સાગરની ‘બાઝાર’ વેચાતી ન હતી

કભી કભી, નૂરી, સિલસિલા વગેરે ફિલ્મોના સંવાદ અને સ્ક્રીનપ્લે લખ્યા પછી જ્યારે નિર્દેશક તરીકે સાગર સરહદીએ ફારૂક શેખ, સ્મિતા પાટીલ અને નસીરુદ્દીન શાહ સાથે ફિલ્મ ‘બાઝાર’ (૧૯૮૨) તૈયાર કરી ત્યારે એને કોઇ હાથ લગાવતું ન હતું. એમણે ખરેખર ઘણી મહેનત કરીને બહુ મુશ્કેલીથી ‘બાઝાર’ બનાવી હતી. એમને અખબારમાં સમાચાર વાંચવા મળ્યા હતા કે દુબઇ અને બીજા દેશોના શેખ લોકો હૈદરાબાદ જઇ ગરીબ સ્ત્રીની સાથે લગ્ન કરે છે અને ઉપયોગ કરીને એને તલાક આપી દે છે.

આ સમાચારથી સાગર હચમચી ગયા અને હૈદરાબાદ જઇને સ્થિતિ જાણી. ત્યાંની ગરીબીથી વ્યથિત થઇ એ વિષય પરથી ફિલ્મ ‘બાઝાર’ બનાવવાનો નિર્ણય કર્યો. જ્યારે સ્ક્રીપ્ટ તૈયાર કરીને ફિલ્મી મિત્રોને બતાવી ત્યારે એમણે નિર્ણય આપી દીધો કે એક શૉ ચાલશે નહીં. છતાં સાગર સરહદીએ બધાંની સલાહ અવગણીને વ્યવસાયિક ફિલ્મોનું લેખન છોડીને નિર્દેશક તરીકેના કોઇ અનુભવ વગર ‘બાઝાર’ શરૂ કરી દીધી. ફિલ્મના સંગીતકાર તરીકે ખૈયામને સાઇન કર્યા હતા. પરંતુ કોઇ ગીતકાર લીધા ન હતા.

સાગર તૈયાર ધૂન પર ગીતો લખાવવા માગતા ન હતા. એમણે આમતેમથી કવિઓની રચનાઓ મેળવીને ગીતો તૈયાર કર્યા હતા. મીર તકી મીરની ‘દિખાઇ દીયે યૂં’, મખદૂમ મોઇદ્દીનની ‘ફિર છીડી રાત’, મિર્ઝા શકની ‘દેખ લો આજ હમકો કરીબ સે’, બશર નવાઝની ‘કરોગે યાદ તો’ અને જગજીત કૌરની રચના ‘ચલે આઓ સૈંયા’ પસંદ કરી હતી. એ બધા જ ગીતો લોકપ્રિય થયા હતા. ફિલ્મનું નિર્માણ તેઓ જાતે જ કરી રહ્યા હતા. તેમની પાસે બહુ રૂપિયા ન હતા પણ અનેક મિત્રોની મદદ મળી. યશ ચોપડાએ ઘણી મદદ કરી હતી. શશી કપૂરે સાઉન્ડ ટ્રેક વાપરવા આપ્યો હતો. ફિલ્મ તૈયાર થયા પછી એના વિષયને કારણે કોઇ ખરીદવા તૈયાર થતું ન હતું.

વિતરકો ફિલ્મ જોઇને ના રજૂ કરાવાની ના પાડતા હતા. ફિલ્મને વેચવા તે પચાસ ટ્રાયલ શૉ કરી ચૂક્યા હતા. એક દિવસ સાગરના ભાઇએ કહ્યું કે એક વ્યક્તિ મળી હતી તે કહેતી હતી કે ફિલ્મ બીજા ભાગમાં સારી છે પણ પહેલા ભાગમાં કોઇ બેસશે તો જોશે ને? સાગરે સમજાવ્યું કે વિષય નવો છે અને ટ્રીટમેન્ટ અલગ છે એટલે વેચાતી નથી. કોઇએ ફિલ્મ વિરુધ્ધ વાત કરવી નહીં. અને જો કોઇ વાત કરશે તો હું એને મારીશ! થોડા દિવસ પછી દિલ્હીથી એક વિતરક આવ્યો અને એણે ત્રણ વખત ફિલ્મ જોયા પછી ખરીદવાની તૈયારી બતાવી. તેણે કહ્યું કે તે કોઇપણ ફિલ્મની ઓછામાં ઓછી કિંમત હોય છે એ ભાવથી ખરીદશે.

સાગરે ફિલ્મનું લેખન- નિર્દેશન વગેરે કર્યું હતું એની એમાં કોઇ કિંમત ગણાઇ ન હતી. છતાં માત્ર દોઢ લાખ રૂપિયામાં વેચીને એમાંથી દેવું ચૂકવી મુક્ત થઇ ગયા. ‘બાઝાર’ વેચાયા પછી રજૂ થઇ અને એટલી ચાલી કે ઇતિહાસ રચી દીધો. ફિલ્મફેરમાં ‘બાઝાર’ ને સાત નામાંકન મળ્યા હતા. એમાં સુપ્રિયા પાઠકને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’ નો એવોર્ડ મળ્યો હતો.