પદમિનિ કોલ્હાપુરેએ બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મો કરી હતી. એ જ્યારે યુવાનીમાં પ્રવેશી રહી હતી ત્યારે હીરોઈન તરીકે એને એકસાથે અનેક ફિલ્મો મળી હતી. એમાંથી ‘એક દુજે કે લિયે’ (૧૯૮૧) એક કારણથી છોડવી પડી હતી અને બીજી ફિલ્મ સ્વીકારી લીધી હતી. પદમિનિને હીરોઈન તરીકે સૌથી પહેલાં નિર્માતા એલ. વી. પ્રસાદે એમની કે. બાલાચંદરના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘એક દુજે કે લિયે’ માટે સાઇન કરી લીધી હતી. એનું શુટિંગ શરૂ થયું ન હતું ત્યારે રિશી કપૂરે પદમિનિને ફિલ્મ ‘ઇન્સાફ કા તરાજૂ’ (૧૯૮૦) ના સેટ પર ઝીનત અમાનની બહેનની ભૂમિકામાં એક ગીતના ફિલ્માંકનમાં જોઈ હતી.
નિર્દેશક નાસિર હુસેને ત્યારે ‘જમાને કો દિખાના હૈ’ (૧૯૮૧) ની હીરોઇન માટે વાત કરી ત્યારે રિશીએ એનું નામ આપ્યું હતું. પદમિનિ જ્યારે નાસિરને મળવા ગઈ ત્યારે એમણે એક નહીં ત્રણ ફિલ્મો માટે કરારબધ્ધ કરીને સાઇન કરી લીધી હતી. એમાં એક શરત એવી હતી કે યુવા હીરોઇનના રૂપમાં ‘જમાને કો દિખાના હૈ’ પદમિનિની પહેલી રજૂ થનારી ફિલ્મ રહેશે. પરંતુ એના એક મહિના પહેલાં પદમિનિએ ‘એક દુજે કે લિયે’ મેળવી હતી. એ માટે કોઈ કરાર કર્યો ન હતો. એટલે આ વાત જ્યારે પદમિનિએ એલ.વી. પ્રસાદને કરી ત્યારે એ પોતાની ફિલ્મને મોડી રજૂ કરવા તૈયાર ન હતા. દક્ષિણમાં ફિલ્મો ઝડપથી બનતી હતી અને રજૂ પણ તરત થતી હતી. એ કારણે પદમિનિ ‘એક દુજે કે લિયે’ કરી શકી ન હતી.
‘જમાને કો દિખાના હૈ’ શરૂ થઈ ત્યારે મોટી જાહેરાત કરવામાં આવી કે રિશી કપૂર સાથે નવી હીરોઈન પદમિનિ પહેલી વખત ચમકી રહી છે. દરમ્યાનમાં રાજ કપૂરને ખબર પડી કે એમની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ (૧૯૭૮) ની ‘બેબી રૂપા’ હીરોઈન બની ગઈ છે. એમણે પદમિનિને બોલાવીને કહ્યું કે તું ક્યારે મોટી થઈ ગઈ એની ખબર જ ના પડી. અને એમણે ‘પ્રેમરોગ’ (૧૯૮૨) માટે સ્ક્રિન ટેસ્ટ લીધો. કેમકે એક વિધવાની ભૂમિકામાં તે યોગ્ય રહેશે કે નહીં એ ચકાસવું પડે એમ હતું. એમણે સફેદ સાડીમાં પદમિનિનો સ્ક્રિન ટેસ્ટ લીધો ત્યારે નિર્દેશન એ પોતે કરવાના ન હતા.
લેખક જૈનેન્દ્ર જૈન નિર્દેશક હતા. આરજે અનમોલ સાથેની એક મુલાકાતમાં પદમિનિએ એની શરૂઆતની ફિલ્મો વિશે આ વાત કરતાં કહ્યું હતું કે પાછળથી એમણે જ નિર્દેશનની બાગડોર સંભાળવાનો નિર્ણય કર્યો હતો. અને બંને ફિલ્મો સાથે જ શરૂ થઈ હતી. સંજોગો એવા ઊભા થયા કે નાસિર હુસેનની ‘જમાને કો દિખાના હૈ’ પદમિનિની રજૂ થનારી પહેલી ફિલ્મ બની શકી નહીં. કેમકે પદમિનિએ ત્રીજી ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’ (૧૯૮૧) પણ મેળવી હતી અને એનું શુટિંગ શરૂ થઈ ગયું હતું. પદમિનિની એકસાથે ત્રણ ફિલ્મો બની રહી હતી. એમાં ‘આહિસ્તા આહિસ્તા’ સૌથી પહેલાં બનીને તૈયાર થઈ ગઈ એટલું જ નહીં ઓક્ટોબર માસમાં રજૂ પણ પહેલી થઈ. જ્યારે ‘જમાને કો દિખાના હૈ’ ડિસેમ્બરમાં આવી. નવાઈની વાત એ રહી કે પદમિનિ સાથેની પોતાની ફિલ્મ સૌથી પહેલી રજૂ ના થઈ એ બાબતે નાસિર હુસેને વાંધો ઉઠાવ્યો નહીં.