નિર્દેશિકા ફરાહ ખાન માટે ફિલ્મ ‘મૈં હૂં ના’ (૨૦૦૪) ના કલાકારો પસંદ કરવાનું કામ શાહરૂખ ખાન-સુષ્મિતા સેન સિવાય મુશ્કેલ રહ્યું હતું. શાહરૂખ ખાને તરત જ સંમતિ આપી દીધી હતી. હીરોઈન તરીકે સુષ્મિતાને લેવાનો વાયદો અગાઉથી જ ફરાહે કર્યો હતો. મુખ્ય જોડી પસંદ થઈ ગયા પછી બીજી જોડી પસંદ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. બીજા હીરો ઝાયેદ ખાનની ‘લક્ષ્મણપ્રસાદ શર્મા’ ની ભૂમિકા માટે ઘણા હીરોએ ના પાડી દીધી હતી. સૌથી પહેલાં રિતિક રોશન સાઇન કરવામાં આવ્યો હતો. પરંતુ ફિલ્મ શરૂ થાય એ પહેલાં તેની ‘કહો ના પ્યાર હૈ’ (૨૦૦૦) રજૂ થઈ ગઈ હતી અને એ સ્ટાર બની ગયો હતો એટલે ના પાડી દીધી હતી.
એ પછી અભિષેક બચ્ચનનો સંપર્ક કર્યો હતો. એની સાથે મેળ પડ્યો નહીં. એ ઉપરાંત સોહેલ ખાન વગેરે અનેક સાથે વાત થઈ હતી. પણ શુટિંગને એક મહિનો બાકી રહ્યો ત્યાં સુધી કોઈ હીરો તૈયાર થયો ન હતો. ત્યારે ઝાયેદ ખાન માટે વિચાર કર્યો. એની સંગીત સિવાન નિર્દેશિત ફિલ્મ ‘ચુરા લિયા હૈ તુમને’ (૨૦૦૩) રજૂ થઈ ગઈ હતી. એણે પોતાની ફિલ્મના કેટલાક ફૂટેજ જોવા ફરાહને બોલાવી હતી. ફરાહને એના દ્રશ્યો ગમ્યા નહીં. એનું કામ જોઈને ખાસ પ્રભાવિત થઈ નહીં. પણ એનું હાસ્ય અને બીજી એક-બે વાતો ગમી ગઈ હતી. અને એને ભૂમિકા સોંપી દીધી હતી. બીજી હીરોઈન (સંજના) ની ભૂમિકામાં અમૃતા રાવ પહેલાં ઘણી હીરોઈનો બદલાઈ હતી. સૌથી પહેલાં આયેશા ટાકિયાને સાઇન કરી હતી. ત્યારે એ ‘સોચા ના થા’ (૨૦૦૫) માં કામ કરતી હતી.
ફરાહ આયેશાને કોસ્ચ્યુમ પહેરાવીને જોવા માગતી હતી. નિર્દેશક ઇમ્તિયાઝ અલીએ છેલ્લું એક ગીતનું ચાર-પાંચ દિવસનું શુટિંગ બાકી છે એ પતાવીને છોડશે એમ કહી યુનિટ સાથે આયેશાને હિમાચલપ્રદેશ લઈ ગયા હતા. આયેશા પાંચ દિવસનું કહીને ગઈ હતી પણ પાંચ અઠવાડિયા સુધી પાછી ના આવી. પરિસ્થિતિ એવી હતી કે ‘ચલે જૈસે હવાએ’ ગીતનું રિહર્સલ કરવાનું હતું. કેમકે એક જ વખતમાં એનું શુટિંગ પૂરું કરવાનું આયોજન કર્યું હતું. આખું યુનિટ દાર્જીલિંગ જવા તૈયાર થઈ રહ્યું હતું. ફરાહે આયેશાને છોડીને બીજી છોકરીઓનો સ્ક્રિન ટેસ્ટ લેવાનું શરૂ કરી દીધું અને એક જાહેરાતમાં અમૃતાને જોઈ હોવાથી એને બોલાવી હતી. એ યોગ્ય લાગતાં સાઇન કરી લીધી હતી. ‘રાઘવન દત્તા’ ની ભૂમિકા પણ અનેક પાસે જઈને છેલ્લે સુનીલ શેટ્ટી પાસે પહોંચી હતી.
ફરાહે પહેલાં નસીરુદ્દીન શાહને કહ્યું હતું. એમણે ના પાડ્યા પછી કમલ હસનનો સંપર્ક કર્યો હતો. શાહરૂખે એવો વિશ્વાસ અપાવ્યો હતો કે એમણે ‘હે રામ’ માં સાથે કામ કર્યું હોવાથી એ ના પાડશે નહીં. એમણે એક દિવસ પછી ના પાડી દીધી. જ્યારે નાના પાટેકારનો સંપર્ક કર્યો ત્યારે એમણે ભૂમિકામાં રસ લીધો હતો. એમાં કેટલાક સુધારા પણ કરાવ્યા હતા. ફરાહને એ યોગ્ય લાગતા ફેરફાર કર્યો હતો. એક અઠવાડિયા પછી નાનાએ ના પાડી દીધી હતી. ફરાહ કોઈ મોટા કલાકારને જ લેવા માગતી હતી.
છેલ્લે સુનીલનો સંપર્ક કર્યો અને એ ભૂમિકા મજબૂત હોવાથી તરત હા પાડી દીધી હતી. ફરાહે ‘મૈં હૂં ના’ ના કલાકારોની પસંદગી વિશેની મુકેશ છાબડા સાથેની એક મુલાકાતમાં રાખી સાવંતની ‘મીની’ ની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતું કે એ બુરખો પહેરીને સ્કિન ટેસ્ટ માટે આવી હતી. જ્યારે એણે બુરખો હટાવ્યો ત્યારે એ બિકિનીમાં દેખાઈ હતી! શાહરૂખની ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા હોવાથી એણે હા પાડી દીધી હતી. ફિલ્મમાં અંગપ્રદર્શન કરવા માંગતી હોવાનું રાખીએ કહ્યું હતું પણ ફરાહે સંપૂર્ણ ઢંકાયેલી જ રજૂ કરી હતી.