અરુણ ગોવિલ ‘રામ’ તરીકે નાપાસ થયા હતા

‘રામાયણ’ સિરિયલમાં શ્રીરામની ભૂમિકા કરીને લોકપ્રિયતા મેળવનાર અરુણ ગોવિલની હીરો તરીકે ફિલ્મ હિટ થઈ હોવા છતાં કામ મળ્યું ન હતું. અને ‘રામ’ તરીકે પણ પહેલાં સ્ક્રીન ટેસ્ટમાં નાપાસ થયો હતો. સ્કૂલ પછી કોલેજમાં પણ અરુણ નાટકમાં કામ કરતો રહ્યો હતો પરંતુ ક્યારેય અભિનેતા બનવાનો વિચાર કર્યો ન હતો. વિજ્ઞાનમાં સ્નાતક સુધી અભ્યાસ કરીને દિલ્હી ખાતે ભાઈના ધંધામાં જોડાઈ ગયો હતો. થોડા સમય પછી એમ લાગ્યું કે એમની સાથે પોતાની કોઈ સ્વતંત્ર ઓળખ ઊભી થઈ શકે એમ નથી એટલે બીજું કોઈ કામ કરવાનું વિચાર્યું. અભ્યાસ એટલો હતો કે સારી નોકરી મળે એવી શક્યતા ન હતી. આખરે ફિલ્મોમાં નસીબ અજમાવવાનો નિર્ણય કર્યો હતો.

અરુણ ફિલ્મોમાં કામ મેળવવા મુંબઈ આવીને સંઘર્ષ કરવા લાગ્યો. નસીબ જોર કરતું હતું એટલે રાજશ્રી પ્રોડકશન્સની ફિલ્મ ‘પહેલી’ (૧૯૭૭) માં પહેલો બ્રેક સાઈડ હીરો તરીકે મળી ગયો. બાકી ખુદ અરુણ પોતાના અભિનયથી સંતુષ્ટ ન હતો. જ્યારે રાજકુમાર બડજાત્યાએ સ્ક્રીન ટેસ્ટ લીધો અને એ જોઈને અરુણને જ અભિપ્રાય આપવા કહ્યું ત્યારે સ્ક્રીન પર પોતાનો ટેસ્ટ જોયો અને એટલો ખરાબ લાગ્યો કે સ્પષ્ટ કહી દીધું હતું કે જો એમની જગ્યાએ એ હોય તો ના પાડી દે. સ્ક્રીન ટેસ્ટ દરમ્યાન દ્રશ્ય એવું હતું કે એ પોતાને અસહજ મહેસૂસ કરી રહ્યો હતો. રાજકુમારને અરુણની આ પ્રામાણિક્તા બહુ ગમી અને સ્ક્રીન ટેસ્ટમાં પાસ થયેલો જાહેર કરી દીધો! પહેલા દ્રશ્યનું જ્યારે શૂટિંગ શરૂ થયું ત્યારે અરુણના પગ ધ્રૂજતા હતા. પછી ધીમે ધીમે એ સહજ થતો ગયો અને ‘પહેલી’ માં અરુણનું કામ રાજશ્રીમાં એટલું પસંદ કરવામાં આવ્યું કે એને હીરો તરીકે ત્રણ ફિલ્મો માટે કરારબધ્ધ કરી લેવામાં આવ્યો. એમાંથી બે ફિલ્મો ‘રાધા ઔર સીતા’ અને ‘સાંચ કો આંચ નહીં’ ખાસ ચાલી ન હતી પણ ઝરીના વહાબ સાથેની ‘સાવન કો આને દો’ (૧૯૭૯) મોટી સફળ રહી હતી. એના ટાઇટલ સહિતના ગીતો લોકપ્રિય થયા હતા.

અરુણને એમ હતું કે હવે ઘણું કામ મળશે અને સ્ટાર અભિનેતા બની જશે. પણ કામ કેમ ના મળ્યું એનું કારણ ક્યારેય સમજી શક્યો નથી. હીરો તરીકે કે અન્ય પાત્રોમાં મહત્વની ફિલ્મો ના મળી એટલે ફરી સંઘર્ષ શરૂ થઈ ગયો. અરુણને દક્ષિણની ફિલ્મો પરની જીતેન્દ્ર અભિનિત હિમ્મતવાલા, જુદાઇ વગેરે ઘણી ફિલ્મોમાં નાની -મોટી ભૂમિકાઓ મળી હતી. એમાંની એક ‘જસ્ટિસ ચૌધરી’ માં અરુણનો અભિનય જોઈ શાંતિ સાગરે  સાગરના કેમ્પમાં મિથુન સાથે ‘બાદલ’ (૧૯૮૫) માટે નિર્દેશક આનંદ સાગરને ભલામણ કરી. ‘બાદલ’ ને કારણે સાગરની સિરિયલ ‘વિક્રમ વેતાલ’ માં વિક્રમની મુખ્ય ભૂમિકા મળી ગઈ. દરમ્યાનમાં અરુણને જાણવા મળ્યું કે રામાનંદ સાગર દૂરદર્શન માટે ‘રામાયણ’ (૧૯૮૭) સિરિયલ બનાવી રહ્યા છે.

અરુણને એમાં રામની ભૂમિકા ભજવવાની ઈચ્છા થઈ. મિત્રો- સંબંધીઓને પોતાનો વિચાર વ્યક્ત કર્યો ત્યારે એમણે ના પાડી. એમનું કહેવું હતું કે આવી ભૂમિકાઓનું ભવિષ્ય નથી અને ઇમેજ બદલાઈ જશે. પણ ભૂમિકા કરવી હતી એટલે એ સાગર પાસે ગયો અને સામે ચાલીને રામની ભૂમિકાની માગણી કરી. રામાનંદે સ્ક્રીન ટેસ્ટ લેવડાવ્યો. એમાં અરુણ ગોવિલ નાપાસ થયા હતા એટલે ભરત, લક્ષ્મણ વગેરેમાંથી કોઈ એક ભૂમિકા પસંદ કરવા કહ્યું. પણ અરૂણે નક્કી કર્યું હતું કે તેણે ‘રામ’નું પાત્ર નથી ભજવવું એમનું ચરિત્ર નિભાવવું છે. એટલે કહી દીધું કે ભજવશે તો રામનીજ ભૂમિકા બીજી કોઈ નહીં. પછી શું બન્યું એની અરુણને ખબર નથી પણ આખરે સાગરે હા પાડીને કહ્યું કે ‘રામ’ તરીકે અમને તારા જેવો અભિનેતા મળવાનો નથી. અને અરુણ ગોવિલની ‘રામ’ બનવાની ઈચ્છા પૂર્ણ થઈ.