સ માટે સક્રિય બની છે અને એ માટે આવશ્યક પગલાં પણ લીધા છે. આ વખતે સરકારે વધુ કમર કસવાની થશે, કારણ કે મોદી સરકારે આ પાંચ વરસમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય જાહેર કર્યુ હતું, જે માટે સાતત્ય પૂર્ણ રીતે દર વરસે આઠ ટકાનો સરેરાશ જીડીપી દર જરૂરી ગણાય,તેની સામે હાલ જીડીપી દર માંડ ચાર ટકા રહેવાનો અંદાજ છે, એટલું જ નહીં , આ વરસે તો જીડીપી દર પોણા બે ટકા સુધી નીચે જવાનો ભય પણ વ્યકત થયો છે. આઈએમએફ (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ), એશિયન ડેવલપમેન્ટ બેંક અને મુડીઝ તેમ જ ગ્લોબલ નાણાં સંસ્થા ગોલ્ડમેન સાશે નીચો દર અંદાજ મુકીને ભારતને સાવ નીચે ધકેલી દીધું છે. આવા સંજોગોમાં રોજગારી સર્જન, મૂડીસર્જન, ઔધોગિક વિકાસ, નિકાસ, વગેરે બાબતોની દશા શું થઈ શકે તેની કલ્પના ડરામણી છે.

મોદી સરકાર પાસે મોટી આશા

 

તેમછતાં આશાવાદ એ છે કે જો મોદી સરકાર આ સમયમાં આર્થિક સુધારાને નવો ઓપ આપે, વધુ ઝડપ કરે, વધુ ઉદાર અને પારદર્શક તેમ જ વ્યવહારું બનાવે તો મોટાપાયે સ્થાનિક અને વિદેશી રોકાણને આકર્ષી શકે છે. ભારત હજી પણ જગત માટે મહત્ત્વની બજાર છે. ચીન કરતા જગતનું ધ્યાન ભારત પર વધી રહયું છે. ખાસ કરીને આ કપરાં કોવિદ-19ના સમયમાં ભારતે જે કામગીરી બજાવી છે અને યુએસએ સહિત અન્ય દેશોને માર્ગદર્શન તેમ જ સપોર્ટ કર્યો છે તે સરાહનીય બન્યા છે. જગતના અગ્રણી દેશોએ આ બાબતની નોંધ લીધી છે. ભારત આવા સમયમાં વિદેશી રોકાણ આકર્ષવા પારદર્શક -વ્યવહારું પગલાં જાહેર કરે તો કોવિદ-19 બાદના માહોલમાં ભારત ઊંચું વિદેશી રોકાણ આકર્ષી શકે છે. આ માટે તેણે અત્યારથી તૈયારી કરવી જરૂરી છે.

ઈકોનોમિક રિવાઈવલ માટે સુધારા જરૂરી

મોદી સરકારે અત્યારે તો કોરોના સામેની જંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે, કિંતુ આ સાથે મોદી સરકાર જો ચોકકસ ટીમ આર્થિક સુધારાની તૈયારીમાં લગાડી દે તો આ લક્ષ્ય સાર્થક બની શકે છે. પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીના લક્ષ્યને પહોંચવામાં વિલંબ થઈ શકે એ વાત સાચી, પણ હવે તેને પામવા માટે પ્રયાસ પણ બમણા –ત્રણ ગણાં કરવા પડશે. આ સમય માત્ર કોરોનાની લડાઈનો જ નથી, દેશને આર્થિક મહામારીમાંથી પણ બહાર કાઢવાનો છે. કદાચ આ ઉત્તમ તક પણ છે. આને પડકાર ભલે ગણીએ પણ આ અવસર પણ ખરો. આમ પણ અર્થંતંત્રના પુનરુત્થાન માટે આર્થિક સુધારા અનિવાર્ય બને છે.

અગાઉના આર્થિક સુધારાના દાખલા જોઈએ તો 1992માં સિકયોરિટી સ્કેમ બાદ લેવાયા ઘણાં આર્થિક સુધારા થયા હતા, એ પછી 2008ની ક્રાઈસિસ વખતે પણ કરાયા હતા. નરસિંહ રાવ સરકારથી લઈ ડો. મનમોહન સિંહની સરકાર સુધી આર્થિક સુધારાનો એક દોર ચાલ્યો હતો. એ પછી મોદી સરકારે 2014 થી સુધારાને વધુ નકકર સ્વરૂપ સાથે નવી દિશા પણ આપવાનું શરૂ કર્યુ. જીએસટી, ગરીબો માટેની અનેક યોજના, જનધન, ઈન્સોલવન્સી એકટ, બેંકોના મર્જર, ડિફોલ્ટર્સ સામે એકશન, મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, વગેરે સહિત ઘણાં દાખલા છે. આશા રાખીએ કે મોદી સરકાર આ વિષય પર કામ કરતી જ હશે. સરકાર કોરોનાના માહોલમાંથી મુકત થયા બાદ આ દિશામાં વધુ જોર આપશે એવું ચોકકસ માની શકાય અને આમ કરવાની ફરજ પણ પડશે. મોદી હૈ તો મુમકિન હૈ !

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)