હરિહર જેઠાલાલ જરીવાલા યાને સંજીવ કુમાર આ જગત છોડી ગયા એને ૩૫ વર્ષ થયા. ૬ નવેમ્બર, ૧૯૮૫ના રોજ મુંબઈમાં માત્ર ૪૭ વર્ષની વયે એમનું નિધન થયું હતું. ‘દસ્તક’, ‘કોશિશ’ ના નેશનલ એવોર્ડ્ઝ હોય કે ‘શોલે’ના ઠાકુર હોય, ચાહકો એમને હંમેશા એક મહાન અભિનેતા તરીકે યાદ રાખશે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ કલાકારે રોમેન્ટિકથી માંડી થ્રીલર એમ પ્રકારની ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એ બહુ જ સારી કોમેડી પણ કરી શકતા હતા. પાત્રોની વિવિધતા માટે સંજીવ કુમારને હંમેશા યાદ કરાશે.
૯ જુલાઈ ૧૯૩૮ના રોજ સુરતમાં લેઉઆ પાટીદાર પરિવારમાં એમનો જન્મ. મુંબઈ જઈ ઇપ્ટામાં હિન્દી નાટકો અને આઈએનટીમાં ગુજરાતી નાટકો ભજવીને હરિભાઈએ કરિયરની શરૂઆત કરી. ગુજરાતી ફિલ્મ ‘મારે જાવું પેલે પાર’, જે હિન્દીમાં ‘ખિલૌના’ રૂપે આવી, એમાં ભજવેલી ભૂમિકાથી એમને ખૂબ લોકપ્રિયતા મળી. દિગ્દર્શક ગુલઝારની ‘કોશિશ’, ‘આંધી’, ‘મૌસમ’, ‘અંગુર’ કે ‘નમકીન’માં સંજીવ કુમાર સોળે કળાએ ખીલ્યા. તેમણે ગુલઝાર સાથે નવ ફિલ્મ કરી હતી.
તો, ‘નયા દિન નઈ રાત’ માં સંજીવ કુમારે નવ ભૂમિકા અદા કરી, જે શિવાજી ગણેશને તમિલ ફિલ્મ ‘નવરાથ્રી’માં ભજવી હતી. મોટા ગજાના સ્ટાર્સ સામે એ હંમેશા પડકાર બનતા, પછી એ રાજેશ ખન્ના, શશી કપૂર, અમિતાભ બચ્ચન કે દિલીપ કુમાર ય કેમ ન હોય!
સંજીવ કુમાર આજીવન કુંવારા રહ્યા. એમના હૃદયમાં જન્મજાત ખામી હતી. ફક્ત ૪૭ વર્ષની ઉંમરે એમને હૃદય રોગનો ભારે હુમલો આવ્યો, જેમાંથી એ બચી ન શક્યા. વિધિની એ વક્રતા જ હતી કે ઘણી ફિલ્મોમાં વૃદ્ધની ભૂમિકા કરનારા આ મહાન અભિનેતા પોતે જીવનના ૫૦ વર્ષ પણ પાર કરી શક્યા નહોતા!
(નરેશ કાપડીઆ-સુરત)