રામગોપાલ વર્માની ‘સત્યા’ (૧૯૯૮) ની મોટી સફળતા પછી અભિનેતા ઉપરાંત લેખક અને નિર્દેશક તરીકે પણ ધ્યાન ખેંચનાર સૌરભ શુક્લાની ફિલ્મી કારકિર્દીની ખરી શરૂઆત ‘બેન્ડિટ ક્વીન’ (૧૯૯૪) થી અલગ સંજોગોમાં જ થઈ હતી. એક સમય એવો હતો જ્યારે સૌરભને હોલિવૂડની ‘લિટલ બુધ્ધા’ ઉપરાંત ‘બુધ્ધા’ વિશેના પુસ્તક પરની બીબીસીની એક સિરિયલ પણ મળવાની હતી. ત્યારે સૌરભને દૂરદર્શનની ચાર સિરિયલ લખવાનું કામ મળ્યું હતું. પરંતુ ટૂંકા ગાળામાં ત્રણેય કામ છીનવાઈ ગયા હતા.
નિર્દેશક બર્નારડો બર્ટોલૂચી ભારતમાં ફિલ્મ ‘લિટલ બુધ્ધા’ (૧૯૯૩) માટે ભારતીય કલાકારો પસંદ કરવા આવ્યા હતા અને એ માટે સૌરભે ઓડિશન આપ્યું હતું. એમાં છેલ્લે તૈયાર થયેલી યાદીમાં સૌરભનું નામ હતું. ત્યારે જ ચેનલ 4 ની એક સિરિયલ ‘બુધ્ધા’ માટે ઓડિશન આપ્યું હતું. એમાં પાસ થયા હતા અને એ માટે એક વર્ષ ઈંગ્લેન્ડ આવીને રહેવું પડશે એવી સૂચના મળી હતી. પરંતુ દૂરદર્શન માટે લખેલી ચાર સિરિયલો પસંદ થઈ હોવાથી શું કરવું એની મૂંઝવણમાં હતા. એ સમય પર સૌરભ સીમા વિશ્વાસ સાથે એક નાટક કરતાં હતા. એને જોવા નિર્દેશક શેખર કપૂર આવ્યા હતા. સૌરભ એ નાટકમાં ચાર જુદી જુદી ભૂમિકાઓ નિભાવતા હતા.
નાટક પૂરું થયા પછી શેખર સ્ટેજની પાછળ સૌરભને મળ્યા અને આજકાલ બીજું શું કરે છે એમ પૂછ્યું ત્યારે સૌરભ જેમની સાથે કામ કરતા હતા એ રામગોપાલ બજાજે કહ્યું કે એ તો ભારતમાં રહેવાનો જ નથી. ઈંગ્લેન્ડ જવું કે નહીં એનું વિચારી રહ્યો છે. એની પાસે તો દૂરદર્શનની આટલી બધી સિરિયલો પણ છે. ત્યારે શેખરે કહ્યું કે તે એક ફિલ્મ બનાવી રહ્યા છે. પણ સૌરભ પાસે એટલું કામ હતું કે એના વિષે પૂછવાનું ધ્યાનમાં જ ના આવ્યું.
એ પછી સૌરભને પહેલા સપ્તાહે પત્ર આવ્યો કે ‘લિટલ બુધ્ધા’ માં તમને લઈ શકાયા નથી. બીજા અઠવાડિયે ઈંગ્લેન્ડથી પત્ર આવ્યો કે ‘બુધ્ધા’ માટે બીજા અભિનેતાને લેવામાં આવ્યો છે. અને ત્રીજા અઠવાડિયે ખબર મળ્યા કે દૂરદર્શનમાં કોઈ કાયદાકીય ગૂંચને કારણે બધી જ સિરિયલોનું નિર્માણ બંધ રાખવામાં આવ્યું છે. એકાએક સૌરભ કામ વગરના થઈ ગયા. ત્યારે જાણ્યું કે એમના બધા જ મિત્રો શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’ માં કામ કરી રહ્યા છે. સૌરભને એ સ્થિતિનું દુ:ખ થયું. એ સમય પર શેખર ફરી સીમાનું નાટક જોવા આવ્યા અને અંતમાં સૌરભને માત્ર જોઈને જતાં રહ્યા.
સૌરભે એમના સહાયક રહેલા તિગ્માંશુ ધૂલિયાને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે તારી ધોલપુરની ટિકિટ કઢાવી છે. તું કાલે આવી જજે. સૌરભ જ્યારે શુટિંગ સ્થળ પર પહોંચ્યા ત્યારે ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’ માં કૈલાશની ભૂમિકા તૈયાર હતી. પાછળથી સૌરભને જાણવા મળ્યું કે અસલમાં એવું બન્યું હતું કે એ દિવસે નાટકમાં સૌરભનો અભિનય જોઈ શેખરે નક્કી કર્યું હતું કે ‘બેન્ડિટ ક્વીન’ માં આ અભિનેતાને કોઈપણ સંજોગોમાં લેવો છે. પણ કોઈ ભૂમિકા ન હતી. તેથી એમાં બે અલગ ભૂમિકાઓને ભેગી કરીને એક નવું જ પાત્ર તૈયાર કરી સૌરભને કામ આપ્યું હતું. સૌરભના અભિનયનો જ એ કમાલ હતો કે પ્રભાવિત થયેલા શેખર કપૂરે ‘બેન્ડિટ ક્વીન’ માં એમના માટે ફૂલનદેવીના કઝીનનું ખાસ નવું પાત્ર ઊભું કર્યું હતું.