મનમોહન દેસાઇના ‘નસીબ’ ની સફળતા

નિર્દેશક મનમોહન દેસાઇએ ‘નસીબ’ (૧૯૮૧) માં સૌથી વધુ રૂપિયા લગાવ્યા હતા. એમનો એ ખર્ચ આખરે લેખે લાગ્યો હતો અને ફિલ્મ સફળ થઇ હતી. સૌથી વધુ સ્ટાર સાથે આ ખર્ચાળ ફિલ્મ શરૂ કરતાં પહેલાં અને બનાવતી વખતે તેમણે અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો. મનમોહને પહેલાં ફિલ્મની ત્રણ રીલ તૈયાર કરી હતી અને વિતરકોને બતાવીને તેના પર કેટલો ખર્ચ થવાનો છે એનો અંદાજ આપ્યો હતો. વિતરકોને એ ખર્ચ યોગ્ય લાગતા તેમણે આગળ વધવા સંમતિ આપી હતી. તેઓ ‘અમર અકબર એન્થોની’ (૧૯૭૭) ની સફળતા પછી ફરી મુખ્ય ભૂમિકાઓમાં અમિતાભ, રિશી અને વિનોદ ખન્નાને જ લેવા માગતા હતા.

વિનોદ ખન્નાએ એ સમય પર અભિનયમાં વિરામ લીધો હોવાથી શત્રુધ્ન સિંહાને લેવા પડ્યા હતા. ફિલ્મમાં શત્રુધ્નની બાળપણની ભૂમિકા પાછળથી નિર્દેશક બનેલા અનીસ બઝમીએ નિભાવી હતી. અમિતાભની શત્રુધ્ન સાથેની આ છેલ્લી ફિલ્મ હતી. શત્રુધ્નની સેટ પર મોડા આવવાની આદતને કારણે અમિતાભે પછી ક્યારેય સાથે કામ કર્યું ન હતું. જોકે, ‘નસીબ’ પછીના વર્ષોમાં ૧૯૭૧ થી બનતી બંનેની ‘યાર મેરી જિંદગી’ કેટલાક થિયેટરોમાં જ રજૂ થઇ હતી. પરંતુ જૂની ગણાતી હોવાથી ક્યાંય ચાલી ન હતી. ‘નસીબ’ ના ‘રંગ જમા કે જાએંગે’ ગીતમાં શત્રુધ્ન બીજા કલાકારો સાથે બરાબર કદમ મિલાવી શકતા ન હોવાથી મનમોહનને સંતોષ ન થતાં તેમના હમશકલ પાસે ડાન્સ કરાવ્યો હતો. નીતૂ સિંહને પણ બદલવી પડી હતી.

નીતૂએ થોડા દ્રશ્યોનું શુટિંગ કર્યા પછી રિશી કપૂર સાથે લગ્ન કરી લેતાં ફિલ્મ છોડી દીધી હતી. તેના સ્થાને કિમ યશપાલને લીધી હતી. ફિલ્મને સારી સફળતા મળી હતી છતાં ‘ફિલ્મફેર’ માં એકમાત્ર હેમામાલિનીનું શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન થયું હતું. ‘નસીબ’ ની તમિલમાં ‘સન્ધિપ્પુ’ (૧૯૮૩) નામથી રીમેક બનાવવામાં આવી હતી. જેમાં શિવાજી ગણેશન, શ્રીદેવી, પ્રભુ વગેરેએ કામ કર્યું હતું. જ્યારે ટી. મુરલી મોહન રાવના નિર્દેશનમાં તેલુગુ રીમેક ‘ત્રિમુર્તુલુ’ (૧૯૮૭) માં વેંકટેશ, રાજેન્દ્રપ્રસાદ, અર્જુન, ખૂશ્બુ વગેરે હતા. ‘નસીબ’ ના આનંદ બક્ષીએ લખેલા અને લક્ષ્મીકાંત-પ્યારેલાલે સંગીતબધ્ધ કરેલા બધા જ ગીતો લોકપ્રિય રહ્યા હતા. ‘જોન જાની જનાર્દન’ ગીતમાં તે સમયની આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ભેગી કરવામાં આવી હોવાથી બહુ ચર્ચિત રહ્યું હતું.

આ ગીત માટે રાજ કપૂરે બધા સ્ટાર્સને ભેગા કરવાની જવાબદારી નિભાવી હતી. ફિલ્મનું આ ગીત બહુ લોકપ્રિય રહ્યું હોવાથી મનમોહન દેસાઇએ ‘જોન જાની જનાર્દન’ નામથી જ અમિતાભ, કમલ હસન અને મિથુન સાથે ફિલ્મ શરૂ કરવાની જાહેરાત હતી. એ ફિલ્મ બની શકી નહીં પણ પાછળથી ટી.રામારાવે રજનીકાંતને ત્રણ ભૂમિકામાં લઇ હિન્દીમાં ‘જોન જાની જનાર્દન’ (૧૯૮૪) બનાવી હતી. જે રજનીકાંતની જ ત્રણ ભૂમિકાવાળી તમિલ ફિલ્મ ‘મુન્દરુ મુગમ’ ની રીમેક હતી.