‘લવ સ્ટોરી’ વાળી વિજેતાની સ્ટોરી  

વિજેતા પંડિતે કુમાર ગૌરવ સાથેની ‘લવ સ્ટોરી’ (૧૯૮૧) થી હીરોઇન તરીકે સફળ શરૂઆત કરી હોવા છતાં અભિનયમાં આગળ વધી ના શકી અને ગાયનની કળા હોવા છતાં ગાયિકા તરીકે તક મેળવી ના શકી. તેની અભિનેત્રી અને ગાયિકા તરીકેની કારકિર્દીની સ્ટોરી નિરાશાજનક રહી. બહેન સુલક્ષણા પંડિત અભિનેત્રી હોવાથી તેની સાથે શુટિંગ પર અને ફિલ્મોના પ્રિમિયરમાં વિજેતા જતી હતી. સુલક્ષણાની વિનોદ ખન્ના સાથેની ફિલ્મ ‘ગરમ ખૂન’ (૧૯૮૧) નો ટ્રાયલ શો જોવા ગયેલી વિજેતા પર અભિનેતા રાજેન્દ્રકુમારની નજર પડી. તેમણે વિજેતા વિશે તપાસ કરી અને સુલક્ષણાને કહ્યું કે તેને પોતાની નિર્માતા તરીકેની નવી ફિલ્મ માટે હીરોઇન તરીકે સાઇન કરવા માગે છે. ત્યારે સુલક્ષણાએ કહ્યું કે વિજેતા હજુ આઠમા ધોરણમાં ભણે છે અને પરિવારમાં પૂછવું પડશે.

 

સુલક્ષણાએ જ્યારે ઘરમાં વાત કરી ત્યારે માતા-પિતાએ પહેલાં અભ્યાસ પૂરો કરવાનું કહ્યું. સુલક્ષણાએ અભિનય સાથે અભ્યાસ ચાલુ રાખવાનું વચન આપી એમને મનાવી લીધા. રાજેન્દ્રકુમારે જ્યારે ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ આપવા વિજેતાને કહ્યું ત્યારે તેણે ના પાડી દીધી. રાજેન્દ્રકુમારનું કહેવું હતું કે તે પડદા ઉપર કેવી દેખાશે અને કેમેરા સામે કેવો અભિનય કરશે એ જોવા માટે આ જરૂરી હતું. વિજેતાએ વિનંતી માની નહીં ત્યારે રાજેન્દ્રકુમારે રાજ કપૂરને વાત કરી. તેમણે સલાહ આપી કે ફિલ્મની તૈયારી કરવા સાથે વિજેતા અને કુમાર ગૌરવને રોશન તનેજાને ત્યાં અભિનયના ત્રણ માસના ક્લાસમાં મૂકી દો. વિજેતા એ માટે તૈયાર થઇ ગઇ. બંનેએ અભિનય શીખી લીધા પછી શુટિંગ શરૂ કરવામાં આવ્યું.

‘તેરી યાદ આ રહી હૈ’ જેવા સુપરહિટ ગીતો સાથેની ‘લવ સ્ટોરી’ રજૂ થતાંની સાથે જ વિજેતા પંડિત અને કુમાર ગૌરવ રાતોરાત સ્ટાર બની ગયા. વિજેતાને કુમાર સાથે જ અનેક ફિલ્મોની ઓફર મળી પરંતુ એકપણ સ્વીકારી નહીં. એમ કહેવાય છે કે તે કુમારના પ્રેમમાં હતી. તેની સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ રાજેન્દ્રકુમાર સંમત ન હતા. વિજેતા ‘લવ સ્ટોરી’ પછી બીજી ફિલ્મો સાઇન ન કરવાનું કારણ અંગત ગણાવતી રહી છે. પરંતુ એ વાત સ્વીકારે છે કે ત્યારે જીવનની એ બહુ મોટી ભૂલ કરી હતી. ‘લવ સ્ટોરી’ પછી ફિલ્મો કરવાનું ચાલુ રાખ્યું હોત તો નામ અને દામ બંને મળ્યા હોત. તેનું એ અંગેનું દર્દ અનેક ઇન્ટરવ્યુમાં છલકાયું છે.

ચાર વર્ષ પછી તે અનિલ કપૂરની ફિલ્મ ‘મોહબ્બત’ (૧૯૮૫) થી અભિનયમાં પાછી ફરી પરંતુ સફળતા ના મળી. વિજેતાએ દેવ આનંદના પુત્ર સુનીલ આનંદ સાથે નિર્દેશક સમીર માલકનની ફિલ્મ ‘કાર થીફ'(૧૯૮૬) માં કામ કર્યું અને સમીર સાથે લગ્ન પણ કરી લીધા. સમીર સાથેનું લગ્નજીવન લાંબુ ના ચાલ્યું. બંને છૂટા પડી ગયા. એ પછી સંગીતકાર ભાઇઓ જતિન-લલિતને ત્યાં આવતા આદેશ શ્રીવાસ્તવ સાથે પરિચય થતાં તેની સાથે લગ્ન કરી લીધા. વિજેતાના પરિવારમાં સંગીતનું વાતાવરણ હતું અને તે પણ ગાયિકા બનવાનું સપનું જોતી હતી. પરંતુ ભાઇઓએ કે પતિએ પણ તેને તક ના આપી. તેમનું માનવું હતું કે નિર્માતાઓને તેના નામની ભલામણ લાગવગ ગણાશે. તેમણે વિજેતાને બે-ચાર ગીતો ગાવા આપ્યા તે મહત્વના ન હતા.

જતિન લલિતે ‘અરે યારોં મેરે પ્યારોં’ (જો જીતા વો હી સિકંદર) અને ‘ક્યૂં ના હમ’ (કભી હાં કભી ના) વિજેતાને આપ્યા હતા. જતિન-લલિત સંગીતકાર બનવા સંઘર્ષ કરતા હતા ત્યારે વિજેતાએ જ તેમના ઘણા ગીતોનું ડબિંગ કરી આપ્યું હતું અને મદદ કરી હતી. જેને પાછળથી બીજી જાણીતી ગાયિકાના સ્વરમાં ખાસ કરીને અલકા યાજ્ઞિકના સ્વરમાં રેકોર્ડ કરવામાં આવતા હતા. ‘જો જીતા વો હી સિકંદર’ નું હિટ ગીત ‘પહલા નશા’ પહેલાં વિજેતાએ જ ગાયું હતું. જેને પછીથી સાધના સરગમના સ્વરમાં રેકોર્ડ કરાયું હતું. નિર્દેશિકા કલ્પના લાઝમીને મિથુન ચક્રવર્તી-સુષ્મિતા સેન સાથેની ફિલ્મ ‘ચિંગારી’ ના ‘કિતની સરદી કિતની ગરમી’ ગીતમાં ડબ કરેલો વિજેતાનો અવાજ સાંભળી રાખવા માટે આગ્રહ કર્યો હતો. વિજેતા પંડિત પ્રતિભા ધરાવતી હોવા છતાં કોઇને કોઇ કારણથી અભિનેત્રી કે ગાયિકા તરીકે કારકિર્દી બનાવી શકી નહીં.

રાકેશ ઠક્કર (વાપી)