નિર્દેશક લોરેન્સ ડિસોઝાની ફિલ્મ ‘સાજન’ (૧૯૯૧) માં ટાઇટલ ગીત માટે કોઈ જગ્યા ન હોવાથી રાખવામાં આવ્યું ન હતું. પરંતુ શુટિંગ પૂરું થઈ ગયું હોવા છતાં ગીતકાર સમીર અંજાને એ લખ્યા પછી સલમાન અને માધુરીએ એને પસંદ કર્યું હતું અને રાખવા મંજુરી આપી હતી. ‘સાજન’ ના બધાં ગીતોનું રેકોર્ડિંગ જ નહીં શુટિંગ પૂરું થઈ ગયું હતું અને રજૂ કરવાની તૈયારી ચાલી રહી હતી. એ સમયને યાદ કરતાં સમીરે એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘સાજન’ ના ગીતો લખી રહ્યા હતા ત્યારે એનું ટાઇટલ ગીત લખવાની બહુ ઈચ્છા હતી. પણ કોઈ સ્થિતિ એમાં બની રહી ન હતી. સમીરને આનંદ બક્ષીનું અન્ય ‘સાજન’ (૧૯૬૯) ફિલ્મનું ટાઇટલ ગીત ‘સાજન સાજન પુકારું ગલીયોં મેં’ બહુ ગમતું હતું. એમણે વિચાર્યું હતું કે મને ‘સાજન’ નામની ફિલ્મ મળશે ત્યારે હું આવું જ એક ટાઇટલ ગીત લખીશ. ફિલ્મ મળી ગઈ પણ ટાઇટલ ગીત લખવાની તક ના મળી.
સમીર એક દિવસ સંગીતકાર નદિમ-શ્રવણ સાથે રેસ્ટોરન્ટમાં બેઠા હતા. સમીરને અચાનક એક પંક્તિ સ્ફૂરી અને કહ્યું કે ‘સાજન’ ના ટાઇટલ ગીત માટે વિચાર આવ્યો છે. નદિમે કહ્યું કે ફિલ્મ તો પૂરી થઈ ગઈ છે. સમીરે કહ્યું કે ગીત ના બનાવવું હોય તો વાંધો નહીં પણ સાંભળી લો. સમીરે પહેલી પંક્તિ ‘દેખા હૈ પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર’ બોલી અને નદિમ પ્રભાવિત થઈ ગયો. એણે શ્રવણને કહ્યું કે તું આ પંક્તિ ગણગણ અને હું ધૂન વિચારું છું. શ્રવણ ગાવા લાગ્યા અને નદિમે તરત જ ધૂન બનાવી દીધી.
નદિમે નિર્માતા સુધાકર બોકાડેને ફોન કરીને ટાઇટલ ગીત માટે વાત કરી. એમણે કહ્યું કે ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર થઈ ગઈ છે. હવે કેવી રીતે ગીત કરી શકીશું? નદિમે કહ્યું કે આ ગીત અમે જરૂર કરીશું. બોકાડેએ કહ્યું કે સલમાન અને માધુરીની તારીખો મળી શકે એમ નથી. નદિમ-શ્રવણે સૂચન કર્યું કે તમે બંનેને રેકોર્ડિંગ વખતે બોલાવી લો. જો એમને પસંદ ના આવ્યું તો બીજી કોઈ ફિલ્મમાં વાપરીશું. અને આ ગીત અમે અમારા પૈસે રેકોર્ડ કરાવીશું.
નદિમની જીદ સામે બોકાડે ઝૂકી ગયા. સલમાન- માધુરીને રેકોર્ડિંગ વખતે બોલાવ્યા. ગીત સાંભળીને સલમાને કહી દીધું કે આજે જ આ ગીતના શુટિંગની તૈયારી કરી લો. એક દિવસનું આયોજન કરીને બધા જ ઊટી પહોંચી ગયા અને સવારથી રાત સુધીમાં ગીતનું શુટિંગ કરી લીધું. ફિલ્મ રજૂ થઈ ત્યારે ટાઇટલ ગીતને બહુ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કુમાર સાનૂ અને અલકા યાજ્ઞિકે પહેલી વખત સાથે ગાવાની શરૂઆત કરી હતી. ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘સાજન’ ને ૧૦ થી વધુ કેટેગરીમાં નામાંકન મળ્યું હતું. જેમાં શ્રેષ્ઠ સંગીતનો નદિમ- શ્રવણને અને ‘મેરા દિલ ભી કિતના પાગલ હૈ’
ગીત માટે શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયકનો કુમાર સાનૂને એવોર્ડ મળ્યો હતો.