ફિલ્મ ‘નયા દિન નઇ રાત’ (૧૯૭૪) માં નવ ભૂમિકાઓ ભજવનાર અભિનેતા સંજીવકુમારે કારકિર્દીની શરૂઆત સ્ટંટ ફિલ્મોથી કરી હતી. પરંતુ પછી અભિનયમાં જબરદસ્ત છાપ છોડી હતી. સંજીવકુમારે કારકિર્દીમાં કેટલીક ફિલ્મો ગુમાવી હતી અને કેટલીક છોડી પણ દીધી હતી. નિર્દેશક ગુલઝારે સંજીવકુમાર સાથે ૧૯૭૦ માં મિર્ઝા ગાલિબ પર એક ફિલ્મ બનાવવાનું આયોજન કર્યું હતું. એ શક્ય બન્યું ન હતું. પાછળથી એમણે નસીરુદ્દીન શાહ સાથે ગાલિબ પર સિરિયલ બનાવી હતી. ગુલઝાર સંજીવકુમારને હેમામાલિનીની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘મીરા’ (૧૯૭૯) માં ‘રાણા ભોજરાજ’ ની મહત્વની ભૂમિકા સોંપવા માગતા હતા. ત્યારે સંજીવકુમારનો હેમામાલિની સાથે તણાવભર્યો સંબંધ હતો એટલે ના પાડી દીધી હતી. પછી એ ભૂમિકા વિનોદ ખન્નાએ નિભાવી હતી.
અલબત્ત ગુલઝાર સાથે સંજીવકુમારે પરિચય, આંધી, મોસમ વગેરે ઘણી ફિલ્મો કરી હતી. ફિલ્મ ‘શોલે’ (૧૯૭૫) ની વાર્તા જ્યારે સલીમ- જાવેદે સંભળાવી ત્યારે એમાં વધારે પડતી હિંસા લાગી હતી. પણ સંવાદને કારણે સંજીવકુમારને ‘ગબ્બર’ ની ભૂમિકા વધારે પસંદ આવી હતી. પાછળથી સંજોગો એવા બન્યા કે સંજીવકુમારે ‘ઠાકુર’ બનવાનું જ પસંદ કર્યું હતું. જે એમની શ્રેષ્ઠ દસ ભૂમિકાઓમાં એક ગણાય છે. અસલમાં ધર્મેન્દ્ર ‘ઠાકુર’ બનવા માગતો હતો પણ હેમા સાથે રોમાન્સની તક હોવાથી ‘વીરુ’ ની ભૂમિકા સ્વીકારી હતી. રાજશ્રીની ફિલ્મ ‘સારાંશ’ (૧૯૮૪) માટે પહેલાં સંજીવકુમારનું નામ વિચારવામાં આવ્યું હતું. કેમકે સંજીવકુમાર મોટી ઉંમરની વ્યક્તિની ભૂમિકા કરી શકે એમ હતા. પરંતુ ૨૮ વર્ષના અનુપમ ખેરે નિર્દેશક મહેશ ભટ્ટને એવો વિશ્વાસ અપાવ્યો કે તે વૃધ્ધની ભૂમિકા માટે વધુ યોગ્ય છે. અને એ ફિલ્મ અનુપમ ખેર પાસે જતી રહી હતી.
ટીનુ આનંદ નિર્દેશિત ‘કાલિયા’ (૧૯૮૧) માં જેલરની ભૂમિકા માટે સંજીવકુમારને સાઇન કરી લેવામાં આવ્યા હતા. જ્યારે અમિતાભ મુખ્ય ભૂમિકામાં છે એવી અખબારમાં આખા પાનાની જાહેરાત આવી ત્યારે સંજીવકુમાર નારાજ થયા હતા અને પોતાને મહત્વ અપાયું ન હોવાનું લાગતાં ફિલ્મ છોડી દીધી હતી. પછી એમાં જેલર તરીકે પ્રાણ આવ્યા હતા. ફિલ્મ ‘ખિલોના’ માંથી સંજીવકુમારને કાઢવામાં આવે એવી શક્યતા ઊભી થઈ હતી. તે સેટ પર મોડા આવતા હોવાથી નિર્માતા એલ.વી. પ્રસાદ એમના સ્થાને બીજા હીરોને લઈને ફિલ્મ બ્નાવવાનું વિચારવા લાગ્યા હતા. પરંતુ એક દ્રશ્યમાં એમનો જાનદાર અભિનય જોઈને વિચાર માંડી વાળ્યો હતો અને મોડા આવવાનું થાય તો અગાઉથી જાણ કરવાની સૂચના આપવાનું કહીને એમની સાથે જ ફિલ્મ પૂરી કરી હતી. નિર્માતા યશ ચોપરાની દિલીપ નાયકના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘નાખુદા’ માં સચિનના પિતા તરીકે કામ કરવાની સંજીવકુમારે ના પાડી દીધી હતી. ડોકટરોની સલાહને કારણે સંજીવકુમારે એ સમય પર વૃધ્ધ વ્યક્તિની ભૂમિકા કરવાનું બંધ કર્યું હતું.