નિર્દેશક રામગોપાલ વર્માની ફિલ્મ ‘સત્યા’ (૧૯૮૮) ના ગુલઝારે લખેલા ‘કલ્લુ મામા’ ગીતની બહુ ચર્ચા રહી હતી. વર્મા પહેલાં સંગીતકાર વિશાલ ભારદ્વાજે લખેલું ગીત લેવા માંગતા હતા પણ છેલ્લે ગુલઝારનું જ લેવામાં આવ્યું હતું. વિશાલે એક મુલાકાતમાં આ ગીતના રસપ્રદ કિસ્સા સાથે જણાવ્યું હતું કે ‘સત્યા’ માં બહુ હિંસા હોવાથી વર્માએ સોફ્ટ મ્યુઝીક તૈયાર કરવા કહ્યું હતું. જ્યારે ‘ગોલી માર ભેજે મેં’ ગીતનું સંગીત તૈયાર કર્યું ત્યારે વિશાલે એના માટે ડમી શબ્દો લખ્યા હતા. દરેક ગીત વખતે ગીતકારને મીટર બતાવવા આમ કરવામાં આવતું હોય છે. વિશાલ કવિતામાં રસ ધરાવતા હોવાથી ફાલતૂ ડમી શબ્દોનો ઉપયોગ કરતા નથી. એમનું માનવું છે કે ડમી ગીતમાં પણ કોઈ અર્થ નીકળવો જોઈએ. એટલે ડમી મુખડું ‘જબ તલક રહેંગે ગમ, તબ તલક પીએંગે હમ, તો ગમ કે નીચે બમ લગાકે ગમ ઉડા દે માર ગોલી, દર્દ કે દમ ઉડા દે, મામા, કલ્લુ મામા’ લખ્યું.
ફિલ્મમાં સૌરભ શુક્લાનું નામ ‘કલ્લુ મામા’ હતું. ગીતકાર ગુલઝારને જ્યારે ડમી ગીત સાથેની ધૂન સંભળાવવામાં આવી ત્યારે એમણે કહ્યું કે ધૂન સરસ છે પણ આ ગીત બકવાસ છે. તેથી વિશાલને થયું કે તેઓ અનુભવી હોવાથી સાચું જ કહી રહ્યા છે. તેથી કહ્યું કે મેં તો ડમી ગીત જ લખ્યું છે તમે તમારું ગીત લખી આપો. ગુલઝારે ગીત લખીને આપ્યું પણ રામગોપાલ વર્મા અને લેખક અનુરાગ કશ્યપને પસંદ ના આવ્યું. બીજી વખત લખ્યું ત્યારે એમણે કહ્યું કે ગીતમાં મજા આવી રહી નથી. ગુલઝારે ત્રીજી વખત ગીત લખ્યું એ પણ બધાને ના ગમ્યું. હવે પ્રશ્ન એ થયો કે એમને આ વાત કહેશે કોણ? વર્માએ અનુરાગને કહ્યું કે તારે જ એમને કહેવું પડશે.
ગુલઝારે ત્રીજું ગીત લખ્યું એ પછી એક બેઠક યોજાઇ. એમાં વર્માએ તો કહ્યું કે સારું છે પણ અનુરાગે કહ્યું કે આ ગીત કરતાં વિશાલનું ‘ગમ કે નીચે બમ લગાકે ગમ ઉડા દે’ મુખડું વધારે સારું છે. ત્યારે ગુલઝારે અનુરાગને કહ્યું કે પહેલાં ‘ગમ’ શબ્દ બોલતા તો શીખી લે. ‘ઘમ’ નહીં ‘ગમ’ બોલવાનું હોય છે. બધાની સ્થિતિ કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ. એ બેઠક પછી વર્માએ એ ગીત સ્વીકાર્યું નહીં અને વિશાલને કહ્યું કે હું તારા શબ્દો સાથે ગીતનું રેકોર્ડિંગ કરવા માંગું છું. ગુલઝારનું ગીત હું ફિલ્માવવા માગતો નથી. વિશાલે કહ્યું કે નિર્દેશક તરીકે તારો હક છે કે પસંદ આવે એ રાખી શકે છે. પણ આ વાતની જાણ ગુલઝારને કરવી પડશે.
વર્માએ કહ્યું કે મને ઈચ્છા થશે ત્યારે એમને જણાવીશ તું ગીતનું રેકોર્ડિંગ કરી લે. વિશાલે કહ્યું કે તમારે એમને જણાવવું જ પડશે. એ સિવાય હું રેકોર્ડ નહીં જ કરું અને એ ના પાડશે નહીં. વર્માએ ફરી ચોખ્ખી ના પાડી દીધી એટલે વિશાલે કહી દીધું કે હું રેકોર્ડિંગ કરીશ નહીં. વર્માએ કહ્યું કે હું ગુલઝારના ગીતનું શુટિંગ કરીશ નહીં અને હવે પછી આપણે આગળ કામ કરીશું નહીં. વિશાલે ગુલઝારના જ ‘ગોલી માર ભેજે મેં’ શબ્દો સાથે ગીતનું રેકોર્ડિંગ કરી લીધું હતું. એક દિવસ ફિલ્મનું શુટિંગ વહેલું પૂરું થઈ ગયું ત્યારે મનોજ વાજપેઈએ વર્માને કહ્યું કે આપણી પાસે આજે સમય છે તો પેલા ગીતનું શુટિંગ કરી લઈએ. જો પસંદ ના આવે તો રાખવાનું નહીં. ગીતનું શુટિંગ થયા પછી વર્માને થયું કે ઠીક લાગી રહ્યું છે એટલે ફિલ્મમાં રાખી લઈશું. ‘સત્યા’ માં ‘ગોલી માર ભેજે મેં’ (કલ્લુ મામા) ગીતને બહુ પસંદ કરવામાં આવ્યું પણ રામગોપાલ વર્મા હંમેશા એમ જ કહેતા રહ્યા છે કે એ ગીત એમને પસંદ નથી.