‘હકીકત’ માટે દેવની ‘ગાઇડ’ છોડી

નિર્દેશક ચેતન આનંદે ફિલ્મ ‘હકીકત’ (૧૯૬૪) માટે દેવ આનંદની ‘ગાઇડ’ (૧૯૬૫) છોડી દીધી હતી. દેવ આનંદની ‘ગાઇડ’ નું નિર્દેશન સૌથી પહેલાં વિજય આનંદને જ સોંપવામાં આવ્યું હતું. ફિલ્મને હિન્દી સાથે અંગ્રેજીમાં પણ બનાવવામાં આવનાર હતી. જેના નિર્દેશક અમેરિકી ટૈડ ડૈનીલેવ્સ્કી હતા. એક નૃત્યાંગના પરની ફિલ્મ હતી એટલે દેવ આનંદે હીરોઇન તરીકે વૈજયંતિમાલાનું નામ સૂચવ્યું. એમની એક ફિલ્મ જોઇને તેમનું વજન વધારે હોવાનું કહી ટૈડે ના પાડી દીધી. દેવનો એ સમજાવવાનો પ્રયત્ન બેકાર ગયો કે તેઓ એક જાણીતા અભિનેત્રી અને ડાન્સર છે.

ટૈડનું કહેવું હતું કે અમેરિકી દર્શકો વજનવાળી હીરોઇનને સ્વીકારશે નહીં. બીજી કેટલીક અભિનેત્રીઓ સાથે વાત કર્યા પછી ટૈડની પસંદ પર લીલા નાયડુ ખરા ઉતર્યા. લીલા દુબળા-પાતળા હતા અને અંગ્રેજી બોલી શકતા હતા એ કારણથી ટૈડ એમને પસંદ કરી રહ્યા હતા. દેવ આનંદે ચોખ્ખી ના પાડી દીધી કે લીલા સ્ટાર નથી કે નૃત્યાંગના નથી. તેમના નામ પર ફિલ્મ વેચાશે નહીં. ટૈડનું કહેવું હતું કે તે હીરોઇન પાસે ડાન્સ કરાવવાના નથી. દેવ આનંદે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ફિલ્મ માટે રૂપિયા ઉધાર લેવામાં આવી રહ્યા છે. એ રૂપિયા વસૂલ થાય એ માટે સારી અભિનેત્રી લેવાની જરૂર છે. પછી બીજી અભિનેત્રીઓનો વિચાર થયો એમાં વહીદા રહેમાનનું નામ આવ્યું. ટૈડ વહીદા સાથેની મુલાકાત પછી હીરોઇન તરીકે લેવા માની ગયા.

ફિલ્મની તૈયારી શરૂ થઇ ગઇ. પણ જે રીતે ફિલ્મ માટે ટૈડની વાતો માનવામાં આવી રહી હતી એનાથી વિજય આનંદ નારાજ હતા. જ્યારે એક ખેડૂતની ભૂમિકા માટે વિલન તરીકે જાણીતા કે.એન. સિંહની પસંદગી થઇ ત્યારે વિજય આનંદ નારાજ થયા અને એ ભૂમિકા માટે યોગ્ય ન હોવાનું કહ્યું. ટૈડ માન્યા નહીં એટલે વિજય આનંદે દેવને કહી દીધું કે જે નિર્દેશકે અમેરિકામાં કોઇ મોટું નામ કમાયું નથી એની સાથે કામ કરવામાં તેમનું દિલ માનતું ન હોવાથી ‘ગાઇડ’ થી અલગ થઇ રહ્યા છે. દેવ આનંદે પણ ગુસ્સે થઇને એમની સાથે બોલવાનું બંધ કરી દીધું અને રાજ ખોસલાને હિન્દી ફિલ્મનું નિર્દેશન સોંપી દીધું. થોડા દિવસ પછી જ્યારે વહીદાને આ વાતની ખબર પડી ત્યારે એમણે કામ કરવાની ના પાડી દીધી. તેમણે રાજ સાથે કોઇપણ ફિલ્મ ન કરવાનું માતાને વચન આપ્યું હતું. વહીદાએ બીજી હીરોઇન લેવાનું દેવને કહી દીધું.

રાજ ખોસલાને વહીદાના નિર્ણયની ખબર હતી એટલે એમણે દેવને કહી દીધું કે તે બીજા નિર્દેશક લઇ લે. દેવ પાસે હવે બીજા ભાઇ ચેતન આનંદનો જ વિકલ્પ હતો. ત્યારે એમણે યુધ્ધ પરની ફિલ્મ ‘હકીકત’ નું શુંટિગ કરવા માટે ભારત સરકારને આવેદન કર્યું હતું. જેનો જવાબ આવ્યો ન હતો એટલે ઘરની ફિલ્મ ‘ગાઇડ’ માટે હા પાડી દીધી. ચેતન લોકેશન જોવા માટે ઉદયપુર ગયા અને પાછા ફર્યા ત્યારે ‘હકીકત’ માટે ભારત સરકાર અને ભારતીય સેના તરફથી પરવાનગી મળી ગઇ હતી કે તરત આવી જાવ. બરફવર્ષા શરૂ થયા પછી શુટિંગ થઇ શકશે નહીં. છ મહિનામાં શુટિંગ પૂરું કરવાનું હોવાથી ચેતને ‘ગાઇડ’ માટે ના પાડી દીધી. ભાઇની પરિસ્થિતિ સમજતા દેવ ફરી વિજય આનંદની શરણમાં ગયા અને માફી માગીને એ ચાહે એવી રીતે ફિલ્મ બનાવવા કહ્યું. દેવની પરિસ્થિતિ સમજીને વિજય આનંદ હિન્દી ‘ગાઇડ’ નું પોતાની રીતે નિર્દેશન કરવા રાજી થઇ ગયા. દેવ આનંદે ટૈડને એમની રીતે આખી અંગ્રેજી ફિલ્મ કરવાનું કહી દીધું. નવાઇની વાત એ હતી કે ટૈડ છ અઠવાડિયામાં જ અંગ્રેજી ફિલ્મનું શુટિંગ કરીને પાછા જતા રહ્યા. એ સમય દરમ્યાન વિજય આનંદે ફરીથી પોતાની રીતે ‘ગાઇડ’ ની સ્ક્રીપ્ટ લખી અને એવી ફિલ્મ બનાવી જે યાદગાર રહી છે.