નેગેટિવ ફેકટર વચ્ચે શેરબજારની તેજી કેટલી સ્ટ્રોંગ?

શેરબજાર ફરીથી તેજીના તબક્કામાં આવ્યું છે. એફઆઈઆઈની વેચવાલી સહિત અનેક નેગેટિવ ફેકટર વચ્ચે પણ શેરબજારનો સેન્સેક્સ 36,500ની સપાટી કૂદાવીને શુક્રવારે 36,541.63 બંધ રહ્યો હતો, તેમ જ નિફટી ઈન્ડેક્સ પણ 11,000ની અતિમહત્વની સપાટી કૂદાવીને 11,018.90 બંધ થયો હતો. પણ ગુરુવારે સેન્સેક્સ અને નિફટીએ ઐતિહાસિક નવા ઊંચા લેવલ બતાવ્યા હતા. આમ જોઈએ તો શેરબજારમાં તેજી થવા પાછળ કોઈ જ કારણ નથી. માત્ર ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં સટ્ટાકીય લેવાલીથી તેજીનો સંચાર થયો છે. તેની સામે મીડકેપ અને સ્મોલકેપ સ્ટોકમાં તેજી દેખાઈ નથી. સીલેક્ટેડ સ્ટોકને છોડીને તમે ભાવની સરખામણી કરશો તો દેખાશે, કે શેરબજારની આ તેજી કેટલી વાજબી અને સ્ટ્રોંગ છે. રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે. આ છેતરામણી તેજી પણ હોઈ શકે છે, જેથી માર્કેટની ચાલ જોઈને જ નવું રોકાણ કરલા સલાહ છે.

હાલ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આવતી એસઆઈપીનું રોકાણ સ્ટોક માર્કેટ આવી રહ્યું છે, જેને લઈને જ હેવીવેઈટ અને ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં તેજીનો રંગ જોવા મળ્યો છે, આ એક તેજીનું કારણ આપણી સામે છે. સટોડિયા થોડાક એક્ટિવ છે, અને તેઓએ હેવીવેઈટ સ્ટોકમાં નવું બાઈંગ કરીને સ્ટોક માર્કેટને બુલ ફેઝમાં લાવીને મુકી દીધું છે. જો કે હવે આગામી દિવસોમાં કે મહિનામાં ખબર પડશે કે ઓફલોડિંગ કરવા માટે તો સ્ટોક માર્કેટને ઉછાળ્યું નથી ને? દરેક વખતે નગેટિવ ફેકટરમાં તેજી થાય તે ચિંતા ઉપજાવનારી સાબિત થઈ છે. આ વખતે પણ આમ જ થયું હોય તેમ દેખાય છે. પણ અત્રેથી રોકાણકારોને સાવધાન કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે. આ કોઈ બ્રોડ બેઈઝ તેજી નથી… માત્રને માત્ર ઈન્ડેક્સ આધારિત સ્ટોકની તેજી છે. જો તેમાં ફસાશો તો લાંબાગાળે નુકશાન વહોરવાનો વારો આવી શકે છે.

આપણે હવે નેગેટિવ ફેકટર પર નજર કરીએઃ

–      આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઊંચકાયા છે, જેને પગલે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધ્યાં છે.

–      પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવને કારણે ફૂગાવો વધીને આવવાની શક્યતા છે.

–      તાજેતરમાં મે મહિનાની સરખામણીએ જૂનમાં રીટેઈલ ફૂગાવો વધીને 5 ટકાની ઉપર નીકળ્યો છે.

–      એફઆઈઆઈ નેટ સેલર છે, તમે આંકડા ઉપર નજર કરશો તો તમને ખબર પડશે. દરરોજ વિદેશી રોકાણકાર સંસ્થાઓ પોતાના સ્ટોક વેચી રહ્યાં છે, અને રોકાણ તેમના દેશમાં પાછું લઈ જઈ રહ્યાં છે.

–      ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો છે. હાલ ડૉલર સામે રૂપિયો 68.52 પર ટ્રેડ કરી રહ્યો છે.

–      આગામી દિવસોમાં રૂપિયો વધુ ઘટે તેવી પૂરી સંભાવના છે.

–      અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ‘નેશન ફર્સ્ટ’ની નીતિ બીજા દેશ માટે ખતરાની ઘંટડી સમાન બનશે.

–      અમેરિકા, ચીન, રશિયા અને ભારત સાથે છેડાયેલ ટ્રેડ વૉર ભયાનક છે, લાંબા ગાળે તેની વિપરીત અસરો જોવા મળશે.

–      ભારતમાં જોઈએ તો જીએસટીની આવક વધી છે, જેનાથી કેન્દ્ર સરકાર ખુશ છે, પણ સામે વેપારધંધામાં મંદી આવી છે. બિઝનેસમેનો નાખુશ છે, અને જીએસટીના રેટ ઘટે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યાં છે.

–      જૂન મહિનામાં નિકાસ 17.6 ટકા વધી છે સામે આયાત 21.3 ટકા વધી છે.

–      મોંઘા ક્રૂડની આયાતને કારણે ટ્રેડ ડેફિસીટ વધીને 16.6 અબજ ડૉલર પહોંચી ગઈ છે, જે સાડા ત્રણ વર્ષની હાઈ પર પહોંચી ગઈ છે. જે ચિંતાનું કારણ છે.

–      ટ્રેડ ડેફિસીટ વધી છે, જેને કારણે કરંટ એકાઉન્ટની ડેફિસીટ પણ વધીને આવવાની શક્યતા છે.

–      નિકાસ કરતાં એમએસએમઈ સેકટરોને લિકવિટીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.

–      બેકિંગ અને લેન્ડિંગ એજન્સીઓ સતત લેન્ડિંગ નોર્મ્સને કડક કરી રહી છે.

–      જૂન મહિનામાં ઓઈલનું ઈમ્પોર્ટ 56.61 ટકા વધ્યું છે.

–      જો કે સામે ગોલ્ડની આયાત 3 ટકા ઘટી છે.

–      1 જાન્યુઆરી. 2018થી 11 જુલાઈ, 2018 સુધીમાં સેન્સેક્સ માત્ર 7.26 ટકા વધ્યો છે, અને બીએસઈ-100 ઈન્ડેક્સ 2.23 ટકા વધ્યો છે.

–      જ્યારે 1 જાન્યુઆરી, 2018થી 11 જુલાઈ સુધીમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 12.35 ટકા ઘટ્યો છે.

–      તેવી  જ રીતે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 14.79 ટકા નેગેટિવ રહ્યો છે.

–      ઈન્ડેક્સ આધારિત પાંચ સ્ટોકની વાત કરીએ તો 1 જાન્યુ., 2018થી 11 જુલાઈ, 2018 સુધીમાં ટીસીએસમાં 49 ટકા, કોટક મહિન્દ્રા બેંકમાં 38 ટકા, ઈન્ફોસીસમાં 28 ટકા, હિન્દુસ્તાન યુનીલીવરમાં 27 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 25 ટકાની તેજી થઈ છે, જેને કારણે આજે સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે.

 

2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં હાલની રાજકીય પરિસ્થિતિ જોતાં ભાજપ માટે કપરાં ચઢાણ દેખાઈ રહ્યા છે.

મિત્રો, આટલા બધા નેગેટિવ ફેકટર વચ્ચે સ્ટોક માર્કેટની તેજી કેટલી સ્ટ્રોંગ છે, તે તમે જાતે જ નક્કી કરજો. નવા રોકાણ કરતાં પહેલા વિચારજો. અથવા તમારે નવું રોકાણ કરવું હોય તો તમે તે રોકાણના ભાગ કરજો. બધુ રોકાણ સ્ટોક માર્કેટમાં નહી કરતાં. કારણ કે આગળ ઉપર સ્ટોક માર્કેટની તેજી વધુ આગળ વધશે કે કેમ? તે એક મોટો પ્રશ્ન છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]