સંગીતકાર અનુ મલિકને કિશોરકુમારને કારણે ગાયક તરીકે શરૂઆત કરવાની તક મળી હતી. અનુ મલિકે આમ તો અગાઉ કેટલાક ગીતોમાં અવાજ આપ્યો હતો પણ ફિલ્મ ‘જીતે હૈ શાન સે’ (1988) માં સંગીત આપતી વખતે સંજોગો એવા ઊભા થયા કે એ સંપૂર્ણ ગાયક બની ગયો હતો.
નિર્દેશક કવલ શર્માની ‘જીતે હૈ શાન સે’ નું ‘જૂલી જૂલી જૉની કા દિલ તુમ પે આયા’ ગીત કિશોરકુમારના અવાજમાં રેકોર્ડ કરવાનું નક્કી થયું હતું. અનુને થયું હતું કે આ કમાલનું ગીત હોવાથી કિશોરકુમારના અવાજમાં રેકોર્ડ કરવું જોઈએ. એમણે કિશોરકુમારને ફોન કર્યો અને કહ્યું કે આ ગીત ગાવાનું છે. એમણે હા પાડી અને પૂછ્યું કે હીરો કોણ છે? અનુએ કહ્યું કે મિથુન ચક્રવર્તી છે. એમણે આવવાની હા પાડી પણ આવ્યા નહીં.
અનુ જ્યારે પણ ફોન કરે ત્યારે એમ કહેતા કે હું આવીશ. સમય વીતી રહ્યો હતો એટલે નિર્દેશકે ગીત રેકોર્ડ કરવા કહ્યું ત્યારે અનુએ કિશોરકુમારના પુત્ર અમિતકુમારને બોલાવવાનું નક્કી કર્યું. અમિતકુમારે હા પાડી પણ કિશોરકુમાર જેવું જ કર્યું. ‘આવું છું આવું છું’ કહીને આવતા જ ન હતા. બંને આવી રહ્યા ન હતા એટલે ફિલ્માંકન માટે કામચલાઉ રેકોર્ડિંગ કરવા કવિતા કૃષ્ણમૂર્તિને બોલાવવામાં આવ્યા અનુએ એમની સાથે ‘જૂલી જૂલી’ માં જાતે જ પુરુષ સ્વરમાં અવાજ આપી દીધો. અનુ અને કવલ શર્માએ જ્યારે મિથુનને ગીત સંભળાવ્યું ત્યારે નવો પુરુષ સ્વર સાંભળીને પૂછ્યું કે આ કોણે ગાયું છે? કવલે કહ્યું કે અનુ મલિકે ગાયું છે. ત્યારે મિથુને કહ્યું કે આ તો સંગીતકાર છે. ત્યારે અનુએ કહ્યું કે મેં ગાયું પણ છે.
મિથુન અનુને ભેટી પડ્યા અને કહ્યું કે આ ગીત તારા જ સ્વરમાં રહેશે. અને એ ગીત અનુના સ્વરમાં જ રહ્યું. આ ગીતને ફિલ્મ પૂરી થયા પછી ફરી પણ થોડું બતાવવામાં આવ્યું છે. એટલું જ નહીં મિથુન પર ફિલ્માવેલું બીજું સોલો ગીત ‘સલામ શેઠ સલામ શેઠ’ અનુએ જ ગાયું હતું. બંને ગીતો લોકપ્રિય થયા હતા. મિથુન ચક્રવર્તીએ ગાયક તરીકે પોતાને લોન્ચ કર્યો હોવાનું અનુએ એક મુલાકાતમાં કહ્યું છે. ફિલ્મ ‘જીતે હૈ શાન સે’ બીજી કેટલીક બાબતોમાં પણ વિશેષ રહી છે.
ટાઇટલ ગીતમાં મિથુન પોતે જ તેના જોની (મિથુન)ના પાત્રની સામે દેખાય છે. તેથી એવી ફિલ્મ તરીકે ઓળખાય છે જેમાં મિથુન ચક્રવર્તીએ ડબલ રોલ ભજવ્યો હતો. અને એકમાત્ર એવી ફિલ્મ છે જ્યારે કોઈ અભિનેતા પાત્ર તરીકે અને વાસ્તવિક જીવનની હસ્તી તરીકે ડબલ રોલમાં દેખાયો હોય. ફિલ્મમાં સંજય દત્તનું નામ ‘ગોવિંદા’ અને ગોવિંદાનું ‘ઈકબાલ’ હતું. આ પહેલી અને એકમાત્ર એવી ફિલ્મ હતી જેમાં મિથુન ચક્રવર્તી અને ગોવિંદા એકસાથે દેખાયા હતા. ગોવિંદા અને સંજય દત્તની પણ આ પહેલી ફિલ્મ હતી. એ પછી તેઓ તાકતવર (1989), હસીના માન જાયેગી (1999), જોડી નંબર 1 (2001) અને એક દો એક ગ્યારહ (2003) જેવી ફિલ્મોમાં દેખાયા હતા.
