મૌસમી ચેટર્જીએ ઘણી ફિલ્મો છોડી હતી       

મૌસમી ચેટર્જીએ રાજ ખોસલાથી લઈ બાસુ ચેટર્જી સુધીના અનેક જાણીતા નિર્દેશકોની ફિલ્મો કરી હતી પણ એક વખત ઋષિકેશ મુખર્જીએ કાઢી મૂક્યા પછી એમની કોઈ ફિલ્મ કરી ન હતી. મૌસમીને આવા અનેક અનુભવ થયા હતા. ઋષિદા એમના પરિવારના મિત્ર હતા. મૌસમીના પતિ જયંત મુખર્જી અને સસરા ગાયક – સંગીતકાર હેમંતકુમાર સાથે ઋષિદાને સારા સંબંધ હતા. તેઓ ફિલ્મ ‘ગુડ્ડી’ (૧૯૭૧) માં મૌસમીને જ લેવા માગતા હતા. મૌસમી એમને મળી અને બધું જ નક્કી થઈ ગયું હતું. પછી અચાનક ઋષિદાએ મૌસમીને કાઢીને જયા ભાદુરીને લીધી હતી. ત્યારે મૌસમીએ એમને કોઈ સવાલ કર્યો ન હતો પણ એમની સાથે ફરી ક્યારેય કામ ન કરવાની કસમ ખાધી હતી.

મૌસમીએ ભલે એમની ફિલ્મમાં કામ ના કર્યું પણ એમના આગ્રહથી દૂરદર્શનની સિરિયલ ‘તલાશ’ (૧૯૯૨) કરી હતી. મૌસમીએ પહેલાં એમ કહીને ના પાડી હતી કે એ એમની ઘરની સિરિયલ હતી. એનું નિર્માણ પતિ અને સસરા કરી રહ્યા હતા. તેથી એમાં કોઈ મહેનતાણું મળવાનું ન હતું. ત્યારે ઋષિદાએ એને ઘરે બોલાવીને ‘ગુડ્ડી’ માં એને રાખી શક્યા ન હોવાથી ‘તલાશ’ માં રાખીને પ્રાયશ્ચિત કરવા માગતા હોવાનું કહ્યા પછી એણે કામ કર્યું હતું. નિર્દેશક શક્તિ સામંતાએ પણ મૌસમી સાથે એવું જ કર્યું હતું. મૌસમીને એમણે વિનોદ મહેરા સાથે ફિલ્મ ‘અનુરાગ’ (૧૯૭૨) માં એક અંધ છોકરી તરીકે પહેલી વખત ચમકાવી હતી.

આમ તો મૌસમીએ પહેલી ફિલ્મ ‘કચ્ચે ધાગે’ (૧૯૭૩) વિનોદ ખન્ના સાથે સાઇન કરી હતી. પણ એ મોડી રજૂ થઈ હતી. શક્તિદાએ ‘બરસાત કી એક રાત’ (૧૯૮૧) માં અંધ છોકરીની ભૂમિકા હતી ત્યારે પણ પહેલાં મૌસમીને જ પસંદ કરી હતી. એને ધ્યાનમાં રાખીને જ ત્રણ દિવસ શૂટિંગ પણ કર્યું હતું. પછી અચાનક એને કાઢીને અમિતાભ બચ્ચન સામે અભિનેત્રી રાખીને લીધી હતી. મૌસમીનું કહેવું છે કે તે પોતાના સિધ્ધાંતો સાથે સમજૂતિ કરવા માગતી ન હોવાથી કારકિર્દીમાં ઘણી ફિલ્મો છોડી દીધી હતી.

સંજીવકુમાર સાથેની નિર્દેશક ગુલઝારની ફિલ્મ ‘કોશિશ’ (૧૯૭૨) માં તે હતી. થોડા દિવસના શૂટિંગ પછી મૌસમીએ જ એ ફિલ્મ છોડી દીધી હતી. દીપા મહેતાની ફિલ્મ ‘વોટર’ (૨૦૦૫) પહેલાં મૌસમીને ઓફર થઈ હતી. એમાં જે મહિલાનું પાત્ર હતું તે બ્લાઉઝ પહેરતું ન હોવાથી પોતાને અનુકૂળ રહે એમ ન હતું તેથી ના પાડી દીધી હતી. મૌસમીએ મા બનવાની હતી ત્યારે પણ ઘણી ફિલ્મો માટે ના પાડી હતી અને જે સાઇન કરી હતી તેના રૂપિયા પાછા આપી દીધા હતા. મનોજકુમારની ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’ (૧૯૭૪) ના શૂટિંગ વખતે તે ગર્ભવતી હોવાથી ‘તેરી દો ટકીયા કી નૌકરી મેં’ ગીત એના બદલે ઝીનત અમાન પર ફિલ્માવવામાં આવ્યું હતું. બાસુ ભટ્ટાચાર્યએ ફિલ્મ ‘આસ્થા’ (૧૯૯૭) મૌસમીને ઓફર કરી હતી. મૌસમીએ જ્યારે એની વાર્તા સાંભળી ત્યારે મહિલાપ્રધાન હોવા છતાં એનો વિષય પસંદ ના આવતા ના પાડી દીધી હતી. એ પછી બાસુદાએ ફિલ્મમાં રેખાને લીધી હતી.