વોરેન બફેટની કંપનીની AGMમાંથી મળેલા ત્રણ મોટા બોધપાઠ

વિશ્વભરમાં જાણીતા રોકાણકાર વોરેન બફેટ એમની કંપની બર્કશાયર હેથવેની વાર્ષિક મીટિંગમાં જે બોલે તેના પર નાણાકીય વિશ્વની દરેક વ્યક્તિની નજર હોય છે. કોરોના રોગચાળાને અનુલક્ષીને આ વખતે એ મીટિંગમાં માત્ર ગણતરીના લોકો હાજર રહ્યા હતા. ચાલો, આપણે એ મહાન રોકાણકારની પાસેથી કંઈક શીખીએ.

1) બફેટે વાર્ષિક સાધારણ સભામાં કહ્યું હતું કે બજારમાં આવતી કાલે, આવતા સપ્તાહે, આવતા મહિને, આવતા વર્ષે શું થવાનું છે એની કોઈને ખબર નથી. અમેરિકા આગળ વધશે એટલું મને ખબર છે, પરંતુ બજારમાં કંઈ પણ થઈ શકે છે.

વર્ષ 2008માં નાણાકીય કટોકટી વખતે વોરેન બફેટે મોટાપાયે ખરીદી કરી હતી, પરંતુ આ વખતે એમની કંપનીએ ઘણું જ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. અત્યારે કંપની પાસે 137 અબજ ડૉલરની રોકડ પડેલી છે અને તેણે ઘટાડે વધુ શેર લેવાને બદલે ઘણા શેર વેચી દીધા છે.
”બીજા બધા ડરતા હોય ત્યારે તમારે લોભી બની જવું” એવા પોતાના વિધાનથી વિપરીત એમનું વર્તન રહ્યું છે એવું પ્રથમ દૃષ્ટિએ લાગતું હોય, પરંતુ હકીકતમાં તેઓ અત્યારે બજારમાં પ્રવેશવાને બદલે સંજોગો સુધરવાની રાહ જોવા તૈયાર છે.
એમના સંદેશ પરથી સ્પષ્ટ થાય છે કે માર્કેટમાં રિકવરી આવશે એ બાબતમાં તેમને વિશ્વાસ છે.
વોરેન બફેટના વલણ પરથી આપણે કહી શકીએ છીએ કે ભારતીય ઈક્વિટી માર્કેટ અત્યારે આકર્ષક લાગી રહી છે, પરંતુ હજી આગળ શું થવાનું છે તેના વિશે કોઈને ખબર નથી. આવા સંજોગોમાં ઈમરજન્સીમાં કામે લાગે એવી મોટી રકમ પોતાની પાસે અલગથી રાખેલી હોવી જોઈએ. એ ઉપરાંત નજીકના ભવિષ્યમાં આવનારા ખર્ચને પહોંચી વળવા માટે પણ પૂરતાં નાણાં હોવાં જોઈએ. એ જોગવાઈ થઈ ગઈ હોય તો જ ઈક્વિટીમાં રોકાણ કરવું. એમાંય પાછું એસેટ એલોકેશનનું ધ્યાન રાખવું. બજારમાં એક સાથે મોટી રકમ મૂકવાને બદલે ટુકડે-ટુકડે રોકાણ કરતાં જવું અને પોતે કેટલું જોખમ લઈ શકે છે એ વાતનું દરેક રોકાણકારે ધ્યાન રાખવું.
2) કોઈ પણ ઉદ્યોગના શેરમાં રોકાણ કરો ત્યારે એ ઉદ્યોગ સમાજ પર કેવી રીતે અસર કરે છે અને ઉદ્યોગ કેટલી વૃદ્ધિ કરી શકશે એનો નહીં, પરંતુ એ કંપની જે લાભદાયક સ્થિતિમાં છે એ સ્થિતિ કેટલો વખત ટકશે એનો વિચાર કરવો જોઈએ.
ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને કહેવું કે બર્કશાયર હેથવેએ ગત જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં આશરે 50 અબજ ડૉલરની ખોટ કરી હતી. ગત એક વર્ષમાં કંપનીના શેરનો ભાવ 17 ટકા ઘટ્યો છે. વાર્ષિક સાધારણ સભામાં બફેટે કબૂલ્યું હતું કે પોતે 2016માં અમેરિકાની ચાર મોટી ઍરલાઇન્સમાં આશરે 10 ટકા હિસ્સો ખરીદ્યો એ તેમની ભૂલ હતી. ગયા મહિને બફેટે ઍરલાઇન્સમાંથી પોતાનું બધું રોકાણ કાઢી લીધું.
બફેટે કર્યું એ રીતે બીજા રોકાણકારોએ પણ લોકડાઉનના આ સમયનો ઉપયોગ કરીને પોતાના રોકાણના પોર્ટફોલિયોની સમીક્ષા કરી લેવી જોઈએ અને તેમાં આવશ્યક ફેરફાર કરવા જોઈએ. તમારા પોર્ટફોલિયોમાં કોઈ એક ક્ષેત્ર કે એક એસેટ ક્લાસનું વધારે પડતું રોકાણ છે કે કેમ એ જોઈ લેવું. કોઈની ટિપના આધારે રોકાણ કરવું નહીં. હંમેશાં ફાઇનાન્શિયલ પ્લાનરની સાથે બેસીને આ સમીક્ષા કરવી જોઈએ. તમારા નાણાકીય લક્ષ્યને આડે આવતાં હોય એ બધાં વિઘ્નો દૂર કરવાં પર ધ્યાન આપવું જોઈએ.
3) તમારી પાસે ભલે ઘણી બધી આવડત હોય કે પછી તમે ભલે ઘણી મહેનત કરી શકતા હો, અમુક કામમાં સમય લાગતો જ હોય છે. બાળકનો જન્મ થાય એ માટે નવ મહિનાનો સમય લાગવાનો જ છે. નવ ગર્ભવતી મહિલાઓને ભેગી કરીને એક મહિનામાં બાળકનો જન્મ કરાવી શકાતો નથી.
વોરેન બફેટે આ વાત કહેવા ઉપરાંત અમેરિકાની કંપનીઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમેરિકન આંતરિક યુદ્ધ, મહામંદી, વગેરે અનેક પડકારો છતાં અમેરિકા આગળ વધ્યું છે.
એમની આ વાત પરથી કહી શકાય કે ભારત જેવા દેશમાં લાંબા ગાળે આર્થિક વિકાસ થવાનો જ છે. 1991માં શરૂ કરાયેલી આર્થિક ઉદારીકરણની પ્રક્રિયાને પગલે દેશની વૃદ્ધિ થઈ છે. જો કે, બફેટે એમ પણ કહ્યું હતું કે 1929માં બજાર 381ના ટોચના સ્તરે હતું. 1930ની મહામંદી બાદ એ સ્તર આવતાં 25 વર્ષ લાગી ગયાં. ત્યાર પછીનાં 66 વર્ષોમાં બજારમાં ઘણું મોટું વળતર મળ્યું છે.
ઉપરોક્ત મુદ્દા પરથી એમ કહી શકાય કે બજારમાં રિકવરી થવામાં વાર લાગી શકે છે, પરંતુ આખરે તો આર્થિક પ્રવૃત્તિઓ વેગ પકડતી જ હોય છે. આથી કટોકટીના વખતમાં બજારમાં પ્રવેશવાનો વિચાર હોય તો પહેલાં પોતાના નાણાકીય લક્ષ્યને સ્પષ્ટ સમજી લેવું જોઈએ, પોતાની જોખમ લેવાની ક્ષમતા જાણી લેવી જોઈએ, નાણાકીય બાબતોમાં પોતાની આદતો કેવી છે તેનું વિશ્લેષણ કરી લેવું જોઈએ. ધીરજ અને વોલેટિલિટી સહન કરવાની શક્તિ દરેક રોકાણકાર પાસે હોવી જોઈએ. જો તમારી પાસે આ બધા ગુણ હશે તો ઈક્વિટીમાં રોકાણ કરવાનાં ફળ તમને ચોક્કસપણે મળી શકશે.
  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)