રાજ કપૂરની ‘બોબી’ (૧૯૭૩) માં ‘પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપડા’ સંવાદ બોલીને જાણીતા રહેલા અભિનેતા પ્રેમ ચોપડાએ કારકિર્દી હીરો તરીકે શરૂ કરી પણ સંજોગોએ વિલન બનવા મજબૂર કર્યા હતા. પ્રેમ શિમલાની કોલેજમાં ભણતા હતા ત્યારે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે કલ્પના ન હતી કે અભિનયમાં કારકિર્દી બનાવશે. કોલેજના પહેલા વર્ષમાં એક નાટકમાં પૂંછડી લગાવીને હનુમાનની ભૂમિકા કરી હતી. કોલેજ પછી એક અંગ્રેજી નાટકમાં પ્રેમનું કામ પસંદ કરવામાં આવ્યું. પ્રેમ જ્યારે પિતા પાસે અભિનયમાં જવાની દરખાસ્ત લઇને ગયા ત્યારે એમણે ચોખ્ખી ના પાડી દીધી કે આ એક અસલામત વ્યવસાય છે. કોઇ સફેદ કોલર નોકરી કરજે.
હું એક સરકારી નોકર છું અને આપણો મોટો પરિવાર છે. હું તને પૈસા મોકલી શકીશ નહીં. ત્યારે પ્રેમ પ્રયત્ન કરવા માટે એક-બે મહિનાનો ખર્ચ લઇને જતા રહ્યા. જ્યારે મુંબઇ આવ્યા ત્યારે ખબર પડી કે ફિલ્મોમાં કામ મેળવવાનું મુશ્કેલ છે. ઘણા પ્રયત્ન પછી કામ ના મળ્યું એટલે પાછા ઘરે જતા રહ્યા. થોડા સમય પછી પ્રેમને ફરી અભિનયમાં પ્રયત્ન કરવાનો વિચાર આવ્યો. પિતાએ એમને સલાહ આપી કે સ્નાતક થયો છે તો ત્યાં ફિલ્મોમાં કામ શોધવા સાથે નોકરી કરવાનું રાખજે. પ્રેમને મુંબઇ આવતાની સાથે જ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ અખબારના વિતરણ વ્યવસ્થાના વિભાગમાં નોકરી મળી ગઇ.
પ્રેમ નોકરી સાથે ફિલ્મોમાં કામ મેળવવા સંઘર્ષ કરતા હતા ત્યારે ટ્રેનમાં એક માણસે સામેથી પૂછ્યું કે ફિલ્મોમાં કામ કરવા માગે છે? તો મારી સાથ આવ. અને પ્રેમ તેની સાથે જવા તૈયાર થઇ ગયા. એ માણસ તેને રણજીત સ્ટુડિયોમાં લઇ ગયો અને નિર્દેશક ક્રિશ્નકુમાર સામે ઊભો કરી દીધો. તેમણે પહેલી જ નજરે પ્રેમને જોઇને કહી દીધું કે મારે ‘શેરા’ ના પાત્ર માટે આવો જ ચહેરો જોઇએ છે. અને પ્રેમ પંજાબી ફિલ્મ ‘ચૌધરી કરનેલ સિંહ’ (૧૯૬૦) ના હીરો બની ગયા. પ્રેમ ચોપડાએ શુટિંગ માટે નોકરીમાં બહાના બનાવ્યા અને કામ કર્યું. પ્રેમને ફિલ્મ માટે રૂ.૨૫૦૦ મળ્યા અને રાષ્ટ્રીય એવોર્ડ સહિત સારી સફળતા મળી. એ પછી બીજી બે પંજાબી ફિલ્મો કરી. સંઘર્ષ ચાલુ હતો અને નાની ભૂમિકાઓ મેળવતા હતા.
એ દરમ્યાન પ્રેમની મુલાકાત નિર્દેશક મહેબૂબ ખાન સાથે થઇ ત્યારે એમણે કહ્યું કે તારામાં પ્રતિભા છે. હું તને હીરો તરીકે બ્રેક આપીશ. તું કોઇ બીજું કામ કરી ગરબડ ના કરતો. દરમ્યાનમાં પ્રેમને ‘વો કૌન થી’ (૧૯૬૪) અને ‘શહિદ’ (૧૯૬૫) મળી. બંને હિટ થઇ ગઇ. ‘વો કૌન થી’ ને કારણે પ્રેમ વિલન તરીકે લોકપ્રિય થવા લાગ્યો. તેને એવી જ ભૂમિકાઓ મળવા લાગી. ફિલ્મ ‘ઉપકાર’ (૧૯૬૭) થી વિલન તરીકે સ્થાપિત થઇ ગયો. એક દિવસ પ્રેમ ચોપડા મહેબૂબ સ્ટુડિયોમાં શુટિંગ કરતા હતા ત્યારે મહેબૂબ ખાન મળવા આવ્યા અને કહેવા લાગ્યા કે મેં તને ના પાડી હતી છતાં તે ગરબડ કરી દીધી છે. ‘વો કૌન થી’ થી તારી વિલનની ઇમેજ બની ગઇ છે. હવે આખી જિંદગી વિલન બનીને રહેજે. તેં બહુ ઉતાવળ કરી નાખી. અસલમાં મહેબૂબ ખાન પ્રેમને હીરો તરીકે લઇ ફિલ્મ કરવા માગતા હતા પણ નાદુરસ્ત તબિયતને કારણે શક્ય બન્યું ન હતું.
