અસરાનીએ કામ મેળવવા અવાજ ઉઠાવ્યો

અસરાની અભિનેતા બનવા એક વર્ષ સુધી મુંબઈમાં પ્રયત્ન કર્યા પછી માત્ર એક ફિલ્મ ‘ખોટા પૈસા’ માં ‘મહેમાન’ તરીકે ઊભા રહી પાછા ઘરે આવ્યા અને ત્રણ વર્ષ કોલેજ કર્યા પછી ફરી એક વખત અભિનયમાં જવાની બારી ખૂલતી દેખાઈ. પૂનામાં ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ નામની તાલીમ સંસ્થા ખૂલી હોવાનું જાણવા મળ્યું. આમપણ એ મુંબઈથી આવ્યા પછી તાલીમની જરૂર નથી એવી ગેરસમજ દૂર થઈ ગઈ હતી અને પછી ઘણાએ કહ્યું હતું કે તાલીમ લેવી જોઈએ. અસરાની અને એમના મિત્ર મણિ કૌલે ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ માટે સાથે જ અરજી કરી હતી. અસરાની સ્ક્રીન ટેસ્ટમાં પાસ થયા પછી ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા.

અસરાનીએ યશ ચોપડા, રાજેન્દ્રસિંહ બેડી, ઋષિકેશ મુખર્જી વગેરેની ટીમને ઇન્ટરવ્યુ આપ્યો. અસરાનીએ નિર્દેશક તરીકે તાલીમ માટે અરજી કરી હતી એટલે પૂછવામાં આવ્યું કે ‘જંગલી’ જેવી ફિલ્મ બનાવી શકો છો? ત્યારે અસરાનીએ હા પાડી હતી. મણિ કૌલે અભિનેતા બનવા પ્રવેશ મેળવ્યો હતો અને નિર્દેશક બન્યા હતા જ્યારે અસરાની નિર્દેશક બનવા પ્રવેશ મેળવી અભિનેતા બન્યા હતા. અસરાની ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયા. પ્રવેશ મેળવ્યા પછી પહેલા દિવસે શિક્ષક રોશન તનેજાએ એમનો અવાજ સાંભળ્યો અને કહી દીધું કે તારી ‘વોઈસ પ્લેસમેન્ટ’ બરાબર નથી. અસરાનીને થયું કે એણે તો રેડિયો અને સ્ટેજ માટે કામ કર્યું છે. બધાએ એનો અવાજ વખાણ્યો છે.

રોશને એમને સમજાવ્યું કે તારો અવાજ સાત-આઠ માણસ બોલતા હોય એવો નીકળે છે. અને એમણે અસરાનીને બોલવાની તાલીમ આપી. બે વર્ષ સુધી સખત તાલીમ લીધા પછી અસરાની બહાર આવ્યા પણ ક્યાંય કામ મળતું ન હતું. ત્યારે એમની પાસેના ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ ના પ્રમાણપત્રની કોઈએ કિંમત કરી નહીં. તાલીમ પછી પણ કામ માટે સ્ટુડિયોના ચક્કર લગાવતા રહ્યા. તે ઋષિકેશ મુખર્જીને તો કેટલીય વખત કરગર્યા હતા. ત્યારે એક સ્ટુડિયોમાં ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ ના આચાર્ય જગતજી મળી ગયા. અસરાની બેકાર ફરતા હોવાનું જાણી ઇન્સ્ટીટ્યુટમાં શિક્ષકની નોકરી આપી. દરમ્યાનમાં ઇન્દિરા ગાંધી સૂચના અને પ્રસારણ મંત્રી હતા ત્યારે એક દિવસ પૂનાની મુલાકાતે આવ્યા હતા.

અસરાની એમને મળ્યા ગયા અને કહ્યું કે તેની પાસે ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ નું પ્રમાણપત્ર હોવા છતાં ફિલ્મોમાં કામ મળી રહ્યું નથી. અસરાનીની વાતને એમણે ગંભીરતાથી લીધી હશે અને મુંબઈ આવીને નિર્માતાઓને કહ્યું કે ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ માં તાલીમ લેનારાને કામ આપવું જોઈએ. અને એ પછી નિર્માતાઓએ ધીમે ધીમે એમને તક આપવાનું શરૂ કર્યું હોવાનું અસરાનીએ એક મુલાકાતમાં કહ્યું છે. અસરાનીએ અવાજ ઉઠાવ્યા પછી એના પછીની બેચના જયા ભાદુરી, નવીન નિશ્ચલ, શત્રુધ્ન સિંહા વગેરેને પણ જલદી કામ મળ્યું હતું. અસરાનીને ‘ઉમંગ’ વગેરે ફિલ્મોમાં નાની ભૂમિકાઓ મળી હતી. પરંતુ જ્યારે ઋષિકેશ મુખર્જીની ‘ગુડ્ડી’ મળી અને હિટ રહી. ત્યારે કલાકારોની સાથે પૂનાની ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ નું પણ નામ થયું અને એમાંથી તાલીમ લઈને આવનારાને સન્માન મળવા લાગ્યું હતું. ‘ગુડ્ડી’ પછી અસરાનીને આઠ ફિલ્મોમાં કામ મળ્યું હતું. પછી ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ ની નોકરી છોડીને મુંબઈમાં વસવાટ કરવા લાગ્યા હતા.