ગુજરાતી અભિનેતા દેવેન ભોજાણી આમિર ખાનના અભિનય પ્રવેશ માટે નિમિત્ત બન્યો હતો. અને દેવેન ભોજાણીએ આમિર ખાન સાથેની ફિલ્મ પછી અભિનયને કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો. દેવેન અનાયાસ જ અભિનયમાં આવ્યો હતો. એ કોલેજમાં ભણતો હતો ત્યારે એનો મિત્ર હાર્દિક નાટક માટે મહેન્દ્ર જોશી પાસે ધક્કો મારીને મૂકી આવ્યો હતો. મહેન્દ્ર જોશી એની સાથે શરૂઆતમાં ખરાબ રીતે રજૂ થયા હતા. પણ દેવેને કરેલા અભિનયથી પ્રભાવિત થઈને એને નાટકમાં જોડાવા કહ્યું હતું. ધીમે ધીમે દેવેન કોલેજમાં નાટકો કરતાં કરતાં બહારના વ્યાવસાયિક નાટકોમાં ભાગ લેવા લાગ્યો હતો. તે ભણવાની સાથે સીએને ત્યાં નોકરી કરતો હતો. તેથી શનિ-રવિમાં જ નાટકોમાં કામ કરતો હતો. ત્યારે દેવેન મહેન્દ્ર જોશીના ‘કેસર ભીના’ નાટકમાં અભિનય કરતો હતો.
અચાનક એક દિવસ એને કહેવામાં આવ્યું કે નાટકને ટૂર પર લઈ જવાનું છે. ગુજરાતનાં મોટા શહેરોમાં નાટક ભજવવા જવાનું છે. દેવેનને નોકરીમાં ચાર-પાંચ દિવસ રજા મૂકવી પડે એમ હતી. દેવેને કહ્યું કે એને નોકરીમાંથી રજા મળી શકે એમ નથી. દેવેને શૉ કેન્સલ કરવાનું સૂચન કર્યું. એને કહેવામાં આવ્યું કે શૉ રદ કરી શકાય નથી. તારી જગ્યાએ બીજા કોઈને લેવો પડશે. હવે દેવેન જે નાટકમાં કામ કરતો હતો એ થિયેટર ગૃપના બેકસ્ટેજમાં આમિર ખાન કામ કરતો હતો. એ ઘણા વખતથી સ્ટેજ પર કામ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. પણ મહેન્દ્ર જોશીએ એને કોઈ ભૂમિકા આપી ન હતી.
દેવેને ના પાડી એટલે એમણે આમિરને એ ભૂમિકા આપી હતી. અને આમિરના જીવનની એ પહેલી ભૂમિકા હતી. અભિનય જગતમાં આમિરને દેવેન ભોજાણીએ ના પાડ્યા પછી તક મળી હતી. તેથી તે હંમેશા એવું માનતો અને કહેતો રહ્યો છે કે દેવેનને કારણે જ અભિનયમાં આવી શક્યો છે. આ વાત એણે જાહેરમાં જ નહીં દેવેનને અંગત મુલાકાતોમાં પણ અનેક વખત કહી છે. દેવેન ભોજાણીએ એક મુલાકાતમાં આમિરના એ કિસ્સા પણ કહ્યા હતા. એક વખત દેવેન ફિલ્મ નિર્માણ શીખવા અમેરિકા ગયો હતો. ત્યાં જુદા જુદા દેશની ફિલ્મો બતાવવામાં આવતી હતી અને એના વિશે નિર્માતા- નિર્દેશક તેમજ કલાકારો સાથે સવાલ-જવાબ થતા હતા. એમાં ફિલ્મ ‘પીપલી લાઈવ’ (2010) બતાવવામાં આવનાર હતી.
આમિર આવવાનો હોવાનું જાણવા મળતા દેવેન ખુશ થયો હતો. દેવેન એ થિયેટરમાં ગયો હતો. આમિરને આવવામાં મોડું થયું હતું. આમિરે સ્ટેજ પર આવ્યા પછી એ માટે માફી માગી પછી નીચે બેઠેલા લોકોમાં એની નજર દેવેન પર પડી. અને ‘અરે દેવેન! તું યહાં ક્યા કર રહા હૈ’ કહી સ્ટેજ પરથી કૂદકો મારી નીચે આવ્યો અને ભેટી પડ્યો. એની સાથે વાત કરી આમિર સ્ટેજ પર ગયો અને કહ્યું કે અત્યારે હું જે છું એ આ દેવેનને લીધે છું. એટલું જ નહીં નોકરીની સમસ્યાને કારણે દેવેનની જગ્યાએ એને નાટકમાં કેવી રીતે તક મળી હતી એ પણ વિગતવાર કહ્યું. આમિરે પુત્રી ઈરાના લગ્નમાં દેવેનને આમંત્રણ આપ્યું હતું. દેવેન શુભેચ્છા પાઠવવા ગયો ત્યારે એની પુત્રીને કહ્યું હતું કે હું આજે આ અભિનય ક્ષેત્રમાં છું એ આ છોકરાને લીધે છું. દેવેનનું કહેવું છે કે આમિર આ વાત કહી રહ્યો છે એ એની મોટાઈ છે. બાકી આ વાત એટલી મોટી નથી.
આમિરે ફિલ્મ ‘પીકે’ ની રજૂઆત વખતે એક પ્રચાર કાર્યક્રમમાં પણ આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તે કોલેજમાં આવ્યો ત્યારે મહેન્દ્ર જોશીના ગુજરાતી થિયેટર ગૃપમાં ચા લાવવાનું, ઇસ્ત્રી કરવાનું વગેરે કામ કરતો હતો. અને અભિનયની એક તક મળે એની રાહ જોતો હતો. દેવેને જે ગુજરાતી નાટક માટે ના પાડી એનો ચાર દિવસ પછી પહેલો શૉ હતો. મહેન્દ્રએ વિપુલ શાહને કહ્યું કે દેવેનના સંવાદ આમિરને શીખવી દે. આમિરે જીવનમાં ગુજરાતી આવડતું ન હોવા છતાં પહેલી વખત ગુજરાતી નાટકમાં કામ કર્યું હતું. આમિર જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે દેવેનને ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’ (1992) માં આમિરના મિત્રની ભૂમિકા મળી હતી. અને એ ફિલ્મથી એટલો લોકપ્રિય થઈ ગયો કે હીરોના દોસ્તની અનેક ભૂમિકાઓ મળવા લાગી. તેથી દેવેન ભોજાણીએ નોકરી તથા ભણવાનું છોડી અભિનયને કારકિર્દી બનાવવાનો નિર્ણય લઈ લીધો હતો.