શિલ્પા શિરોડકર સૌથી પહેલાં એક મોટી ફિલ્મ કરવાની હતી પણ આખરે હીરોઈનને બદલે અંધ યુવતીની ભૂમિકાથી ફિલ્મમાં પ્રવેશ થયો હતો. શિલ્પાના દાદી મીનાક્ષી શિરોડકર મરાઠી ફિલ્મોની અભિનેત્રી હતા. જેમણે ભારતીય ફિલ્મોમાં પહેલી વખત ‘બ્રહ્મચારી’ (1938) માં સ્વિમસૂટ પહેરીને ચર્ચા જગાવી હતી. શિલ્પાના મમ્મી ગંગુબાઈ પણ અભિનેત્રી હતા. શિલ્પાને પણ ફિલ્મમાં આવવું હતું એટલે રોશન તનેજાને ત્યાં અભિનયની તાલીમ લેવા જતી હતી.
એક વખત એમણે સાવનકુમારને શિલ્પાના નામની ભલામણ કરી અને એ સાવનકુમાર પાસે ગઈ. એમણે પહેલો પ્રશ્ન કર્યો કે તારે અભિનેત્રી બનવું છે? શિલ્પાએ ‘હાંજી અંકલ’ કહ્યું એટલે એમણે સલાહ આપી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ અંકલ કે આંટી હોતું નથી ‘જી’ કહીને જ વાત કરવાની. એ પછી એમણે શિલ્પાનો લુક ટેસ્ટ લીધો અને પસંદ કરી લીધી. ફિલ્મનું મોટા પાયે મુહૂર્ત કરવામાં આવ્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખબર ફેલાઈ ગઈ કે શિલ્પા શિરોડકર નામની નવી છોકરી લોન્ચ થઈ રહી છે. ત્યારે શિલ્પા સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતી હતી અને કામ કરવા માટે ઉત્સાહમાં હતી પણ મુહૂર્ત પછી ફિલ્મ અંગે કોઈ હિલચાલ જ ના થઈ. એ વાતને બે વર્ષ વીતી ગયા. કેટલાકે શિલ્પાને સલાહ આપી કે તારે બીજે કામ શોધવું જોઈએ નહીં તો લોકો તને ભૂલી જશે.
શિલ્પાની મમ્મીએ વચ્ચે તપાસ કરી ત્યારે સાવનકુમારે કહ્યું હતું કે સમય લાગી રહ્યો છે. છેલ્લે સાવનકુમારે કહ્યું કે કેટલીક સમસ્યાને કારણે ફિલ્મ બંધ થઈ ગઈ છે અને શિલ્પાએ બહાર કામ કરવું હોય તો કરી શકે છે. મમ્મીએ જાણીતા ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષને વાત કરી અને એના ફોટા તૈયાર કરાવવાનું નક્કી કર્યું. એ માટે મેકઅપમેન પંઢરીદાદા અને હેર સ્ટાઇલીસ્ટ વિકટરની મદદથી શિલ્પાનું ફોટોશૂટ થયું. એ રોશન તનેજાને બતાવવામાં આવ્યું અને સાવનકુમારની ફિલ્મ બંધ થઈ ગઈ હોવાનું કહ્યું ત્યારે એમણે બીજાને ભલામણ કરવાનું આશ્વાસન આપ્યું. ફોટોશૂટ તૈયાર થયાના બીજા જ દિવસે વિકટર દરિયા કિનારે ચાલી રહ્યા હતા ત્યારે માધુરી અને અનિલના સેક્રેટરી રિક્કુ રાકેશનાથ મળ્યા.
વિકટરે એમણે કહ્યું કે શિલ્પા નામની એક સરસ છોકરી છે. બોની કપૂર સંજયને શેખર કપૂરના નિર્દેશનમાં લોન્ચ કરવા માટે એક ફિલ્મ ‘જંગલ’ બનાવવાના છે. તમને શિલ્પાના ફોટા ગમે તો એની ભલામણ કરજો. રિક્કુ શિલ્પાના ઘરે ગયા ત્યારે એ સ્કૂલ યુનિફોર્મમાં જ હતી. એમણે ફોટા જોઈને કહ્યું કે આપણે રજાના દિવસે બોની કપૂરને ઘરે મળવા જઈશું. શિલ્પા એમના ઘરે ગઈ અને એના ફોટોગ્રાફ જોઈ બોની અને સુરેન્દ્ર કપૂરે સંજય સાથેની ફિલ્મ માટે એને પસંદ કરી લીધી અને એના નામની ફરી ચર્ચા શરૂ થઈ ગઈ.
શિલ્પાની એ ફિલ્મ પણ બંધ પડી ગઈ એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા શરૂ થઈ કે શિલ્પા મનહૂસ છે. એ જે ફિલ્મથી લોન્ચ થવા જાય છે એ બંધ થઈ જાય છે. એને જે પણ લેશે એની ફિલ્મ બનશે જ નહીં. રીક્કુએ એના ફોટા મિથુન ચક્રવર્તીને બતાવ્યા અને કહ્યું કે એણે કામ કરવું છે પણ આ રીતે બે ફિલ્મ બંધ પડી ગઈ છે. ત્યારે મિથુને એની ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’ (1989)ના નિર્દેશક રમેશ સિપ્પીને શિલ્પાની ભલામણ કરી અને એમણે એમાં અંધ યુવતી ‘ગોપી’ ની ભૂમિકા આપી. શિલ્પા પહેલી ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’ માં કરેલા રેપસીન અને ‘મેરે નૈના તેરે નૈનો સે’ ગીતથી ચર્ચામાં રહી. અને એના પરથી મનહૂસનું લેબલ હટી ગયું. એ પછી અનિલ કપૂર સાથેની ‘કિશન કન્હૈયા’ (1990) માં હીરોઈન તરીકે તક મળી અને પછી ફિલ્મો મળતી જ રહી.
