અસરાની પહેલી ફિલ્મમાં ‘મહેમાન’ બન્યા

અસરાનીને પહેલી વખત મુંબઈમાં એક વર્ષના પ્રયત્ન પછી અભિનયની તક ના મળતા પાછા ઘરે આવી ગયા હતા. અસરાનીને પહેલાં એવી ગેરસમજ હતી કે તે અભિનેતા બની શકે છે. એ સ્કૂલમાં ભણતા હતા ત્યારે સ્ટેજ પર અભિનય સાથે રેડિયો પર બાળકોના કાર્યક્રમો કરતા હતા. મેટ્રિકનો અભ્યાસ પૂરો કર્યા પછી બધાંના પ્રોત્સાહનને કારણે ફિલ્મોમાં નસીબ અજમાવવા મુંબઈ જવાનો નિર્ણય કરી લીધો. મિત્રોનું કહેવું હતું કે અશોકકુમાર, બલરાજ સહાની વગેરેએ કોઈ તાલીમ લીધી ન હતી.

અસરાની પણ એમની જેમ અભિનેતા બની શકે છે. અસરાની માટે સારી વાત એ હતી કે સંગીતકાર નૌશાદ એમના ફળિયામાં રહેતા એક વડીલના સગા હોવાથી એમણે કામ આપવા ચિઠ્ઠી લખી આપી. ઉર્દૂમાં લખી આપેલી એ ચિઠ્ઠીમાં અસરાનીએ સ્ટેજ પર અને રેડિયો કાર્યક્રમોમાં કામ કર્યું છે, અવાજ સારો છે, સારું ગાઈ શકે છે વગેરે વગેરે લખ્યું હતું. જયપુરના નાના શહેરમાંથી અસરાની મુંબઈ મામાના ઘરે આવ્યા અને નૌશાદની શોધમાં લાગી ગયા. અસરાનીને એમ હતું કે નૌશાદ મળશે એટલે બે-ચાર ફિલ્મોમાં કામ મળી જશે. ઘરે પત્ર પણ લખી દીધો હતો કે બે-ચાર મહિનામાં એને ફિલ્મોમાં જોઈ શકશો. એક મહિનો શોધખોળ કર્યા પછી બાન્દ્રામાં નૌશાદના ‘આશિયાના’ બંગલાનો પત્તો મળ્યો. ત્યાં ચોકીદારે આવવાનું કારણ પૂછ્યું ત્યારે અભિનય માટે ભલામણ ચિઠ્ઠી લઈને આવ્યો હોવાનું જણાવ્યું. ચોકીદારે માહિતી આપી કે એ તો સંગીતકાર છે. તું અભિનેતા બનવાની ગેરસમજ દૂર કરી દે. નૌશાદ સાહેબ બહુ વ્યસ્ત છે. એમને મળવાનો સમય જલદી મળશે નહીં. ચોકીદારે ચિઠ્ઠી મૂકીને એક મહિના પછી આવવા જણાવ્યું.

અસરાનીએ લગભગ એક વર્ષ સુધી પ્રયત્ન કર્યો ત્યારે નૌશાદના એક ભાણીયા હતા એમને દયા આવી ગઈ અને જૉની વૉકરની ફિલ્મ ‘ખોટા પૈસા’ (૧૯૫૮) માં મહેમાન ભૂમિકા નહીં પણ એક ‘મહેમાન’ વ્યક્તિની ભૂમિકા આપી. જેમાં અસરાનીએ ઘણા બધાં મહેમાનો સાથે પાર્ટીમાં માત્ર લાઇનમાં ઊભા રહેવાનું હતું. એ માટે પહેલાં અસરાનીને પૂછવામાં આવ્યું કે એની પાસે પહેરવાનો સૂટ છે? અસરાનીએ કહ્યું કે ખમીસ જ નથી. જોકે, પછી મામાનો સૂટ મેળવીને એ શૂટિંગમાં પહોંચી ગયા. એક દ્રશ્ય માટે અસરાની આઠ દિવસ સુધી સૂટ પહેરીને મહેમાન તરીકે લાઇનમાં ઊભા રહ્યા. એ પછી ગેરસમજ દૂર થઈ કે અભિનેતા બનવાનું સરળ નથી. હવે ઘરે પાછા જતાં રહેવું જોઈએ. અને અસરાની એક વર્ષમાં માત્ર એક ફિલ્મ ‘ખોટા પૈસા’ માં નાનકડી ભૂમિકા કરીને ખોટા સિક્કાની જેમ જયપુર ઘરે પાછા આવી ગયા હતા. પરિવારે એમને ઘરની કપડાની દુકાન પર બેસી જવા કહ્યું હતું. અસરાનીએ આગળ ભણવાનું નક્કી કર્યું અને કોલેજમાં પ્રવેશ મેળવી લીધો. (અસરાની ફરીથી ફિલ્મોમાં કેવી રીતે આવ્યા એની વાત આવતા અંકમાં)