હિન્દી ફિલ્મોના રોમેન્ટિક સ્ટાર દેવ આનંદની આજે નવમી પુણ્યતિથિ. ૩ ડીસેમ્બર, ૨૦૧૧ના રોજ લંડનમાં હેલ્થ ચેક-અપ માટે ગયેલા દેવસાહેબ ૮૮ વર્ષની ઉંમરે, રાત્રે ઊંઘમાં જ આ જગતને અલવિદા કહી ગયા હતા. એ માનતા કે લગ્ન અને મૃત્યુ એકદમ અંગત બાબતો છે માટે બન્ને ખાનગી રહેવા જોઈએ.
ધર્મદેવ આનંદ નામે ૨૬ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ સાકરગઢ, ગુરદાસપુર, પંજાબમાં તેમનો જન્મ. ફિલ્મ નિર્માતા, અભિનેતા, લેખક, દિગ્દર્શક અને સૌથી વધુ તો પ્રેક્ષકોના દિલની ધડકન હતા એ. મોટાભાઈ ચેતન આનંદ સાથે તેમણે છેક ૧૯૪૯માં નવકેતન ફિલ્મ્સની સ્થાપના કરી હતી. લાહોરમાં અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. થયા હતા.‘ટેક્સી ડ્રાઈવર’ ફિલ્મના નિર્માણ દરમ્યાન ખાનગીમાં અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે લગ્ન પણ કર્યા હતા. એમના બે સંતાનો એટલે સુનીલ આનંદ અને દેવીના આનંદ.
ભારત સરકારે તેમને ૨૦૦૧ના વર્ષમાં પદ્મભૂષણ અને ૨૦૦૨માં શ્રેષ્ઠ સિનેસન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ૬૫થી વધુ વર્ષની કરિયરમાં તેમણે ૧૧૪ ફિલ્મમાં અભિનય કર્યો અને તેમાંની ૯૨ ફિલ્મમાં તો એ સોલો લીડ હીરો હતા!
ચાલીસના દાયકાના આરંભમાં ફિલ્મોમાં કામ કરવા માટે દેવ મુંબઈ આવ્યા અને ચર્ચગેટની સેન્સર્સ ઓફિસમાં કામ કરીને શરૂઆત કરી. ત્યારે તેમને માસિક રૂ. ૧૬૫નો પગાર મળતો હતો. નાટ્યસંસ્થા ઇપ્ટા સાથે જોડાયા બાદ અશોક કુમારની ‘અછૂતકન્યા’ અને ‘કિસ્મત ’ફિલ્મ જોઈને તેમને ફિલ્મ અભિનેતા બનવાનો શોખ જાગ્યો.
દેવ આનંદ હંમેશા જે ફિલ્મો દ્વારા યાદ રહેશે તેમાં ઝીદ્દી, અફસર, સઝા, બાઝી, જાલ, પતિતા, ટેક્સી ડ્રાઈવર, મુનીમજી, ઘર નંબર ૪૪, ફંટૂશ, સી.આઈ.ડી., પેઈંગ ગેસ્ટ, નૌ દો ગ્યારાહ, સોલવા સાલ, કાલા પાની, અમરદીપ, લવમેરેજ, કાલાબઝાર, બમ્બઈ કા બાબૂ, જબ પ્યાર કિસી સે હોતા હૈ, હમ દોનોં, બાત એક રાત કી, અસલી નકલી, તેરે ઘર કે સામને, તીન દેવીયાં, ગાઈડ, જ્વેલથીફ, પ્રેમ પૂજારી, જ્હોની મેરા નામ, ગેમ્બલર જેવી ફિલ્મોને યાદ કરી શકાય.
(નરેશ કાપડીઆ-સુરત)