નિહલાનીએ ગુસ્સામાં આવી ‘આંખેં’ બનાવી હતી

ફિલ્મ ‘આંખેં’ (1993) નિર્માતા પહેલાજ નિહલાનીને રાજકુમાર સંતોષી પ્રત્યે થયેલી નારાજગીને કારણે બની હતી. નિર્દેશક રાજકુમાર સંતોષી ‘ઘાયલ’ (1990) અને ‘દામિની’ (1993) પછી પહેલાજ નિહલાની માટે એક કોમેડી ફિલ્મ બનાવવાના હતા. પરંતુ સંતોષીએ એમની ફિલ્મ બનાવવાને બદલે આમિર ખાન અને સલમાન ખાનને લઈને કોમેડી ફિલ્મ ‘અંદાજ અપના અપના’ (1994) શરૂ કરવાનું નક્કી કરી લીધું. તેથી પહેલાજને આ વાત પર થોડો ગુસ્સો આવી ગયો અને પોતાની રીતે ‘અંદાજ અપના અપના’ ની જેમ કોમેડી ફિલ્મ બનાવવાનું એક આયોજન કર્યું. જે રવિવારે સંતોષીએ ‘અંદાજ અપના અપના’ નું મુર્હુત કર્યું એ જ દિવસે પહેલાજે લેખક અનીસ બઝમી, ગોવિંદા, ચંકી પાંડે અને નિર્દેશક ડેવિડ ધવનને ફોન કરીને કહ્યું કે મારે ત્યાં કઢી-ભાત ખાવા આવી જાવ.

ચંકી પાંડેએ એક મુલાકાતમાં આ વાત કહી હતી. પહેલાજે બધાં આવી ગયા પછી વિડીયો કેસેટ પર અશોકકુમાર, મહેમૂદ અને વિનોદ મહેરાની એસ. રામાનાથન નિર્દેશિત ફિલ્મ ‘દો ફૂલ’ (1974) શરૂ કરી. એ પછી હોલિવૂડની એક ફિલ્મ બતાવી. ચાર કલાક પછી એમણે બધાને કઢી- ભાત ખવડાવ્યા અને કહ્યું કે આવી એક ફિલ્મ આપણે બનાવવાની છે અને એને છ મહિનામાં બનાવીને રજૂ કરી દેવાની છે. એમણે અનીસ બઝમીને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા એક મહિનાનો સમય આપ્યો. ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે પહેલાજે એક ઝડપી ફિલ્મ બનાવવા એમને કઢી – ભાત ખાવા બોલાવ્યા હતા. અનીસે વાયદા મુજબ સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી.

હીરો તરીકે ગોવિંદા અને ચંકી પાંડે નક્કી જ હતા. પહેલાજ નિહલાની હીરોઈનો તરીકે નીલમ અને દિવ્યા ભારતીને લેવા માગતા હતા. કેમકે એ સમય પર બંને હિટ હતી. પણ બંને પાસે તારીખો ન હતી એટલે નવી હીરોઈનો લેવાનું નક્કી થયું. એમાં રિતુ શિવપુરી અને રાગેશ્વરીનો નંબર લાગી ગયો. અનુપમ ખેરે એમની સાથે ‘શોલા ઔર શબનમ’ (1992) કરી હતી એટલે ‘હસમુખ’ ની ભૂમિકા માટે એ પહેલી પસંદ હતા. એમની પાસે તારીખો ઉપલબ્ધ ના થતાં છેલ્લી ઘડીએ કાદર ખાન આવ્યા હતા. ગોવિંદાએ ‘બુન્નુ’ અને ચંકી પાંડેએ ‘મુન્નુ’ ની ભૂમિકા માટે બહુ મહેનત કરવી પડી ન હતી. એમની યુવાનીના દિવસોના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને જ કામ કર્યું હતું. પહેલાજે ‘અંદાજ અપના અપના’ થી એક વર્ષ વહેલી ‘આંખેં’ રજૂ કરી દીધી હતી અને બહુ મોટી હિટ સાબિત થઈ હતી. અસલમાં ‘દો ફૂલ’ ને તમિલ કોમેડી ફિલ્મ ‘અનુભવી રાજા અનુભવી’ પરથી બનાવવામાં આવી હતી. અને ‘આંખેં’ પરથી તેલુગુમાં ‘પોકીરી રાજા’ બની હતી.