ડેવિડ ધવનને સંજય દત્તે ‘તાકતવર’ આપી

નિર્દેશક તરીકે સફળ રહેનાર ડેવિડ ધવને ફિલ્મ એડિટરના રૂપમાં કારકિર્દી શરૂ કરી હતી. અસલમાં તો એ અભિનેતા બનવા માગતા હતા. ડેવિડનું મૂળ નામ રાજેન્દ્ર છે. તે નાના હતા ત્યારે પાડોશીએ એમને ‘ડેવિડ’ તરીકે બોલાવવાનું શરૂ કર્યા પછી એ જ નામ પડી ગયું હતું. બારમાં ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી કઈ દિશામાં જવું એનો ખ્યાલ આવતો ન હતો. પરંતુ ભાઈ અનિલ ધવને ફિલ્મોમાં પ્રવેશ મેળવ્યો હતો અને એમની સાથે મુંબઈ જતા હતા એટલે એની ચકાચૌંધથી અંજાયા હતા.

ડેવિડે અભિનયમાં જવાના આશયથી ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં સતીશ શાહ, રાકેશ બેદી વગેરે સારા અભિનેતાને જોઈ ડેવિડને લાગ્યું કે અભિનય એ પોતાના વશની વાત નથી. કોઈ માણસ માત્ર પોતાને અરીસામાં જોઈને અભિનેતા બની શકતો નથી. ત્યાં એમણે રોશન તનેજાને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી ત્યારે એમણે બીજો વિકલ્પ હોવાનું કહ્યું હતું. ડેવિડે તરત જ એડિટરનો વિષય પસંદ કરી લીધો હતો. કેમકે એડિટર પછી નિર્દેશક બની શકાય એમ હતું અને એમાં આ કામ ઉપયોગી થાય એવું હતું. ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં કોર્સ પૂરો થવાનો હતો ત્યારે નિર્દેશક સાવનકુમાર ટાક આવ્યા હતા અને એટલા પ્રભાવિત થયા હતા કે કોર્સ પૂરો થયા પછી એમની આગામી ફિલ્મના એડિટર બનવા સાઇન કરી લીધા હતા. ડેવિડને એડિટિંગની પરીક્ષામાં ગોલ્ડ મેડલ મળ્યો હતો.

ડેવિડે એડિટર તરીકે સાવનકુમારની ફિલ્મ ‘સાજન બિના સુહાગન’ (૧૯૭૮) થી શરૂઆત કરી હતી. એ ફિલ્મનું એડિટિંગ કરી રહ્યા હતા ત્યારે એમ લાગ્યું કે શુટિંગ યોગ્ય સીકવન્સમાં થયું નથી અને ફિલ્મની ગતિ બરાબર આવતી નથી. એમણે વાર્તાને આગળ પાછળ કરી દીધી. ફિલ્મની શરૂઆતમાં કોર્ટનું દ્રશ્ય આવતું હતું એને બદલે ફ્લેશબેક બતાવ્યો. સાવનકુમારને એ વિચાર ગમ્યો હતો અને એ કારણે જ ફિલ્મ પસંદ કરવામાં આવી હતી. ડેવિડે એડિટરનો કોર્સ કર્યા પછી દૂરદર્શનના સમાચાર વિભાગમાં એડિટર તરીકે રૂ.૭૦૦ માં કામ કર્યું હતું. એ મુંબઇ આવ્યા ત્યારે બહુ મુશ્કેલ સ્થિતિમાં હતા. રહેવાની સમસ્યા હતી. એક રૂમમાં બીજા ચાર જણ સાથે રહેતા હતા. એડિટર તરીકે કામ મેળવવા શરૂઆતમાં બહુ સંઘર્ષ કર્યો હતો.

બોની કપૂરના પિતા સુરેન્દ્ર કપૂરની નિર્દેશક બાપુ સાથેની ફિલ્મમાં કામ માંગ્યું હતું. પણ બાપુનો જ એડિટર હોવાથી ના પાડી હતી. ધીમે ધીમે એડિટર તરીકે ફિલ્મો મળવા લાગી. સાવનકુમારની ‘સૌતન’ પછી સારાંશ, અલગ અલગ, જાન કી બાઝી, નામ, ઇન્સાફ વગેરે અનેક ફિલ્મો કરી. નિર્દેશક તરીકે પહેલી તક સંજય દત્તે આપી હતી. ફિલ્મોના એડિટિંગના સંબંધમાં ડેવિડને સંજય સાથે મળવાનું થતું હતું. ‘નામ’ પછી એક દિવસ સંજયે કહ્યું કે તમે નિર્દેશક કેમ બનતા નથી? ડેવિડે કહ્યું કે મને કોણ નિર્દેશક બનાવવાનું હતું? હું તો એડિટર છું. સંજય દત્તે વિશ્વાસથી કહ્યું કે તું બની જઈશ. બે દિવસ પછી હું એક ફિલ્મ સાઇન કરીશ અને તું એમાં નિર્દેશક બનીશ.

સંજય દત્તે પોતાની ફિલ્મ ‘તાકતવર’ (૧૯૮૯) નું નિર્દેશન અપાવ્યું અને ડેવિડ નિર્દેશક બની ગયા હતા. એ કારણે એડિટર તરીકેની ફિલ્મો છોડવી પડી હતી. ડેવિડ ત્યારે ‘અગ્નિપથ’ નું એડિટિંગ કરી રહ્યા હતા. એમણે મુકુલ આનંદને ના પાડી હતી. ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ (૧૯૯૨) થી ડેવિડે કોમેડી ફિલ્મો શરૂ કરી અને એમાં સારી સફળતા મળી હતી.