રાજ કપૂર જીવતા હોત તો આજે ૯૬ વર્ષના થાત. ૧૪ ડીસેમ્બર, ૧૯૨૪ના પેશાવરમાં જન્મેલા રાજ કપૂર એક વિચક્ષણ કલાકાર હતા. ભારતીય સિનેમામાં રાજ કપૂરને સૌથી મહાન અને અસરકારક ફિલ્મકારોમાંના એક રૂપે નવાજવામાં આવે છે. તેમને ત્રણ નેશનલ અને ૧૧ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. ફિલ્મફેર દ્વારા અપાતો લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ રાજ કપૂરના નામે અપાય છે. ટાઈમ મેગેઝીન દ્વારા રાજ કપૂરના ‘આવારા’ના અભિનયને સર્વકાલીન ટોપ ટેન અભિનયમાં ક્રમાંકિત કરાયો છે.
રાજનું પ્રેક્ષકગણ તે સમયે આખી દુનિયામાં, ખાસ કરીને એશિયા અને યુરોપમાં હતું. ભારતીય ફિલ્મોના ‘ક્લાર્ક ગેબલ’ રૂપે હોલીવૂડ તેમને ઓળખે છે. ભારત સરકારે રાજને ૧૯૭૧માં પદ્મ ભૂષણ અને ૧૯૮૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજ્યા હતા.
રાજ પંજાબી હિંદુ પરિવારમાં પૃથ્વીરાજ કપૂર અને રામસરણી દેવીના છ સંતાનોમાં સૌથી મોટા હતા. તેમના ભાઈઓ શમ્મી કપૂર અને શશી કપૂર પણ જાણીતા અભિનેતા હતાં. ત્રીસીના દાયકામાં રાજ દેહરાદૂનની સ્કૂલમાં ભણ્યા હતા.
‘નીલકમલ’ (૧૯૪૭)માં તેઓ મધુબાલા સામે નાયક બન્યા. ૨૪ વર્ષની ઉમરે ૧૯૪૮માં તેમણે આર.કે. ફિલ્મ્સ સંસ્થા શરૂ કરી અને તેમના સમયના સૌથી યુવાન દિગ્દર્શક બન્યા અને ‘આગ’ બનાવી. મેહબૂબખાનની ‘અંદાઝ’ એ રાજની પહેલી સફળતા હતી. નિર્માતા-નિર્દેશક-અભિનેતા રૂપે તેમની પહેલી સફળતા એટલે ‘બરસાત’, જેમાં તેમણે મહાન સંગીતકારો શંકર-જયકિશન અને મહાન ગીતકારો શૈલેન્દ્ર અને હસરત જયપુરીને પહેલી તક આપી હતી.
રાજ કપૂરે પછી સફળ ફિલ્મોની હારમાળા સર્જી. ‘આવારા’, ‘આહ’, ‘શ્રી ૪૨૦’, ‘જાગતે રહો’ બનાવી. તેમના લાંબા સમયના સાથી રઘુ કરમાકરે ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નું નિર્દેશન કર્યું અને ‘શ્રેષ્ઠ ફિલ્મ’નો ફિલ્મફેર એવોર્ડ જીત્યો. પોતાના નિર્માણ ગૃહની બહાર રાજની અભિનેતા તરીકે નોંધપાત્ર ફિલ્મો ‘ચોરી ચોરી’, ‘અનાડી’, ‘છલિયા’, ‘દિલ હી તો હૈ’ આવી. સમાજના પ્રશ્નોની રજૂઆત તેમણે ‘બૂટ પોલિશ’ અને ‘અબ દિલ્લી દૂર નહીં’માં કરી.
૧૯૬૪માં રાજે ‘સંગમ’ બનાવી, નાયક તરીકેની આ તેમની છેલ્લી મોટી સફળતા હતી. ત્યાર બાદ રાજશ્રી, સાયરા બાનુ અને હેમામાલીની જેવી યુવાન અભિનેત્રીઓ સાથેની તેમની ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’, ‘દીવાના’ અને ‘સપનોં કા સૌદાગર’ નિષ્ફળ ગઈ. અંતે છ વર્ષની જહેમતે તેમણે સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ બનાવી, જે પણ નિષ્ફળ ગઈ. તેનાથી રાજ અને પરિવાર દેવામાં ડૂબી ગયા. પછી એમણે મોટા દીકરા રણધીર કપૂરને ‘કલ આજ ઔર કલ’માં અને નાના દીકરા હૃષીકપૂરને ‘બોબી’માં રજૂ કર્યા. હૃષી-ડીમ્પલની ‘બોબી’ જબ્બર સફળ થઇ. નવી પેઢીનો એ પહેલો રોમાન્સ હતો. પછી રણધીર નિર્દેશિત ‘ધરમ કરમ’માં રાજે ચરિત્ર ભૂમિકા કરી.
સિત્તેર અને એંશીના દાયકામાં રાજ નિર્દેશિત ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘પ્રેમ રોગ’, અને ‘રામ તેરી ગંગા મૈલી’ આવી. રાજ તેમના નિધન પહેલાં દીકરા હૃષી અને પાકિસ્તાની અભિનેત્રી ઝેબાની ‘હીના’નું નિર્દેશન કરતા હતા. તેઓ અસ્થમાથી પીડાતા હતા. માત્ર ૬૩ વર્ષની ઉંમરે ફાળકે એવોર્ડ લેતાં રાજ ફસડાઈ પડ્યા અને દિલ્હીની એઈમ્સમાં એક મહિના બાદ ૨ જૂન, ૧૯૮૮ના રોજ શો મેનના જીવન પર પડદો પડ્યો હતો.
(નરેશ કાપડીઆ-સુરત)