વહીદા રહેમાનનું વચન

બોલીવૂડમાં એવા પણ કેટલાક કલાકારો છે જેમણે કોઇને વચન આપ્યું હોય તો પછી એને નિભાવી ય જાણ્યું હોય. વાત છે અભિનેત્રી વહીદા રહેમાનની, જેમણે માતાને આપેલા વચનને કારણે ‘ગાઇડ’ માં કામ કરવા માટે પહેલાં ઇન્કાર કર્યો હતો. દેવ આનંદ નિર્મિત અને વિજય આનંદ નિર્દેશિત ફિલ્મ ‘ગાઇડ’ ની સફળતામાં વાર્તા ઉપરાંત તેનાં દસ જેટલા ગીતો અને વહીદા રહેમાન સાથેની દેવની જોડી મુખ્ય બાબતો બની રહી હતી.

પણ જો દેવ આનંદે નિર્દેશક રાજ ખોસલા સાથે ‘ગાઇડ’ બનાવી હોત તો એમાં હીરોઇન તરીકે વહીદા રહેમાન ના હોત. દેવ આનંદે જ્યારે આર.કે. નારાયણની નવલકથા ‘ધ ગાઇડ’ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે નિર્દેશનની બાગડોર રાજ ખોસલાને સોંપી. કેમકે અગાઉ દેવ આનંદે રાજના નિર્દેશનમાંજાલ, મિલાપ, સીઆઇડી, કાલાપાની, સોલવાં સાલ અને બમ્બઇ કા બાબુ જેવી અડધો ડઝન ફિલ્મમાં કામ કર્યું હતું.

રાજના નિર્દેશનમાં ‘ગાઇડ’ની હીરોઇન તરીકે વહીદા રહેમાનની પસંદગી થઇ, પણ વહીદાએ જ્યારે જાણ્યું કે નિર્દેશક રાજ ખોસલા છે, ત્યારે એમાં કામ કરવાની એમણે ચોખ્ખી ના પાડી દીધી. તેની પાછળનું કારણ એ હતું કે વહીદાએ દેવ આનંદ સાથે રાજ ખોસલાની ૧૯૫૮માં રજૂ થયેલી ‘સોલવાં સાલ’ માં કામ કર્યું હતું. એ ફિલ્મ વખતે રાજ ખોસલાએ વહીદા પર અયોગ્ય ટિપ્પણી કરી હતી. રાજ ખોસલાએ જ્યારે વહીદા માટે અયોગ્ય ટિપ્પણી કરી ત્યારે તેમના માતાએ સાંભળી લીધી હતી. તેમણે પુત્રીને રાજ સાથે કામ ન કરવા સલાહ આપી હતી ત્યારથી વહીદાએ રાજ નિર્દેશિત ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. દેવ આનંદે વહીદાને રાજ સાથે ‘ગાઇડ’ માં કામ કરવા સમજાવ્યાં પણ તે કોઇ રીતે માન્યા નહીં. તેનું કારણ એ હતું કે  માતા જીવતા હતા ત્યાં સુધી વહીદાએ ફિલ્મ ના કરી. અને માતા મૃત્યુશૈયા પર હતા ત્યારે વચન આપ્યું કે તે ભવિષ્યમાં પણ ક્યારેય રાજ ખોસલા સાથે કામ કરશે નહીં. એ વચન વહીદાએ જીવનભર નિભાવ્યું. દેવ આનંદે પણ એમને સાથ આપ્યો. અને હીરોઇન બદલવાને બદલે ‘ગાઇડ’ નું નિર્દેશન ભાઇ વિજય આનંદને સોંપ્યું. એ વાત જૂદી છે કે ‘ગાઇડ’ ને એટલી પસંદ કરવામાં આવી કે દેવ આનંદને રાજ ખોસલા પાસે નિર્દેશન ના કરાવ્યાનો અફસોસ કરવાનો વખત જ ના આવ્યો.

વહીદા અને રાજ વચ્ચેનો એક બીજો કિસ્સો પણ જાણવા જેવો છે. જે ખુદ વહીદાએ એક વખત કહ્યો હતો. વહીદાએ રાજ ખોસલાની એક વાત માની ન હતી અને એના કારણે રાજ વહીદા સાથે ત્રણ દિવસ સુધી બોલ્યા ન હતા. ‘સીઆઇડી’ માટે વહીદાને પસંદ કરવામાં આવ્યા પછી રાજ ખોસલાએ તેમને નામ બદલવા આગ્રહ કર્યો હતો. ગુરુદત્તની પણ વહીદા માટે એવી જ સલાહ હતી. બંનેનું કહેવું હતું કે ‘વહીદા રહેમાન’ નામ સેક્સી લાગતું નથી. એ સમયમાં દિલીપકુમાર, મીનાકુમારી, મધુબાલા વગેરેએ નામ બદલ્યા હોવાથી એવી ફેશન પણ હતી. ત્યારે કારકિર્દીની પહેલી ફિલ્મ ગુમાવવાનો ડર રાખ્યા વગર વહીદાએ કહ્યું હતું કે આ નામ તેને માતા-પિતા તરફથી મળ્યું છે, અને પોતાને એ જ પસંદ છે. રાજ ખોસલાએ ત્રણ દિવસ નારાજ રહીને વહીદાનું અસલ નામ સ્વીકારી લીધું હતું, પરંતુ વહીદા તેમની ‘સોલવાં સાલ’ વખતની એક ટિપ્પણી પર કાયમ માટે નારાજ રહ્યાં.

(રાકેશ ઠક્કર-વાપી)