૬૩૫ હિન્દી ફિલ્મોમાં સંગીત આપીને દર્શકોને ડોલાવનાર સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલના લક્ષ્મીકાંત શાંતારામ કુડાલકરનો જન્મ ૩ નવેમ્બર, ૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો હતો. તમામ મહાન ફિલ્મકારો સાથે તેમણે સફળ સંગીત નિયોજન કર્યું છે.
આ મહાન સંગીતકારનું બાળપણ વિલેપાર્લે-પૂર્વની ઝુંપડપટ્ટીમાં વીત્યું. બાળપણમાં જ પિતાજીનું નિધન થયું અને ગરીબીને કારણે એ પ્રાથમિક શિક્ષણ પણ મેળવી ન શક્યા. વડીલોએ સંગીત શીખવાની સલાહ આપી હતી એ જ આગળ જતાં કામ લાગી.
માત્ર ૧૦ વર્ષની ઉંમરે લક્ષ્મીકાંતજીએ લતાજીના રેડીઓ ક્લબના એક કાર્યક્રમમાં મેન્ડોલીન વગાડ્યું હતું. લતાજીએ તેમને શાબાશી આપી અને પરિવારની ‘સૂરીલ કલા કેન્દ્ર’માં દાખલ કરાવ્યા. અહીં જ એમનો ભેટો પ્યારેલાલ સાથે થયો. લતાજીએ આ બંને કલાકારો માટે સિફારીશ કરી હતી. કલ્યાણજી-આણંદજીના સહાયક સંગીતકાર રૂપે એ દસ વર્ષ સુધી કાર્યરત રહ્યાં. સચિન દેવ અને રાહુલ દેવની ફિલ્મોમાં મ્યુઝિક એરેન્જર પણ બન્યાં. લક્ષ્મીકાંતજી પર શંકર જયકિશનની ખૂબ અસર હતી.
એમની પહેલી જ ફિલ્મ ‘પારસમણી’ હીટ ગઇ. એ પણ નોંધવું જોઇએ કે આ સંગીતકાર બેલડીએ હંમેશા ‘એ’ ગ્રેડના ગાયકો સાથે જ કામ કર્યું. એમના સંગીતમાં ભારતીય અને પાશ્ચાત્ય સંગીતનો સુમેળ રહેતો, તો એમના લોકગીતો અને ઉપશાસ્ત્રીય ગીતો પણ ખૂબ લોકપ્રિય રહ્યાં.
આ મહાન સંગીતકાર બેલડીની કેટકેટલી ફિલ્મો યાદ કરીએ? યાદી લખવા બેસીએ તો લાંબી બને, પણ દોસ્તી, જીને કી રાહ, મિલન, દો રાસ્તે, બોબી, રોટી કપડા ઔર મકાન, અમર અકબર એન્થની, એક દુજે કે લીયે, સત્યમ શિવમ સુન્દરમ, સરગમ, કર્ઝ, નામ, નગીના, તેઝાબ, રામ લખન, સૌદાગર, ખલનાયક… આ એમની કેટલીક બ્લોક બસ્ટર સફળતા હતી.
(નરેશ કાપડીઆ-સુરત)