સલીમ-જાવેદની જોડી અચાનક બની  

સલીમ ખાન અને જાવેદ અખ્તર ચોક્કસ ઇરાદા સાથે નક્કી કરીને જોડીમાં લખવાનું કામ કરવા લાગ્યા ન હતા. જાવેદ પહેલાં કમાલ અમરોહીને ત્યાં મહિને રૂ.૫૦ ના પગારથી કામ કરતા હતા. એક દિવસ અમરોહીએ કહ્યું કે તે પોતાની ચાલતી ફિલ્મ બંધ કરી રહ્યા હોવાથી પગાર આપી શકે એમ નથી. જાવેદ નવી નોકરીની શોધમાં હતા ત્યારે શાયર તાજ ભોપાલી સાથે મુલાકાત થઇ. એમણે એસ. એમ. સાગર સાથે જાવેદની મુલાકાત કરાવી. સાગરે જાવેદ વિશે જાણીને મહિને રૂ.૧૦૦ ના પગારથી પોતાની કંપનીમાં નોકરીએ રાખી લીધા. જાવેદ એમના સહાયક ઉપરાંત ફિલ્મના સંવાદ લખવાનું પણ કામ કરતા હતા. ત્યારે સલીમ ખાન સાથે પહેલી મુલાકાત થઇ.

જાણીતા અભિનેતા શેખ મુખ્તારની ભૂમિકાવાળી એ ફિલ્મ ‘સરહદી લૂંટેરા’ (૧૯૬૬) માં સલીમ રોમેન્ટિક હીરો તરીકે હતા. ફિલ્મ આવીને જતી રહી પણ સલીમ- જાવેદ વચ્ચે દોસ્તી થઇ ગઇ. બંને બેકાર હતા અને મળતા રહેતા હતા. મુંબઇના સમુદ્ર કિનારે સાથે બેસીને વાર્તાઓ બનાવ્યા કરતા હતા. ‘સરહદી લૂંટેરા’ પછી. એસ.એમ. સાગર બીજી ફિલ્મ બનાવવા જઇ રહ્યા હતા. એમને એક ટૂંકી વાર્તા મળી હતી. એમણે સલીમ- જાવેદને બોલાવીને કહ્યું કે મારે બે કલાકની ફિલ્મ બનાવવાની છે. આ વાર્તા પરથી લાંબો સ્ક્રીનપ્લે લખી આપો. જાવેદે મહેનતાણાની વાત કરી ત્યારે એમણે રૂ.૫૦૦૦ આપવાનું કહ્યું. દરેકને રૂ.૨૫૦૦ મળે એમ હતા. ત્યારે આટલી રકમ એકસાથે મળે એ લોટરી લાગ્યા જેવું હતું. સલીમ-જાવેદે સાથે બેસીને સ્ક્રીપ્ટ લખી આપી. સાગરનો સુધીર નામનો સહાયક હતો. એને સલીમ- જાવેદનું વાર્તા લખવાનું કામ ગમ્યું હતું. તેણે માહિતી આપી કે સિપ્પી ફિલ્મ્સમાં કેટલાક મિત્રો છે. એમના તરફથી એવું જાણવા મળ્યું છે કે તેઓ વાર્તા વિભાગ શરૂ કરવા માગે છે. તમને ત્યાં કામ મળી જશે.

પહેલાં તો બંનેએ જવાનું વિચાર્યું નહીં. થયું કે બહુ મોટી કંપની છે. એમના જેવા નાના લેખકોને કામ આપશે નહીં. ચાર દિવસ પછી જાવેદને થયું કે મળવામાં કોઇ નુકસાન નથી. જાવેદ સલીમ સાથે જ સિપ્પી ફિલ્મ્સમાં ગયા. એમની વાતો અને આત્મવિશ્વાસ જોઇ સિપ્પીએ કામ આપી દીધું. બંનેએ એમની ‘અંદાઝ’ (૧૯૭૧) લખી હતી. સિપ્પી ફિલ્મ્સમાં કામ કરતા હતા ત્યારે રાજેશ ખન્ના સાથે મુલાકાત થવા લાગી હતી. ‘દો રાસ્તે’ (૧૯૬૯) અને ‘આરાધના’ (૧૯૬૯) ની સફળતા પછી તે સુપરસ્ટાર બની ગયા હતા.

ખન્નાએ રાજેન્દ્રકુમારનો બંગલો રૂ.૪.૫ લાખમાં ખરીદી લીધો હતો. એ માટે દક્ષિણના એક નિર્માતાની ફિલ્મ રૂ.૨.૫ લાખમાં સાઇન કરી હતી. નિર્માતાએ જે સ્ક્રીપ્ટ આપી એ વાંચીને રાજેશ ખન્ના ચક્કર ખાઇ ગયા હતા. તે સલીમ- જાવેદનું લખવાનું કામ જાણતા હતા. એમની પાસે ગયા અને કહ્યું કે મેં બંગલો ખરીદી લીધો હોવાથી નિર્માતાને પૈસા પાછા આપી શકું એમ નથી. અને જો આવી ભંગાર સ્ક્રીપ્ટવાળી ફિલ્મ કરીશ તો કારકિર્દી ખતમ થઇ જશે. તમે આ ફિલ્મનો સ્ક્રીનપ્લે સુધારી આપો. સલીમ- જાવેદે દક્ષિણમાં જઇને રાજેશ માટે ફિલ્મ ‘હાથી મેરે સાથી’ (૧૯૭૧) ની સ્ક્રીપ્ટ તૈયાર કરી આપી. એ ફિલ્મ લખીને મુંબઇ પાછા આવ્યા ત્યારે ‘સીતા ઔર ગીતા’ (૧૯૭૨) નું આયોજન થતું હતું. બંને એના લેખનમાં લાગી ગયા. અને એમની જોડીએ ધૂમ મચાવી દીધી. જાવેદ અખ્તરે એક મુલાકાતમાં કહ્યું છે કે બંનેએ ક્યારેય નક્કી કરીને સાથે કામ શરૂ કર્યું ન હતું. સમય અને સંજોગ એવા સર્જાતા ગયા કે સાથે ફિલ્મો લખતા રહ્યા