નિર્દેશક બાસુ ચેટર્જીને ‘સારા આકાશ’ (૧૯૭૧) ને કારણે ‘રજનીગંધા’ (૧૯૭૪) મળી હતી. અમેરિકાથી એક નિર્માતા સુરેશ જિંદાલ આવ્યા હતા. ત્યાં એમણે ‘સારા આકાશ’ જોઈ હતી. એમણે આવીને કહ્યું કે હું પૈસા રોકવા તૈયાર છું. તમે એક ફિલ્મ બનાવો. બાસુદાએ ફિલ્મ માટે લેખક મન્નુ ભંડારીની વાર્તા ‘યે હી સચ હૈ’ પરથી સ્ક્રીનપ્લે લખ્યો. ત્યારે એ લેખકને નવાઈ લાગી હતી કે એક વાર્તા પરથી આખી ફિલ્મનો સ્ક્રિનપ્લે કેવી રીતે લખ્યો હશે. શરૂઆતમાં ફિલ્મનું નામ પણ ‘યે હી સચ હૈ’ રાખવામાં આવ્યું હતું. પાછળથી ‘રજનીગંધા’ કર્યું હતું. ફિલ્મની હીરોઈન માટે સૌપ્રથમ બંગાળી અભિનેત્રી અપર્ણા સેનને પસંદ કરી હતી.
અપર્ણાએ હીરો તરીકે કોઈ એકદમ જાણીતા અથવા એકદમ નવાને લેવાની વાત કરી હતી. પણ જ્યારે નિર્માતા સુરેશ અને નિર્દેશક બાસુદા પાસેથી ફિલ્મ વ્યાવસાયિક ન હોવાની વાત જાણી ત્યારે અપર્ણાએ અનિચ્છા દર્શાવી હતી. બીજી હીના કૌસર નામની નવી છોકરીને જોઈ. એણે પણ ના પાડી દીધી. બાસુ ચેટર્જીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે આ ફિલ્મ માટે ચાર છોકરીઓએ ના પાડી દીધી હતી. દરમ્યાનમાં એક મેગેઝિનમાં વિદ્યા સિંહાની તસવીર જોવામાં આવી અને એનો સંપર્ક કર્યો. વિદ્યા ત્રણ-ચાર વર્ષથી ફિલ્મોમાં કામ મેળવવા પ્રયત્ન કરી રહી હતી પણ મેળ પડતો ન હતો. એકાદ ફિલ્મ મળી હતી પણ બની ન હતી. બાસુ ચેટર્જી પહેલાં અમિતાભ બચ્ચનને મુખ્ય હીરો તરીકે લેવા માગતા હતા. કેમકે બાસુદા એમની સાથે ‘એક મંઝિલ’ માં કામ કરી રહ્યા હતા.
અમિતાભ ત્યારે સ્ટાર બન્યા ન હતા. પરંતુ એમની સાથે શક્ય બન્યું ન હતું. બીજા હીરો તરીકે શશી કપૂરને વાત કરી હતી. શશીએ હા પાડી દીધી હતી અને કહ્યું હતું કે જે ફી આપશો એ સ્વીકારી લઇશ પણ શરત કરી કે આ ફિલ્મને મારી અન્ય ફિલ્મો જેટલી જ કિંમતે વેચવાની રહેશે. બાસુદાનું કહેવું હતું કે તેઓ કમર્શીયલ ફિલ્મ બનાવી રહ્યા નથી એટલે એ શક્ય નથી. તેથી શશી ના જોડાયા. અમિતાભ અને શશીને બદલે છેલ્લે નવા કલાકારો અમોલ પાલેકર તથા દિનેશ ઠાકુરને લેવામાં આવ્યા હતા. ફિલ્મ સાથે સંકળાયેલા કોઈને કલ્પના ન હતી કે ‘રજનીગંધા’ ને સારી સફળતા મળશે. ખુદ બાસુ ચેટર્જીએ વિદ્યા સિંહા અને અન્ય કલાકારોને જણાવ્યું હતું કે ડબિંગ પૂરું થયા પછી તમારા પૈસા નિર્માતા પાસેથી લઈ લેજો. ફિલ્મ રજૂ થયા પછી મળશે કે નહીં એની ખાતરી નથી. પરંતુ ફિલ્મ બહુ સફળ અને લોકપ્રિય રહી. એટલું જ નહી શ્રેષ્ઠ ફિલ્મને બે ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. ફિલ્મમાં બે જ ગીતો ‘કઈ બાર યૂં હી દેખા હૈ’ અને ‘રજનીગંધા ફૂલ તુમ્હારે’ હતા અને બંને લોકપ્રિય થયા હતા.