સોનમ ખાને નામ બદલી ઉંમર છુપાવી

‘ત્રિદેવ’ (૧૯૮૯) થી વધારે જાણીતી થનાર અભિનેત્રી સોનમ ખાને એટલી નાની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો કે નામ બદલવા સાથે ઉંમર છુપાવી હતી. સોનમે પરિવારને મદદરૂપ થવા ૧૪ વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ શરૂ કર્યું હતું. રઝા મુરાદની એ ભત્રીજી હતી અને દાદા બોલિવૂડ સાથે સંકળાયેલા હોવાથી બોલિવૂડમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી ન હતી. સોનમ એક ફોટોસેશન કરીને ફિરોઝ ખાનને બતાવવા ગઈ હતી. એમણે સ્ક્રીન ટેસ્ટ લઈને ફિલ્મ ‘યલગાર’ માટે સાઇન કરી લીધી હતી. ફિરોઝે ખાસ કહ્યું હતું કે તારું નામ સારું હોવાથી ના બદલીશ.

સોનમનું નામ બખ્તાવર ખાન હતું. પરંતુ એમણે કોઈ કારણથી ત્યારે ‘યલગાર’ બંધ કરી દીધી અને ‘દયાવાન’ (૧૯૮૮) બનાવવાનું આયોજન કર્યું હતું. ફિરોઝે એને ફિલ્મમાં વિનોદ ખન્ના સામે લઈ શકે એમ ના હોવાનું જણાવ્યું હતું. કેમકે તે વિનોદ સામે ઉંમરમાં હકીકતમાં નાની હતી અને દેખાતી પણ હતી. તે એમાં વિનોદની પુત્રીની ભૂમિકા પણ આપવા માગતા ન હતા. કેમકે એ સમયમાં કલાકાર ટાઈપકાસ્ટ થઈ જતાં હતા. પહેલી વખત પુત્રીની ભૂમિકા ભજવ્યા પછી એવી જ ભૂમિકાઓ મળે એમ હતી. તેથી હીરોઈન તરીકે તક મળવાની શક્યતા રહેતી ન હતી. સોનમે એમની વાત માની લીધી અને બીજા નિર્માતાઓને ત્યાં ચક્કર મારવા લાગી હતી. એક જગ્યાએ એને રિશી કપૂર મળી ગયા. એમણે કહ્યું કે યશ ચોપડા એની સાથે એક ફિલ્મનું આયોજન કરી રહ્યા છે. તું પ્રયત્ન કરી જો. અને ‘યલગાર’ માટે ફિરોઝે જે સ્ક્રીન ટેસ્ટ લીધો હતો એ લઈને સોનમ યશ ચોપડાને મળી.

યશ ચોપડાએ સ્ક્રીન ટેસ્ટથી પ્રભાવિત થઈ એને ફિલ્મ ‘વિજય’ (૧૯૮૮) માટે ઋષિ કપૂર સામે સાઇન કરી લીધી. પણ એમ કહીને નામ બદલવા કહ્યું કે બખ્તાવર ખાન ડાકુનું હોય એવું લાગે છે. એમણે જ નવું નામ સોનમ પણ આપી દીધું. યશજીએ સોનમને એક સારી વાત એ કહી કે એ તેની સાથે કોઈ ખાસ પ્રકારનો કરાર કરશે નહીં. ફિલ્મ મલ્ટીસ્ટારર હતી અને એમાં સોનમની ભૂમિકા નાની હતી એટલે એમણે એને બીજી ફિલ્મો સાઇન કરવા આઝાદી આપી હતી. અને સોનમે ટૂંકા ગાળામાં અનેક ફિલ્મો સાઇન કરી લીધી હતી. એ રોજ બે-ત્રણ શિફ્ટમાં કામ કરતી હતી. સોનમે યશજીને પોતાની ઉંમર ખોટી બતાવી હતી. એ ૧૪ વર્ષની હતી પણ ૧૮ વર્ષની કહી હતી. જ્યારે ફિલ્મ ‘વિજય’ ના શૂટિંગ માટે વિદેશ જવાનું થયું અને એનો સ્કૂલનો દાખલો માગ્યો ત્યારે પોલ ખૂલી ગઈ હતી. એમણે સોનમને ફિલ્મમાંથી કાઢી મૂકવાની વાત કરી હતી. પરંતુ સોનમે કરગરીને એમને મનાવી લીધા હતા. સોનમે પહેલી ફિલ્મ ‘વિજય’ માં બિકિનીમાં બિન્દાસ દ્રશ્યો આપીને ધમાલ મચાવી દીધી હતી. તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. યશ ચોપડાની સલાહ હતી કે કારકિર્દી સારી ચાલી રહી હોવાથી લગ્ન ના કરીશ. પણ સોનમે નિર્દેશક રાજીવ રાય સાથે લગ્ન કરીને ફિલ્મોને અલવિદા કહી દીધું હતું.