બક્ષીએ ‘તાલ’ ના એક ગીતના ગાયક બદલાવ્યા    

ફિલ્મ ‘તાલ’ (૧૯૯૯) માં ગીતકાર આનંદ બક્ષીના સૂચનથી એક ગીતમાં ગાયકને બદલવામાં આવ્યા હતા. નિર્દેશક સુભાષ ઘઈએ આનંદ બક્ષી પાસે ફિલ્મ ‘તાલ’ ની એક સિચ્યુએશન મુજબ ‘નહીં સામને તૂ, યે અલગ બાત હૈ’ ગીત તૈયાર કરાવ્યું હતું. સંગીતકાર એ.આર. રહેમાને એ ગીતને માત્ર ગાયક સુખવિંદર સિંહ પાસે ગવડાવ્યું હતું. ગીતનું ફિલ્માંકન થઈ ગયા પછી ઘઇએ એને બતાવવા આનંદ બક્ષીને બોલાવ્યા હતા. બીજું ગીત ‘રમતા જોગી’ પણ તૈયાર થઈ ગયું હોવાથી એ પણ બક્ષીએ જોયું. ‘રમતા જોગી’ ગીત સુખવિંદર સિંહ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં હતું.

બંને ગીત જોયા અને સાંભળ્યા પછી આનંદ બક્ષીએ પહેલો સવાલ એ કર્યો કે,‘સુભાષ ઘઈ, તારામાં અક્કલ છે?’ ઘઇએ એમને પૂછ્યું કે,‘શું થયું છે એ બતાવો.’ આનંદ બક્ષીએ કહ્યું કે,‘સુખવિંદર સિંહ ‘રમતા જોગી’ ગીત અનિલ કપૂર માટે ગાઈ રહ્યો છે. અને સુખવિંદર સિંહ જ અક્ષય ખન્ના માટે ‘નહીં સામને તૂ’ ગાઈ રહ્યો છે. એ કેવી રીતે બની શકે?’ મતલબ કે એક જ ગાયક અલગ – અલગ હીરો માટે ગાઈ ના શકે. ઘઇએ આ વાત રહેમાનને કરી ત્યારે એમણે કહ્યું કે સુખવિંદર સિંહ એટલું સરસ ગાઈ રહ્યો હતો કે મેં બીજું ગીત એની પાસે ગવડાવી દીધું. પણ બંનેને આનંદ બક્ષીની વાત સાચી લાગી હતી. ત્યારે ચોક્કસ હીરો માટે ચોક્કસ ગાયક જ ગીતો ગાતા હતા. પછીથી ધીમે ધીમે એમાં પરિવર્તન આવ્યું અને કોઈપણ ગાયક કોઈપણ હીરો માટે ગાવા લાગ્યા છે.

સુભાષ ઘઈ અને એ.આર. રહેમાને ‘નહીં સામને તૂ’ ગીત બીજા કોઈ ગાયકના સ્વરમાં રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. ઘઇએ લેખક એસોસિએશનના આનંદ બક્ષીના ગીતો પરના એક કાર્યક્રમમાં જૂની યાદો તાજી કરતાં કહ્યું હતું કે મેં અને રહેમાને વારાફરતી છ જેટલા ગાયકો પાસે ‘નહીં સામને તૂ’ ગીત ગવડાવી જોયું. પણ સુખવિંદર સિંહ જેવું કોઈનું કામ લાગ્યું નહીં. એમને જે રીતે ગાયન જોઈતું હતું એ કોઈ ગાયક ગાઈ શકતા ન હતા. અંતે રહેમાને ઘઇને કહ્યું કે તે છેલ્લો એક પ્રયત્ન હરિહરન સાથે કરી જુએ છે. રહેમાને હરિહરનને બોલાવ્યા અને આખી રાત ગીતનું રિહર્સલ કરાવ્યું. બીજા દિવસે હરિહરનના સ્વરમાં ‘નહીં સામને તૂ’ ગીત રેકોર્ડ કરી લેવામાં આવ્યું. પરંતુ એમાં ‘પ્રેયસી’ શબ્દ છે એ સુખવિંદર સિંહના અવાજમાં જ રહેવા દેવામાં આવ્યો. કેમકે એણે જે આલાપ સાથે ખેંચીને ‘પ્રેયસી…’ ગાયું હતું એ રીતે કોઈ ગાઈ શકે એમ ન હતું.

બહુ ઓછાને ખ્યાલ હશે કે ‘નહીં સામને તૂ’ આખું ગીત હરિહરને ગાયું છે. પરંતુ એમાં ‘પ્રેયસી’ શબ્દ સુખવિંદર સિંહના અવાજમાં છે. અને એ એક શબ્દમાં સ્વર માટે ગીતના ગાયકોમાં હરિહરન સાથે સુખવિંદર સિંહનું નામ પણ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં સુખવિંદર સિંહે બીજા ઘણા ગીતોમાં અવાજ આપ્યો છે. ‘ઈશ્ક બીના’ અક્ષય ખન્ના પર જ ફિલ્માવવામાં આવ્યું હતું. જ્યારે ‘કરીયે ના’ ગીત આલોક નાથ પર ફિલ્માવવામાં આવ્યું છે. તેથી ઘઇએ બે હીરો પર એક જ ગાયકનો અવાજ સારો નહીં લાગે એ આનંદ બક્ષીની વાતને માન આપી ગાયક બદલ્યા હતા એમ કહી શકાય.