નિર્દેશક સંજય ગુપ્તાને ફિલ્મ ‘કાંટે’ (૨૦૦૨) બનાવતી વખતે નિર્માણ, લેખન, રજૂઆત વગેરે અનેક બાબતે અડચણો આવી હતી. સંજય ગુપ્તાએ અમિતાભ બચ્ચન, સુનીલ શેટ્ટી, કુમાર ગૌરવ, સંજય દત્ત વગેરે સાથે ‘કાંટે’ નું આયોજન કરીને નિર્માણ માટે કેટલાક નિર્માતાઓ સાથે વાત કરી હતી. ત્યારે બધી જ જાણીતી નિર્માણ કંપનીઓએ ‘કાંટે’ બનાવવા માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. નિર્માતાઓનું કહેવું હતું કે એમાં 40 વર્ષથી મોટી ઉંમરના હીરો હોવાથી કોઈ પસંદ કરશે નહીં. સ્ક્રિપ્ટ વાંચીને ફિલ્મમાં મનોરંજન અને રોમાન્સ પણ ન હોવાની ખામી કાઢી હતી. એમનું કહેવું હતું કે આવી ફિલ્મ કોણ જોવાનું હતું? અને સલાહ આપી હતી કે બીજી કોઈ લવસ્ટોરી કે એક્શન ફિલ્મ બનાવો.
સંજયનું કહેવું હતું કે જે બાબતે તમારો વાંધો અને શંકા છે એ જ ફિલ્મની મુખ્ય બાબતો છે. કોમેડી એમાં છે પણ શક્તિ કપૂર- કાદર ખાનવાળી નથી. પણ કોઈ નિર્માતા તૈયાર થયા નહીં. સંજય ગુપ્તા આ પહેલાં સંજય દત્ત સાથે ‘જંગ’ અને ‘ખૌફ’ બનાવી ચૂક્યા હતા. ‘જંગ’ પૂરી થઈ ન હોવા છતાં નિર્માતાએ અધૂરી રજૂ કરી દીધી હતી એટલે સંજય એનાથી અલગ થઈ ગયા હતા. તેમ છતાં સફળ રહી હતી. લોકોને સંજય ગુપ્તાની નિર્દેશન પ્રતિભા પર વિશ્વાસ હતો પરંતુ ‘કાંટે’ નો એમણે જે વિચાર મૂક્યો હતો એના પર નહીં.
આ સંજોગોમાં સંજય ગુપ્તા અને સંજય દત્તે સાથે મળીને એક નિર્માણ કંપની બનાવી. એમની સાથે પ્રિતિશ નંદી તૈયાર થયા એટલે એમની કંપની જોડાઈ ગઈ. એ પછી પહેલી વખત જેને એડિટર તરીકે તક આપી એ બંટી નાગીના મિત્ર રાજુ પટેલ અમેરિકાથી આવ્યા હતા. એમને સંજયે ફિલ્મ વિશે વાત કરી અને એ નિર્માણમાં જોડાઈ ગયા. શરૂઆતમાં અનુરાગ કશ્યપ લેખનમાં જોડાયા હતા. પછી મતભેદ થતા નીકળી ગયા હતા અને યશ-વિનય જોડાયા હતા. ફિલ્મનું તમામ શુટિંગ ૩૩ દિવસમાં જ અમેરિકામાં પૂર્ણ થયું હતું. મોટાભાગના ટેક્નિશિયનો હોલિવૂડના હતા. ફિલ્મનું બજેટ રૂ.૨૮ કરોડ નક્કી થયું ત્યારે પ્રિતિશ નંદીએ રૂ.૮ કરોડ અને રાજુ પટેલે રૂ.૮ કરોડ આપવાની વાત કરી સંજય ગુપ્તાને ત્રીજો ભાગ ઉમેરવા કહ્યું હતું. ત્યારે સંજયની આર્થિક સ્થિતિ એવી હતી કે ખિસ્સામાં રૂપિયો ન હતો.
સંજયને થયું કે એની પાસે રૂપિયા નથી ત્યારે જ બીજાને નિર્માણ માટે વાત કરી રહ્યો છે. પણ પડકાર ઝીલી લીધો. ફિલ્મનું શુટિંગ શરૂ થયું ન હતું. એ સમગ્ર ભારતના વિતરકોને મળ્યા અને ટેરેટરી વેચવા લાગ્યા. મુંબઈ ઉપરાંત અનેક રાજ્યના વિતરકોને અધિકાર વેચીને રૂપિયા ભેગા કર્યા હતા. ‘કાંટે’ બોલિવૂડની પહેલી ફિલ્મ હતી જેનો પ્રિપ્રોડકશન પ્રોમો બનાવવામાં આવ્યો હતો. જેની નોંધ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં લેવાઈ હતી. ફિલ્મ બનીને તૈયાર થયા પછી પ્રિતિશ નંદીએ ભાગીદાર દ્વારા થયેલ ખર્ચને સ્વીકાર્યો નહીં અને કાનૂની લડાઈ શરૂ થતાં રજૂઆત અટકી ગઈ હતી. એનો ઉકેલ લાવતા સંજય ગુપ્તાને એક વર્ષ લાગ્યું હતું. ‘કાંટે’ રજૂ થતાની સાથે જ બોક્સ ઓફિસ ઉપર સફળ રહી હતી. મલાઇકાના ‘માહી વે’ સહિતના ગીતો લોકપ્રિય થયા હતા. ફિલ્મનું ફિલ્મફેર એવોર્ડ્સમાં છ કેટેગરીમાં નામાંકન થયું હતું.