ડિસ્કો સંગીતકાર બપ્પી લાહિરી

ડિસ્કો સંગીતકાર બપ્પી લાહિરીનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૯૫૨ના રોજ કોલકાતામાં થયો હતો. હિન્દી ફિલ્મોમાં સિન્થેસાઈઝડ ડિસ્કો સંગીતનો ઉપયોગ કરનાર સંગીતકાર તરીકે એમને હમેશા યાદ કરાશે.

એંશી અને નેવુંના દાયકામાં બપ્પીદાએ રીતસર ધૂમ મચાવેલી. ‘વારદાત’, ‘ડિસ્કો ડાન્સર’, ‘નમક હલાલ’, ‘ડાન્સ ડાન્સ’, ‘કમાન્ડો’, ‘ગેંગ લીડર’, ‘સૈલાબ’ અને ‘શરાબી’ જેવી ફિલ્મોથી એ છવાઇ ગયા હતા. ૧૯૮૬ના એક જ વર્ષમાં ૩૩ ફિલ્મો માટે ૧૮૦ ગીતોનું રેકોર્ડીંગ કરીને એમણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં જાણીતા શાસ્ત્રીય સંગીતના બંગાળી ગાયક અને સંગીતકાર માતા-પિતા બંસરી અને અપરેશ લાહિરીના એકના એક સંતાન છે બપ્પી લાહિરી. માત્ર ત્રણ વર્ષની ઉંમરે બપ્પી તબલા વગાડતા. કિશોરકુમાર એમના મામા થાય. બપ્પીની પ્રાથમિક તાલીમ માતા-પિતાના ખોળામાં જ થઇ હતી.

૧૯ વર્ષની ઉંમરે એ હિન્દી ફિલ્મો માટે મુંબઈ આવ્યા અને ‘ઝખ્મી’ (૧૯૭૫)નું સંગીત આપવાની તક મળી. આ તકની સાથે જ એમની કરિયરમાં વળાંક આવ્યો અને એ જ ફિલ્મમાં એ ગાયક તરીકે પણ ઊભરી આવ્યા.

બપ્પીને પહેલી લોકપ્રિયતા ‘ચલતે ચલતે’ (૧૯૭૬)માં મળી. ફિલ્મના ગીતો ખૂબ લોકપ્રિય થયા અને સંગીતકાર તરીકે ઓળખ બની. એંશીના દાયકાની શરૂઆતમાં બપ્પીએ એમના સંગીતમાં ‘ડિસ્કો સંગીત’નો રંગ ઉમેર્યો. એ ફિલ્મો હતી, ‘વારદાત’, ‘સુહાસ’, ‘લાપરવાહ’, અને ‘પ્યારા દુશ્મન’. એમના ‘હરિ ઓમ હરિ – અરમાન’ કે ‘રંભા હો, સંભા હો’ ખૂબ લોકપ્રિય થયા હતા.

મિથુન ચક્રવર્તી અને બપ્પી લાહિરીનું સંયોજન હિન્દી ફિલ્મમાં ડિસ્કો સંગીતનો યુગ લાવ્યું. બિજિંગમાં ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મ માટે ચાઈનામાં એવોર્ડ મેળવનારા બપ્પી લાહિરી પહેલા ભારતીય સંગીતકાર હતા. ચીન અને રશિયામાં ’જીમી જીમી’ ગીત પણ ખૂબ લોકપ્રિય બન્યું હતું.

બપ્પી દાએ ‘કિસી નઝર કો તેરા ઇન્તઝાર આજ ભી હૈ –ઐતબાર’ જેવી કેટલીક સુમધુર ગઝલ આપવાની સાથે ‘નમક હલાલ’ના ‘પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી’ જેવાં ગીતોમાં કમાલનું ફ્યુઝન મ્યુઝિક પણ વાપર્યું હતું. કહે છે કે બપ્પી લાહિરીએ હિન્દી ઉપરાંત બંગાળી અને દેશની લગભગ તમામ ભાષાની ૫૦૦ ફિલ્મોમાં ૫૦૦૦થી વધુ ગીતોનું સર્જન કર્યું છે. હિન્દી ફિલ્મોની જેમ પોપ મ્યુઝિકના પણ ઢગલાબંધ આલ્બમ એમણે આપ્યા છે.

(નરેશ કાપડીઆ-સુરત)