માર્ગારેટ મેગીઃ નાદિરા

આપણે જેમને નાદિરા તરીકે ઓળખીએ છીએ તે અભિનેત્રી ફ્લોરેન્સ એઝેકીલ ઉર્ફ નાદિરાનો આજે ૮૮મો જન્મ દિન છે. ૫ ડીસેમ્બર, ૧૯૩૨ના રોજ ઈરાકના બગદાદમાં એમનો જન્મ થયો હતો. પચાસ અને સાંઇઠના દાયકાના લોકપ્રિય અભિનેત્રી નાદિરાની યાદગાર ભૂમિકાઓ ‘આન’, ‘શ્રી ૪૨૦’, ‘પાકીઝા’ અને ‘જુલી’ જેવી ફિલ્મોમાં આવી હતી. ‘જુલી’ માટે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

નાદિરાનો જન્મ બગદાદી જ્યુઇશ પરિવારમાં થયો હતો. તેમના બે ભાઇ અમેરિકા અને ઇઝરાયેલમાં રહે છે. મેહબૂબખાનના પત્ની સરદાર અખ્તર નાદિરાને ‘આન’ દ્વારા ફિલ્મોમાં લાવ્યા હતાં. આ ફિલ્મમાં નાદિરા રાજપૂત રાજકુમારી રૂપે દેખાયા અને એમણે બોલ્ડ દ્રશ્યો પણ આપ્યા. એ જ રીતે ‘શ્રી ૪૨૦’માં રાજ કપૂરે તેમને ધનવાનોના પ્રતિનિધિરૂપે રજૂ કર્યાં. ત્યાર બાદ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ‘હસતે જખ્મ’, ‘અમર અકબર એન્થની’ અને ‘પાકીઝા’માં નાદિરા ઝળકયાં. ‘સિપાહ સાલાર’માં એ શમ્મી કપૂરના નાયિકા બન્યા.

નાદિરાના ભાગે હંમેશા મુખ્ય નાયિકા સામેની વેમ્પની ભૂમિકા આવતી હતી. એંશીના દાયકા પછી એ સહાયક પાત્રો ભજવતા. ‘જુલી’માં માતા મેગીના અભિનય માટે તેમને એવોર્ડ મળ્યો. પોતાના દેખાવના કારણે એમને એંગ્લો-ઈન્ડીયન પાત્રો મળતા. ૨૦૦૦ના વર્ષમાં એ છેલ્લે ફિલ્મ ‘જોશ’માં દેખાયા હતા.

નાદિરા ભારતના પહેલા એવા અભિનેત્રી હતા, જેની પાસે રોલ્સ-રોયસ કાર હતી. તેમના ઘણાં સ્નેહીઓ ઇઝરાયેલ જતા રહેતા પાછળથી એ મુંબઈમાં એકલા પડી ગયેલા. જિંદગીના છેલ્લાં ત્રણ વર્ષ તો એ લગભગ એકાંતવાસમાં જ હતા.

લાંબી માંદગી બાદ નાદીરાને મુંબઈના તાડદેવની ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા, જ્યાં ૯ ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજ એમનું ૭૩ વર્ષની ઉંમરે નિધન થયું હતુ.

(નરેશ કાપડીઆ-સુરત)