અસરાનીએ ‘શોલે’ ના જેલરને યાદગાર બનાવ્યો

નિર્દેશક રમેશ સિપ્પિની ફિલ્મ ‘શોલે’ (૧૯૭૫)માં અસરાનીએ ‘જેલર’ ની જે ભૂમિકાથી લોકપ્રિયતા મેળવી હતી એ માટે ખરેખર ઘણી મહેનત કરી હતી. જ્યારે ‘શોલે’ મળી ત્યારે અસરાની ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા. અસરાનીને લેખક સલીમ- જાવેદ અને નિર્દેશક રમેશ સિપ્પિએ પોતાની ઓફિસમાં બોલાવીને ભૂમિકા સમજાવી હતી અને કહ્યું હતું કે એક ‘જેલર’ની ભૂમિકા છે. તે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જે જેલમાં હોય છે ત્યાં ફરજ પર આવે છે. જેને બેવકૂફ બનાવીને તે બંને નીકળી જાય છે. ભૂમિકા સમજાવવા અસરાનીને બીજા વિશ્વયુધ્ધનું પુસ્તક બતાવવામાં આવ્યું એમાં હિટલરના ઘણા ચિત્રો હતા. એમાં હિટલર જુદી જુદી મુદ્રામાં ઊભા હતા. અસરાનીએ પુસ્તક બતાવવાનું કારણ પૂછ્યું ત્યારે કહેવામાં આવ્યું કે ‘શોલે’ માં તમારી આ પ્રકારની ભૂમિકા છે. એમણે દ્રશ્યો વાંચીને સંભળાવ્યા ત્યારે અસરાની ચોંકી ગયા.

અસરાનીને શંકા ઊભી થઇ કે તે આ રોલ કરી શકશે કે નહીં. સલીમ ખાને પાત્રનું વર્ણન કરીને એનો ગેટઅપ કેવો હશે, કેવી રીતે કદમ મૂકશે, કેવા કપડાં હશે, વિગ કેવી હશે અને એ પોઝ કેવા આપશે જેવી નાની- નાની વાતો કરી. અસરાનીએ દૂરદર્શન સાથેની એક મુલાકાતમાં આ ભૂમિકા બાબતે કહ્યું હતું કે હિટલર જયારે જાહેરમાં જવાના હોય ત્યારે પહેલાં એનું રિહર્સલ કરતા હતા. એ પોતાની ઓફિસમાં ફોટોગ્રાફર પાસે વાત કરવાની જુદી જુદી ઢબના ફોટા પડાવતા હતા એમાંથી જે પોઝ સારો લાગે એ રીતે જાહેરમાં જાય ત્યારે વાત કરતા હતા. વિશ્વના મોટાભાગના ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં હિટલરનો અવાજ તાલીમ માટે રેકોર્ડ કરીને રાખવામાં આવ્યો છે. એ બતાવવા માટે કે એક દેશમાં એક અવાજે લોકોને કેવી રીતે ભડકાવ્યા હતા.

સલીમ- જાવેદના કહ્યા મુજબ અસરાનીએ હિટલર જેવી સ્ટાઇલથી સંવાદ બોલીને અને ચાલી એમને બતાવ્યું. અસરાનીએ હિટલરના અવાજને પકડીને મોટા અવાજે દ્રશ્યોનું એટલું સરસ રિહર્સલ કર્યું કે સલીમ- જાવેદ અને રમેશ સિપ્પિએ એને પાસ કરી દીધો. અસરાનીના શુટિંગની શરૂઆત ‘અટેન્શન, હમને કહા અટેન્શન’ દ્રશ્યથી થઇ હતી. અને ‘હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ’ સંવાદ તો બહુ જ લોકપ્રિય થયો. અસરાનીને એ વાક્યથી વધારે ઓળખવામાં આવે છે. અસરાનીને કલ્પના ન હતી કે આ ભૂમિકા કારકિર્દીમાં આટલી બધી યાદગાર બની જશે.

ફિલ્મ રજૂ કરતાં પહેલાં જ્યારે એને જોવામાં આવી ત્યારે લંબાઇ વધી ગઇ હોવાથી કેટલાકે અસરાનીની ‘જેલર’ ની ભૂમિકાને પણ કાપી નાખવાનું સૂચન કર્યું હતું. ત્યારે રેકોર્ડિસ્ટ મંગેશ દેસાઇએ કહ્યું હતું કે અસરાનીની ભૂમિકા કાપશો તો ગરબડ થઇ જશે. તેમ છતાં અસરાનીના કેટલાક દ્રશ્યોને કાપી નાખવામાં આવ્યા અને થોડા દ્રશ્યો રાખવામાં આવ્યા. એડિટિંગ બાદ ફરી જ્યારે ફિલ્મ જોવામાં આવી ત્યારે બધાંએ માન્યું કે અસરાનીના તમામ દ્રશ્યો રાખવાની જરૂર છે. અને એમના એ દ્રશ્યોને ફરી ઉમેરવામાં આવ્યા હતા. ફિલ્મના અસરાનીનું દરેક વાક્ય નહીં ‘આહા’ જેવા શબ્દ લોકોને એટલા પસંદ આવ્યા કે એ નિર્ણય સાચો ઠર્યો હતો.