વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સામે ગોદરેજ ગ્રુપ અદાલતમાં ગયું છે.
મુંબઈ અને અમદાવાદ વચ્ચેના સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે મુંબઈના ઉપનગર વિક્રોલીમાં જે જમીન સંપાદિત કરી રહી છે તે પોતાની પ્રાઈમ પ્રોપર્ટી છે એવો ગોદરેજ ગ્રુપે દાવો કર્યો છે અને સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
ગોદરેજ ગ્રુપે કોર્ટને એવી અરજી કરી છે કે તે સંબંધિત સત્તાધીશોને આદેશ આપે કે પ્રોજેક્ટનું અલાઈનમેન્ટ ચેન્જ કરી દે જેથી ગ્રુપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ગોદરેજ કન્સ્ટ્રક્શનને 8.6 એકર જમીન મળી શકે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વર્તમાન અલાઈનમેન્ટ અનુસાર, મુંબઈ અને અમદાવાદ વચ્ચે કુલ 508.17 કિ.મી.ના અંતરવાળો પ્રોજેક્ટ હશે, જેમાં આશરે 21 કિ.મી.નો વિસ્તાર ભૂગર્ભ હશે.
અન્ડરગ્રાઉન્ડ ટનલનો એક પ્રવેશ માર્ગ જમીન પર વિક્રોલીમાં પડે છે.
ગોદરેજ ગ્રુપે તેની પીટિશન ગયા મહિને હાઈકોર્ટમાં નોંધાવી હતી. તેની સુનાવણી 31 જુલાઈએ હાઈકોર્ટના સિંગલ જજની બેન્ચ કરે એવી ધારણા છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કિસાનો તરફથી પણ વિરોધ થયો છે.
ગુજરાતના ચાર કિસાનોએ આ પ્રોજેક્ટ માટે એમની જમીન સંપાદિત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.
વડા પ્રધાન મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબેએ ગયા વર્ષના સપ્ટેંબરમાં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
દેશની એ પ્રથમ બુલે ટ્રેન બનશે જે કલાકના 350 કિ.મી.ની ઝડપે દોડશે. તે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર ત્રણ કલાકથી પણ ઓછા સમયમાં કવર કરશે જે સામાન્ય રીતે સાડા છથી સાત કલાક થાય છે.
બુલેટ ટ્રેન કુલ 12 સ્ટેશને ઊભી રહેશે, જેમાંના ચાર સ્ટેશન મહારાષ્ટ્રમાં હશે.