દિપ્તીની ‘ઝુનૂન’થી અભિનયની શરૂઆત

દિપ્તી નવલે અભિનેત્રી બનવાની તમન્ના રાખી હતી પરંતુ ક્યારેય એની તાલીમ લીધી ન હતી કે કોઇ નાટકમાં પણ કામ કર્યું ન હતું. દિપ્તી સાત વર્ષની હતી ત્યારથી અભિનેત્રી બનવાની તમન્ના હતી. પરંતુ યુવાન થઇ ત્યાં સુધી કોઇને કહ્યું ન હતું. બાળપણમાં માતા ચિત્રકાર હોવાથી એમાં રસ પડતાં તે સારા ચિત્રો બનાવવા લાગી હતી. એટલે એક અભિનેત્રી સાથે ચિત્રકાર રહી છે. વર્ષોથી ન્યૂયોર્કમાં વસતો પરિવાર એની અભિનયમાં જવાની વાતને સ્વીકારે એમ ન હતો. એ અભિનેત્રી બનવાની વાત કરે તો વિરોધ થાય એમ હતો. કેમકે માતા ને પિતા શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દિપ્તી એમને જાણ થવા દેવા ઇચ્છતી ન હતી. જ્યારે કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે એમને જણાવ્યું કે ભારત જઇને ફિલ્મોમાં અભિનય કરવા માગે છે.

દિપ્તીના વિચારથી એમને આંચકો લાગ્યો હતો. પણ પિતાને લાગ્યું કે દિપ્તીની તીવ્ર ઇચ્છા છે અને દિલથી ચાહે છે એટલે અભિનયમાં જાય તો વાંધો નથી. અસલમાં તે ન્યૂયોર્કની કોલેજમાં ભણતી હતી ત્યારથી ફિલ્મ કલાકારોના પરિચયમાં આવી હતી. તે એક રેડિયો કાર્યક્રમ માટે ભારતથી આવતા ફિલ્મ કલાકારોની મુલાકાત લેતી હતી. રાજ કપૂર, દિલીપકુમાર, સાધના વગેરે અનેક કલાકારોના ઇન્ટરવ્યુ લીધા હતા. દિપ્તી અભિનેત્રી બનવાનું સપનું લઇને જ્યારે ૧૯૭૮ માં મુંબઇ આવી ત્યારે ન્યૂયોર્કમાં ફિલ્મ કલાકારોની મુલાકાત લીધી હતી એ બાબત કામમાં આવી. ન્યૂયોર્કમાં દિપ્તીએ ગાયક હેમંતકુમારની મુલાકાત પણ લીધી હતી. એમની પુત્રી રાનૂ મુખર્જી સાથે દિપ્તીને ઓળખાણ થઇ હતી અને પછી મિત્રતા થઇ ગઇ હતી. રાનૂએ ‘નાની તેરી મોરની કો ચોર લે ગયે’ ગીત ગાયું હતું. મુંબઇ આવ્યા પછી દિપ્તી રાનૂના ઘરે આવતી- જતી હતી ત્યારે એણે ઋષિકેશ મુખર્જી સાથે મુલાકાત કરાવી હતી.

ઋષિદાએ દિપ્તીની બાસુ ભટ્ટાચાર્ય સાથે મુલાકાત કરાવી હતી. બાસુદા ઉપરાંત નિર્દેશક શ્યામ બેનેગલને પણ મળવાનું થયું ત્યારે તે એક ટૂથપેસ્ટની જાહેરાત બનાવી રહ્યા હતા. એમણે દિપ્તીને કહ્યું કે તારી સ્માઇલ સારી છે. આ જાહેરાતમાં કામ કરી જો. એક રીતે તારો કેમેરા સામે સ્ક્રીન ટેસ્ટ પણ થઇ જશે. દિપ્તીને મોડેલ બનવું ન હતું. છતાં બેનેગલના કહેવાથી જાહેરાતમાં કામ કર્યું. એ પછી તે શશી કપૂર સાથે ફિલ્મ ‘ઝુનૂન’ (૧૯૭૮) બનાવતા ત્યારે એક નાનકડી ભૂમિકા સોંપી. બેનેગલે સ્પષ્ટ કહ્યું હતું કે આ ભૂમિકા ખાસ નથી પણ એને કરવાથી ફિલ્મમાં કામ કેવી રીતે થાય છે અને એનો માહોલ કેવો હોય છે એનો અનુભવ મળશે. દિપ્તીએ એ ફિલ્મ કરી લીધી.

મુંબઇ આવી ત્યારે દિપ્તી એ બાબતમાં સ્પષ્ટ હતી કે ઘાઘરો પહેરીને નાચવાવાળા ગીતો કરવા નથી. દિપ્તીએ આ કારણે ઘણી ફિલ્મો ઠુકરાવી હતી. તે અર્થપૂર્ણ ફિલ્મો કરવાના પોતાના વિચાર પર અડગ રહી. નિર્દેશક વિનોદ પાંડેની ફિલ્મ ‘એક બાર ફિર’ (૧૯૮૦) ની સ્ક્રીપ્ટ પસંદ આવી હતી અને હીરોઇન તરીકે આ પહેલી જ એક ગંભીર વિષય પરની ફિલ્મ કરી હતી. એ પછી ‘ચશ્મેબદ્દુર’ થી લોકપ્રિયતા મળી અને ફારૂક શેખ સાથે જોડી બની ગઇ. દિપ્તીએ કથા, સાથ સાથ, અંગૂર, અનકહી, મિર્ચ મસાલા, એક ઘર વગેરે અનેક ફિલ્મો કરી એમાં અભિનય સહજ રહ્યો છે.