શક્તિ કપૂરે પૂણેની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી અભિનયનો કોર્સ કર્યો હોવા છતાં કામ મેળવવાનું સરળ બન્યું ન હતું. પણ તેને નસીબનો સાથ મળ્યો હતો. તેનું મૂળ નામ સુનીલ કપૂર છે. તે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં બીજા વર્ષમાં હતો ત્યારે નિર્દેશક અર્જુન હીંગોરાની ધર્મેન્દ્ર-હેમા સાથેની ફિલ્મ ‘ખેલ ખિલાડી કા’ (૧૯૭૭) માટે ત્રણ કલાકારો પસંદ કરવા આવ્યા અને શક્તિને રૂ.૨૫૦ સાઇનીંગ એમાઉન્ટ આપી ‘ટોની’ ની નાનકડી ભૂમિકા માટે પસંદ કરી લીધો હતો. એ જ્યારે કોર્સ કરીને બહાર આવ્યો ત્યારે એ ફિલ્મ કરવા માટે રૂ.૫૦૦૦ મળ્યા હતા.
શક્તિ પાસે રહેવાની કોઇ સગવડ ન હતી. તે નસીબનો એવો બળીયો હતો કે બે વર્ષ પહેલાં વિનોદ ખન્ના સાથે ઓળખાણ થઇ હતી એનો લાભ મળ્યો. વિનોદને ખબર પડી કે શક્તિ પાસે ઘર નથી એટલે પોતાના જુહુ ખાતેના ફ્લેટમાં ભાડા વગર રહેવાની સંમતિ આપી દીધી. એ પછી શક્તિએ રાજશ્રીની પ્રેમકિશન અભિનીત અલીબાબા મરજીના(૧૯૭૭), રામસે બ્રધર્સની ‘દરવાજા’ (૧૯૭૮) વગેરે ચાલીસ જેટલી ફિલ્મોમાં કામ કર્યું પણ મહત્વની ભૂમિકા મળતી ન હતી. તે કામની શોધમાં ફરતો રહેતો હતો.
એક દિવસ રૂપતારા સ્ટુડિયોમાં સુનીલ દત્તની ફિલ્મનું શુટિંગ ચાલતું હતું ત્યાં ગયો. દત્તજી મેકઅપ રૂમમાં હોવાની માહિતી મળતાં દરવાજો ખખડાવી અંદર ગયો. શક્તિએ પોતાની મોટી તસવીરો બતાવીને કામ માગ્યું. દત્તજીએ શક્તિને ધ્યાનથી જોઇને કહ્યું કે તારી આંખો દમદાર છે. તું મારી ‘અજંતા આર્ટસ’ ની ઓફિસ પર આવીને મળજે. શક્તિ મળવા ગયો ત્યારે એમણે ફિલ્મ ‘યારી દુશ્મની’ (૧૯૮૦) માટે સાઇન કરી લીધો અને કહ્યું કે તારે બીજી કોઇ ફિલ્મ કરવાની નથી. એમણે જાહેરાત કરી દીધી કે તેમનું બેનર લોન્ચ કરી રહ્યું છે. એમને ખબર ન હતી કે શક્તિએ ઘણી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી છે. એમણે નામ બદલવાની જરૂરિયાત જણાવીને કહ્યું કે તું વિલનની ભૂમિકા કરવા માગે છે પણ નામ હીરો જેવું છે. નામ વિલન જેવું જોરદાર હોવું જોઇએ.
દત્તજી અને નરગીસે સુનીલ કપૂરનું નામ પહેલાં કરન કપૂર રાખ્યું. એક અઠવાડિયા પછી એમણે બોલાવીને કહ્યું કે કરન નામમાં મજા આવતી નથી. તારું નામ શક્તિ રાખ્યું છે. દત્તજીએ અધિકૃત રીતે શક્તિનું નામકરણ એમની ઓફિસમાં કર્યું. બધાંને મીઠાઇ ખવડાવી. ધીમે ધીમે વાત ચાલી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક નવો છોકરો આવ્યો છે અને સુનીલ દત્ત એને બ્રેક આપી રહ્યા છે. જ્યારે સુનીલનું નામ કરન અને પછી શક્તિ કરવાની વાત ચાલી રહી હતી એ દરમ્યાનમાં એક ઘટના બની ગઇ હતી. શક્તિએ એક શુટિંગ કંપનીની જાહેરાતના રૂપિયામાંથી ફિઆટ કાર ખરીદી લીધી હતી. એ કાર લઇને તે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં પાછળથી એક મર્સીડીઝ કારે ટક્કર મારી દીધી. શક્તિ ગુસ્સે થઇને કારમાંથી નીકળ્યો અને પૈસા વસૂલ કરવા કંઇક કહેવા માટે જોયું તો મર્સીડીઝમાંથી ફિરોઝ ખાન નીકળ્યા.
શક્તિ બધું જ ભૂલીને એમને ફિલ્મમાં કામ આપવા કરગર્યો. શક્તિએ પોતાનો પરિચય સુનીલ કપૂર તરીકે અને ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી નવો બહાર આવ્યો હોવાનો આપ્યો. પણ ભીડ એકઠી થઇ ગઇ હતી એટલે મર્સીડીઝને નુકસાન થયું હોવાનો ગુસ્સો વ્યક્ત કરતા ફિરોઝ નીકળી ગયા. શક્તિ નિરાશ થઇ કારને ગેરેજ સુધી લઇ ગયો. રાત પડી ગઇ હતી અને ભૂખ લાગી હતી. એ પોતાના મિત્ર અને ડેઇઝી ઇરાનીના પતિ કે.કે. શુક્લાને ત્યાં ગયો. તેમણે કહ્યું કે હું એક ફિલ્મ લખી રહ્યો છું એમાં મહત્વની ભૂમિકા છે. શક્તિએ એ ભૂમિકા પોતાને અપાવવા કહ્યું.
શુક્લાએ સંઘર્ષ કરતા શક્તિને કહ્યું કે તારું નસીબ ખરાબ છે અને કંઇ થવાનું નથી. એ ભૂમિકા તને મળી શકે નહીં. ફિરોઝ તેની કાર સાથે જેની કાર અથડાઇ છે એ યુવાનને ભૂમિકા આપવા માગે છે. એ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી આવ્યો છે. કેમકે કારમાંથી એ નીકળ્યો ત્યારે ગુસ્સામાં તેના તેવર જોઇને ‘કુરબાની’ (૧૯૮૦) ની ‘વિક્રમ સિંઘ’ ની ભૂમિકા માટે પસંદ કરી લીધો છે. એને એ શોધી રહ્યા છે. શક્તિએ પોતાની સાથે જ બનાવ બન્યાની માહિતી આપી એટલે શુક્લાએ ફિરોઝને ફોન કરી દીધો. એમણે શક્તિ સાથે મુલાકાત કરીને પસંદ પણ કરી લીધો. શક્તિની વિલન તરીકે ખરી શરૂઆત ફિલ્મ ‘કુરબાની’ થી જ થઇ હતી.