અભિનેતા રાજકુમાર સાથે હિન્દી ફિલ્મો બનાવીને જાણીતા થયેલા નિર્દેશક મેહુલકુમારને કોઈ અનુભવ વગર પહેલાં
ગુજરાતી ફિલ્મનું નિર્દેશન કરવાની તક મળી હતી. મેહુલકુમાર જ્યારે જામનગરથી મુંબઇ ફિલ્મોમાં નસીબ અજમાવવા આવ્યા ત્યારે કોઈ ઓળખાણ ન હતી. સૌથી પહેલાં સ્ટેજ માટે નાટક લખ્યા અને ભજવ્યા એ સાથે નિર્દેશિત પણ કર્યા. મેહુલકુમાર એક રોમેન્ટિક લવસ્ટોરીનું નાટક ‘જિગર અને અમી’ કરી રહ્યા હતા ત્યારે આમિર ખાનના પિતા અને નિર્માતા તાહિર હુસૈન જોવા માટે આવ્યા હતા. એમણે મેહુલકુમારને કહ્યું કે તારી પાસે કોઈ સારી વાર્તા હોય તો મારે ગુજરાતી ફિલ્મ બનાવવી છે. કેમકે એ સમયમાં ગુજરાતી ફિલ્મોનો દોર હતો.
મેહુલકુમાર બીજા દિવસે તાહિરની ઓફિસ પર ગયા અને એક વાર્તા સંભળાવી. એમને વાર્તા પસંદ આવી ગઈ પણ એમના માટે સવાલ એ હતો કે એનું નિર્દેશન કોણ કરશે? મેહુલકુમારે કહ્યું કે મેં આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને સંવાદ જ નહીં ગીતો પણ લખ્યા છે. એટલે હું એને જેટલી સારી રીતે રજૂ કરી શકું છું એટલી બીજા કોઈ નિર્દેશક કાદાચ કરી શકે નહીં. અને મેં નિર્દેશન અંગેના જ નહીં એડિટિંગ, ફોટોગ્રાફી વગેરેના ઘણા પુસ્તકો વાંચ્યા છે. તાહિરે વિચાર કરવા માટે સમય લીધો અને પછી જવાબ આપવાનું કહ્યું. બીજા દિવસે તાહિરે કહ્યું કે આ વાર્તા નિર્દેશક નાસિર હુસૈનને સંભળાવીએ. નાસિરે વાર્તા સાંભળીને પૂછ્યું કે તું આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકે છે કે હું નિર્દેશન કરી શકીશ.

મેહુલકુમારે કહ્યું કે તમે કલાકારોને સાઇન કરો છો ત્યારે પરીક્ષા લો છો એમ મારા નિર્દેશનની પરીક્ષા લઈ લો. જો તમને યોગ્ય લાગે તો મને તક આપજો. નાસિરે તાહિરને મેહુલકુમારનો ટેસ્ટ લેવાનું સોંપ્યું. તાહિરે મેહુલકુમારને નવા કલાકારો આપ્યા અને થોડા દ્રશ્યોનું શુટિંગ કરવા કહ્યું. એમણે કલાકારો સાથે કેમેરામેન પણ નવો આપ્યો અને કહ્યું કે સફળ રહેશો તો કેમેરામેન આ જ રહેશે. મેહુલકુમારે ઈમોશનલ, હળવા, ડ્રામેટિક વગેરે બધા પ્રકારના દ્રશ્યોનું શુટિંગ કર્યું અને એ નાસિરને બતાવ્યું. એમને કામ ગમ્યું અને એક નહીં બે ફિલ્મ આપી. એમણે ગુજરાતી સાથે હિન્દીમાં ફિલ્મનું નિર્દેશન કરવાનું કામ સોંપ્યું.
મેહુલકુમારે ‘જનમ જનમના સાથી’ અને ‘ફિર જનમ લેંગે’ (૧૯૭૭) નું નિર્દેશન કર્યું. મેહુલકુમારે એક મુલાકાતમાં કહ્યું છે કે આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ હતી જેમાં હીરોએ પેન્ટ-શર્ટ પહેર્યા હતા. ક્યારેય સહાયક નિર્દેશક રહ્યા ન હોવા છતાં ફિલ્મ લેખન અને વાંચનથી એમણે સફળતા મેળવી હતી. એ પછી દાદા કોંડકેની ફિલ્મ ‘ચંદુ જમાદાર’ મળી. જે એમની મરાઠી ફિલ્મ ‘પાંડુ હવાલદાર’ (૧૯૭૫) ની રિમેક હતી.

આ એવો સમય હતો જ્યારે ગુજરાતીમાં સંપૂર્ણ કોમેડી ફિલ્મ વિશે કોઈએ વિચાર કર્યો ન હતો. પરંતુ મેહુલકુમારે દાદાને સમજાવ્યું કે ગુજરાતી દર્શકો અલગ છે. તે દ્વિઅર્થી સંવાદ પચાવી શકશે નહીં. એટલે મૂળ કથાનક એ રહેશે પણ સ્ક્રિપ્ટ અને સંવાદમાં ફેરફાર કરવો પડશે. દાદાએ મેહુલકુમારને એ માટે બધી જ છૂટ આપી દીધી. એ પછી અરૂણા ઈરાની સાથે ડબલ રોલમાં ‘કંચન અને ગંગા’ (૧૯૭૮) બનાવી એ પણ સફળ રહી અને ગુજરાતી ફિલ્મોના નિર્દેશક તરીકે મેહુલકુમારને એક પછી એક ફિલ્મો મળતી રહી.




