નોટબંધીનું એક વર્ષઃ પીએમ મોદીનો હિંમતભર્યો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશભરમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટોને ચલણમાંથી રદ કર્યાને બુધવાર ૮ નવેમ્બરે એક વર્ષ પૂરું થશે. ૨૦૧૬ની ૮ નવેમ્બરે રાતે ટીવી પર પ્રગટ થઈને વડાપ્રધાન મોદીએ આ બે નોટને ચલણમાંથી તાત્કાલિક મધરાતથી જ પાછી ખેંચી લીધાની જાહેરાત કરી એ સાથે જ દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો.

આ નોટબંધી નિર્ણયના બચાવમાં અને એની વિરુદ્ધમાં અનેક દલીલો થઈ છે. આ નિર્ણયને લીધે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને પણ ખાસ્સી એવી ઠેસ પહોંચી છે. તો ઘણાય લોકોએ મોદીના આ પગલાંને હિંમતભર્યો ગણાવ્યો છે.

લોકોની ખરીદશક્તિ ઘટી

નોટબંધી નિર્ણય અમલમાં મૂકાયા બાદ આમ જનતાની ખરીદશક્તિ તથા વેપારીઓની વ્યાપાર શૈલીને મોટો ફટકો પડ્યો છે. ખરીદીમાં ધરખમ કાપ મૂકાઈ ગયો છે. લોકો માત્ર જરૂરી હોય એ જ ચીજવસ્તુઓ ખરીદી રહ્યાં છે. એવી જ રીતે, વેપારીઓએ પણ ખરીદીમાં બ્રેક લગાવી દીધી છે. તેઓ મોંઘી હોય એવી ચીજવસ્તુઓનો સ્ટોક ભરતા નથી. દૈનિક પગારવાળા મજૂરો માટે નવી નોકરી મેળવવાનું મુશ્કેલ બની ગયું છે. કંપનીઓને નવા ઓર્ડર મળતા બંધ થઈ ગયા છે અથવા વેઈટિંગ પીરિયડમાં જતા રહ્યા છે.

બેનામી નાણાં સપાટી પર આવ્યાં

નોટબંધી નિર્ણયને પગલે કરોડોની કિંમતનું કાળું નાણું અથવા બિનહિસાબી રોકડ રકમ બહાર આવી ગઈ. ૫૦૦, ૧૦૦૦ની નોટ અચાનક બંધ કરી દેવાતાં પાકિસ્તાન તથા અન્ય પડોશી દેશોમાંથી નકલી ભારતીય ચલણી નોટો ઘૂસાડવાની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો છે. નોટબંધીને કારણે દેશનું અર્થતંત્ર શરૂઆતમાં ધીમું જરૂર પડ્યું હતું, પરંતુ બાદમાં ૫૦૦ રૂપિયાની નવી તથા ૨૦૦૦ના નવા મૂલ્યની ચલણી નોટો સર્ક્યૂલેશનમાં મૂકાતાં ધીમે ધીમે મામલો થાળે પડ્યો હતો.

શરૂઆતમાં ઘણા અઠવાડિયાઓ સુધી લોકોને એમના દૈનિક ખર્ચને પહોંચી વળવા રોકડ મેળવવા માટે બેન્કો તથા એટીએમ ખાતે લાઈનોમાં ઊભા રહેવું પડ્યું હતું, પરંતુ ધીમે ધીમે રાહત મળતી ગઈ અને એમાં વધારો પણ થતો ગયો હતો.

આમ જનતા તરફથી મહદ્દઅંશે આવકાર

ભાજપની સરકારે અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. વડાપ્રધાન મોદી તથા નાણાંપ્રધાન અરૂણ જેટલી તથા મોદી સરકારના અન્ય સિનિયર પ્રધાનોએ પણ નોટબંધી નિર્ણયનો સખત બચાવ કર્યો છે. દેશભરમાં ઘણાય બેડરૂમ્સ અને ભૂગર્ભ રૂમ્સમાં સંતાડી રાખવામાં આવેલા કરોડો રૂપિયા જે તે વ્યક્તિઓનાં નામે કે અન્યોનાં નામે બેન્કોમાં પહોંચવા લાગ્યા હતા. જે લોકો નિર્ધારિત રકમ કરતાં વધુ નાણાં બેન્કોમાં જમા કરાવતા હતા એમની બરાબર ચકાસણી કરવામાં આવી હતી. ટૂંકમાં, જેમણે કાળું નાણું સંઘર્યું હતું એમને વધારે મુસીબત પડી હતી. આમ આદમીને રોકડની અનુપલબ્ધિની સમસ્યા નડી હતી. પરંતુ આમ જનતામાં બહુમતી લોકોએ મોદી સરકારના નોટબંધી નિર્ણયને આવકાર્યો હતો. રોકડ રકમની અનુપલબ્ધિની સમસ્યા બેન્કોના ભ્રષ્ટ અધિકારીઓને કારણે થોડોક સમય સુધી નડી હતી. બાદમાં એવા અધિકારીઓ, સ્ટાફ નજરે ચડી ગયા બાદ પરિસ્થિતિ અંકુશમાં આવી ગઈ હતી.

એકંદરે, નોટબંધીનું સમગ્ર મિશન સફળ રહ્યું ગણાય. વિરોધ પક્ષોએ તો સ્વાભાવિક રીતે જ મોદી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેઓ મંગળવારે ૮ નવેમ્બરને કાળો દિવસ તરીકે મનાવવાના છે. તો મોદી સરકારે ૮ નવેમ્બરને કાળા નાણાં-વિરોધી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

હજી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવા ક્રાંતિકારી પગલાં લેવાનું બાકી છે અને મોદી સરકાર એ હિંમત ક્યારે કરે છે એ જોવાનું રસપ્રદ બની રહેશે.

(અહેવાલઃ મનોજ મોતીવાલા)

(નોટબંધી નિર્ણયથી અમુક લોકો નારાજ પણ થયા હતા. એમણે રમૂજી રીતે દર્શાવ્યો સંગીતમય વિરોધ)

httpss://youtu.be/VyEXm1cQRiY