સની દેઓલે ‘જિદ્દી’ થી ડાન્સ ગીતો કરવાની જીદ પકડી!

સની દેઓલ કોઈ ફિલ્મના ગીતમાં ડાન્સ કરવાનું પસંદ કરતો ન હતો પણ ફિલ્મ ‘જિદ્દી’ (1997) થી ડાન્સ ગીતો કરવાની જીદ પકડી હતી. સંગીતકાર જોડી દિલીપ સેન- સમીર સેનના એક ગીત પર સની ડાન્સ કરવા કેવી રીતે ઉત્સાહી બન્યો હતો એની વાત દિલીપ સેને એક મુલાકાતમાં કરી હતી.

નિર્દેશક ગુડ્ડુ ધનોઆ સાથે ફિલ્મ ‘જિદ્દી’ માં સનીએ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે સ્પષ્ટ કહી દીધું હતું કે સંગીતકાર તરીકે દિલીપ સેન- સમીર સેનને લેશો નહીં. એમના ગીતો મારી સમજમાં આવતા નથી. એમના ડાન્સ ગીતો જ વધુ હોય છે અને તમને ખબર છે કે હું ડાન્સ કરતો નથી. ડાન્સ ગીત મારા પર જામશે નહીં.

નિર્માતા બબલુ પચીસીયાએ તો પણ દિલીપ સેન- સમીર સેનને કહ્યું કે અમે હૈદરાબાદ જવાના છે. તમે આવી જજો. દિલીપ સેને કહ્યું કે સની ઈચ્છતો નથી પછી શા માટે તમે અમને બોલાવી રહ્યા છો. બે ગીત તૈયાર કર્યા પછી એ અમને કાઢી મૂકશે તો અમારું ખરાબ દેખાશે. પણ એમણે દિલીપ સેનની કોઈ વાત સાંભળી નહીં. દિલીપ સેને એમની સાથે અગાઉ ફિલ્મો કરી હતી એટલે ના પાડી શક્યા નહીં. સાંજે ૬ વાગે સની શુટિંગના વિરામ વખતે આવવાનો હતો.

દિલીપ સેન- સમીર સેન સાથે ગીતકાર સમીરે બે કલાક પહેલાં તૈયારી શરૂ કરી. બે ગીતની ધૂન તૈયાર થઈ એટલે સમીરે ગીતના મુખડા પણ લખી કાઢ્યા. સની આવ્યો અને પહેલું ગીત ‘કાલે કાલે બાલ’ ડાન્સ ગીત સંભળાવ્યું ત્યારે એ ઊભો થઈ ગયો અને કહ્યું કે મને આ ગીત ચાલશે નહીં. આ ગીતને રદ કરો. દિલીપ સેને કહ્યું કે તમે બેસો તો ખરા! ત્યારે પણ સનીએ કહ્યું કે ના, મને આ ગીત ચાલશે નહીં.

દિલીપ સેને જ્યારે કહ્યું કે આ ગીત તો રવીના ટંડન માટે છે ત્યારે પણ પૂછ્યું કે મારે એની સાથે ડાન્સ કરવાનો છે? પણ કહ્યું કે આ તો ફક્ત રવીનાનું જ ગીત છે ત્યારે એ બેઠો. દિલીપ સેને જ્યારે બીજું ગીત ‘હમ તુમ સે ના કુછ’ ગાયું અને સની ખુશ થઈ ગયો. એણે નિર્માતાને કહ્યું કે બધા આવા જ ગીતો જોઈશે. ગીતો સાથે ફિલ્મ ‘જિદ્દી’ નું તમામ શુટિંગ પૂરું થઈ ગયું.

એ પછી નિર્માતાએ કહ્યું કે મારે સની માટે એક ડાન્સ ગીત જોઈએ જ છે. દિલીપ સેન- સમીર સેને ‘મેરા દિલ લે ગઈ કમ્મો કિધર’ બનાવ્યું. જ્યારે સનીને એ સંભળાવવામાં આવ્યું ત્યારે એ ગીત કરવા તૈયાર થઈ ગયો. નૃત્ય નિર્દેશક ચિન્ની પ્રકાશ હતા. એ બહુ મોટી હસ્તી હતા. એક વખત જે ડાન્સ તૈયાર કરી લે એમાં ફેરફાર કરતાં નહીં. અને સની રિહર્સલ કરતો ન હતો. તેથી કોઈના સૂચનથી ગણેશ આચાર્યને લેવામાં આવ્યા.

ગણેશે સનીને સરળ સ્ટેપ આપીને ડાન્સ કરાવ્યો અને એ ગીત હિટ થઈ ગયું. એ પછી જ્યારે ગુડ્ડુએ બીજી ફિલ્મ ‘સલાખેં’ (૧૯૯૮) શરૂ કરી ત્યારે સનીએ દિલીપ સેન- સમીર સેનને સામેથી ફોન કરીને કહ્યું કે મારા માટે એક ડાન્સ ગીત તૈયાર કરજો. હવે હું ડાન્સ કરી શકું છું. એ ફિલ્મમાં ‘ઓ હસીના’ ગીતમાં સનીએ ડાન્સ કર્યો હતો.