ફિલ્મ ‘શાન’ (1980) ના કલાકારોની યાદી જોતા આજે પણ એમ લાગે કે ‘શોલે’ ના નિર્દેશક રમેશ સિપ્પી પાસે જાદુઈ
છડી છે. પણ તેની પડદા પાછળની વાર્તા બહુ નાટકીય છે. એમાં ઘણા કલાકારોની અદલ બદલ થઈ હતી. ‘શોલે’ ની પ્રચંડ સફળતા પછી રમેશ સિપ્પી ફરીથી અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની જોડી સાથે જ ‘શાન’ બનાવવા માંગતા હતા. શરૂઆતમાં ધર્મેન્દ્ર આ ફિલ્મનો હિસ્સો હતા પણ તેમને જે ભૂમિકા મળી હતી તેનાથી સંપૂર્ણ સંતુષ્ટ નહોતા.
ફિલ્મ પ્લાન થઈ રહી હતી ત્યારે ‘શોલે’ જેવી જ જોરદાર પટકથાની અપેક્ષા હતી. જેમ જેમ ‘શાન’ નું લખાણ આધુનિક થતું ગયું તેમ તેમ ધર્મેન્દ્રને લાગ્યું કે અમિતાભ બચ્ચનના પાત્રને વધુ મહત્વ મળી રહ્યું છે અથવા તો તેમની પોતાની ભૂમિકા માત્ર મજાક-મસ્તી અને એક્શન પૂરતી સીમિત રહી જશે. ધર્મેન્દ્ર હંમેશા એવા પાત્રો પસંદ કરતા હતા જેમાં થોડો ઈમોશનલ પંચ હોય. આ સિવાય બીજું મોટું કારણ એ પણ હતું કે ધર્મેન્દ્ર તે સમયે પોતાની કારકિર્દીના એવા તબક્કે હતા જ્યાં સોલો ફિલ્મો જેમ કે ‘ધરમ વીર’ કે ‘ચરસ’ ના સુપરસ્ટાર હતા.

મલ્ટીસ્ટારર ફિલ્મમાં અમિતાભ સાથે ફરીથી જોડી જમાવવામાં તેમને કોઈ વાંધો નહોતો પણ પટકથામાં સમાન વજન ન દેખાતા અને ઉપરથી હેમામાલિની સાથેના લગ્ન અને તારીખોની સમસ્યા જેવી અંગત જીવનની દોડધામને કારણે આ ફિલ્મમાંથી ખસી જવાનું વધુ યોગ્ય માન્યું હતું. તે નીકળી ગયા બાદ જ શશી કપૂરનો પ્રવેશ થયો હતો અને અમિતાભ-શશીની જોડી ‘રવિ-વિજય’ તરીકે બહુ જાણીતી થઈ હતી. ફિલ્મમાંથી કલાકારો નીકળવાનો સિલસિલો અહીં જ અટક્યો નહોતો.
શરૂઆતમાં હેમામાલિની આ ફિલ્મમાં હતી પણ ધર્મેન્દ્ર નીકળી ગયા હોવાથી અંગત કારણોસર તેણે પણ પીછેહઠ કરી હતી. ‘શાકાલ’ના પાત્ર માટે રમેશ સિપ્પીની પહેલી પસંદ સંજીવ કુમાર હતા. તે ઈચ્છતા હતા કે ‘શોલે’ ના ઠાકુર આ વખતે એક એવા વિલન બને જે શારીરિક શક્તિથી નહીં પણ પોતાના તેજ મગજ અને હાઈટેક ગેજેટ્સથી હીરોને હંફાવી દે. સંજીવકુમારને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે સંજીવકુમારને લાગ્યું કે આ રોલમાં અભિનય કરતાં ‘ગેટઅપ’ અને ટેકનિકલ બાબતો પર વધુ ભાર છે અને તેઓ તે સમયે કોઈ લાક્ષણિક ‘વિલન’ તરીકે સ્થાપિત થવા માંગતા નહોતા. ત્યારબાદ આ રોલ કુલભૂષણ ખરબંદા પાસે ગયો અને તેમણે પોતાનું માથું મુંડાવીને જે રીતે આ પાત્ર ભજવ્યું કે તે ઈતિહાસ બની ગયું.

‘શાન’ ને આધુનિક જેમ્સ બોન્ડ સ્ટાઈલની બનાવવાનું નક્કી કર્યું ત્યારે રમેશ સિપ્પીને એવી અભિનેત્રીની જરૂર હતી જે પશ્ચિમી કપડાંમાં વધુ ગ્લેમરસ અને બોલ્ડ દેખાય. તે સમયે પરવીન બાબી અને ઝીનત અમાન આ ઈમેજમાં સૌથી ફિટ બેસતા હતા. અંતે પરવીન બાબીને લેવામાં આવ્યા. કારણ કે તેમની પર્સનાલિટી ‘શાન’ ના ગ્લોસી અને સ્ટાઇલિશ વાતાવરણ સાથે બરાબર મેળ ખાતી હતી.


