અભિલાષને ‘અંકુશ’ના પ્રાર્થનાગીત માટે શક્તિ મળી

નાના પાટેકરની ફિલ્મ ‘અંકુશ’ (૧૯૮૬) નું પ્રસિધ્ધ પ્રાર્થના ગીત લખવા માટે ગીતકાર અભિલાષને બહુ મહેનત પડી હતી. એન. ચંદ્રાએ નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘અંકુશ’ ના ‘હે ઉપરવાલા ક્યા માંગેગા, હમસે કોઇ જવાબ’ અને ‘આયા મઝા દિલદારા’ ગીતોને સંગીતકાર કુલદીપ સિંહ અને ગીતકાર અભિલાષ દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યા હતા. મુખ્ય પ્રાર્થના ગીત તૈયાર થઇ રહ્યું ન હતું. લગભગ દોઢ મહિના સુધી અભિલાષે રોજ અલગ- અલગ પ્રકારથી ગીતના મુખડા લખ્યા પણ એન. ચંદ્રા, નાના પાટેકર, બીજા નિર્માતા વગેરેને પસંદ જ આવતા ન હતા.

અભિલાષે રોજ પ્રાર્થના ગીતના છ- સાત મુખડા લખીને બધાં સાથેની બેઠક દરમ્યાન સંભળાવ્યા પણ કોઇ યોગ્ય લાગી રહ્યું ન હતું અને રદ થઇ જતા હતા. કંટાળી ગયેલા અભિલાષે એક દિવસ કહી દીધું કે મને માફ કરી દો. હું તંગ આવી ગયો છું. મારે તમારું આ ગીત લખવું નથી. જો ગીત પસંદ આવતું ના હોય તો મને ફિલ્મમાંથી છૂટો કરી દો અને કોઇ મોટા ગીતકાર પાસે લખાવી લો. અભિલાષ નારાજ થઇને બહાર નીકળી ગયા ત્યારે સંગીતકાર કુલદીપ સિંહ એમની પાછળ ગયા અને કહ્યું કે આમ શું કરવા કરી રહ્યો છે.

અભિલાષે કહ્યું કે શું કરું? એમને કોઇ પસંદ જ આવી રહ્યું નથી. કુલદીપ અભિલાષને પોતાની કારમાં લઇ ગયા અને કહ્યું કે આમ હિંમત હારી ના જવાય. તમારામાં હિંમત અને શક્તિ છે. કમજોર કેમ થાય છે? એ શબ્દોએ જાદૂ કર્યો હોય એમ કુલદીપ કાર ચલાવતા હતા ત્યારે અભિલાષના મનમાં ‘ઇતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના’ પંક્તિઓ સ્ફૂરી. તેમણે એ મુખડું બધાંને સંભળાવ્યું. એ બધાંને બહુ પસંદ આવ્યું અને અભિલાષે આખું ગીત તૈયાર કરી આપ્યું. અભિલાષને થયું કે ગીતમાં એક સારી વાત એ બની કે છેલ્લે ‘દાતા’ શબ્દ આવ્યો. કોઇપણ ભગવાનનું કે ગુરૂનું નામ આવ્યું હોત તો એ પ્રાર્થના ગીત મર્યાદિત બની ગયું હોત. ખરેખર આ પ્રાર્થનાગીત નાત-જાત, ધર્મના સીમાડા ઓળંગીને લોકપ્રિય બન્યું.

અભિલાષને આ ગીત માટે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો. એ પછી દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ અર્પણ થયો. નવાઇની વાત એ છે કે અભિલાષને જે પ્રાર્થના ગીત માટે નાના- મોટા અનેક એવોર્ડ મળ્યા એનું ગીતકાર તરીકેનું મહેનતાણું મળ્યું ન હતું. કેમકે ‘અંકુશ’ ના નિર્માણ દરમ્યાન નિર્માતા- નિર્દેશક એન. ચંદ્રા દેવામાં ડૂબી ગયા હતા. એમણે પોતાનું ઘર સુધ્ધાં વેચી દીધું હતું. આ સંજોગોમાં તે અભિલાષને ગીતોનું મહેનતાણું ચૂકવી શક્યા ન હતા. વળી ફિલ્મ વેચાતી ન હોવાથી એન. ચંદ્રાએ ફિલ્મના ગીત- સંગીતને લગતા બધા જ અધિકાર ‘ટી સીરિઝ’ ના ગુલશનકુમારને વેચી દીધા હતા. ગીતની લોકપ્રિયતાએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા પછી પણ અભિલાષને એક રૂપિયો મળ્યો નહીં. આ બાબતે ગીતકાર જાવેદ અખ્તરે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો અને રોયલ્ટી અપાવવા કોપીરાઇટ એક્ટ હેઠળ કેસ પણ કર્યો હતો.