અંતર્દૃષ્ટિના ગાયક-સંગીતકાર કે.સી. ડે

વિખ્યાત બંગાળી અભિનેતા, ગાયક, સંગીતકાર અને શિક્ષક ક્રિશ્નચંદ્ર ડેનું 28 નવેમ્બર, 1962ના રોજ નિધન થયું હતું. એમનું સૌથી વધુ મહત્વનું પ્રદાન એ હતું કે એ સચિન દેવ બર્મનના સિનેમા સંગીતના પ્રથમ શિક્ષક અને મેન્ટોર હતા. 1906માં માત્ર 13 વર્ષની ઉંમરે એમણે દ્રષ્ટિ ગુમાવી અને સંપૂર્ણ અંધ બની ગયા. મહાન ગાયક મન્ના ડે એમના ભત્રીજા થાય. કીર્તન ગીતો માટે ડે ને આજે પણ યાદ કરાય છે.

અનેક નાટક મંડળીઓ સાથે કામ કર્યા બાદ કે.સી. ડે અંતે 1940માં ન્યુ થિયેટરમાં પહોંચ્યા હતા. એમણે રેકોર્ડ કરેલાં છસો જેટલા ગીતોમાં મુખ્યત્વે બંગાળી, હિન્દી, ઉર્દૂ, ગુજરાતી અને મુસ્લિમ ધર્મના આઠેક ધાર્મિક ગીતોનો સમાવેશ થાય છે.

હિન્દી ફિલ્મો બોલતી થઇ એટલે કે બોલતી ફિલ્મેની શરૂઆત થઇ કે તરત જ ડે ફિલ્મોમાં સંગીત આપવા માંડ્યા હતા. ફિલ્મોમાં ભાગ લેવા માટે ડે છેક કોલકાતાથી મુંબઈ સુધી યાત્રા પણ કરતા. જો કે, 1942 પછી એ મુંબઈમાં જ રહેવા લાગ્યા હતા.

અભિનેતા તરીકે એમણે ચંડીદાસ (1932), મીરાં, સાબીત્રી, પુરણ ભગત, નળ દમયંતી, શહર કા જાદૂ, ઇન્કિલાબ, ધૂપ છાંવ, દેવદાસ, ભાગ્ય ચક્ર, પુજારીન, માયા, મંઝીલ, ગૃહદાહ, વિદ્યાપતિ, ધરતી માતા, સપેરા, ચાણક્ય, તમન્ના, ઇન્સાન, પૂરબી, દ્રીષ્ટદન, પ્રહલાદ અને ભગવાન શ્રીકૃષ્ણ ચૈતન્ય (1954) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

સંગીત ટુકડીમાં સાજીંદા રૂપે કે.સી. ડે ચંડીદાસ (1932), દેવદાસ, ભાગ્યચક્ર, વિદ્યાપતિ, ધરતી માતા, સપેરે, તમન્ના (1942)માં પ્રવૃત્ત હતા. ભગવાન શ્રીકૃષ્ણ ચૈતન્ય (1954)માં એ ગાયક પણ હતા. ફિલ્મોના સ્વતંત્ર સંગીતકાર રૂપે કે.સી. ડે એ શહર કા જાદૂ (1934), ચંદગુપ્ત, સુનેહરા સંસાર, સોનાર સંસાર, બાગી સિપાહી, અંબિકાપથી (પાશ્વ સંગીત), મિલાપ, શકુંતલા અને પૂરબી (1948) જેવી ફિલ્મોનું સગીત સર્જ્યું હતું.
ભારતીય સિનેમાના આરંભ કાળના આ પ્રજ્ઞાચક્ષુ કલાકારનું કોલકાતામાં 28 નવેમ્બર, 1962ના રોજ નિધન થયું હતું.

(નરેશ કાપડીઆ-સુરત)