‘શોલે’ માં ધર્મેન્દ્ર માટે ખાસ દ્રશ્ય ઉમેરાયું   

લેખક જોડી સલીમ- જાવેદે ફિલ્મ ‘શોલે’ ની સંપૂર્ણ સ્ક્રીપ્ટ લખી ત્યારે એમાં પાણીની ટાંકી પર ચઢીને ધર્મેન્દ્ર મરવાની ધમકી આપે છે એ દ્રશ્ય ન હતું. ફિલ્મ પૂરી થયા પછી એ ઉમેરવામાં આવ્યું હતું. અને એ પણ જાવેદ અખ્તરે છેલ્લી ઘડીએ લખ્યું હતું. એ સિવાય ફિલ્મની સ્ક્રીપ્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર થયા પછી શુટીંગ થયું અને જ્યારે બધાએ સાથે મળીને એનું અંતિમ પરિણામ જોયું ત્યારે એવું લાગ્યું કે બીજા ભાગમાં ધર્મેન્દ્ર હાઇલાઇટ થાય એવું એક દ્રશ્ય હોવું જોઈએ. કેમકે બીજા ભાગમાં ધર્મેન્દ્રનું પાત્ર એકદમ સપાટ લાગતું હતું. ત્યારે ચર્ચા કરીને નક્કી કર્યું કે ધર્મેન્દ્ર ‘બસંતી’ હેમા સાથે લગ્ન કરવા પાણીની ટાંકી પર ચઢી જશે અને બોલશે.

 

ફિલ્મમાં ધર્મેન્દ્ર દારૂની બોટલ સાથે પાણીની ટાંકી પર ચઢી જઈને ‘કૂદ જાઉંગા… મર જાઉંગા’ કહીને બૂમો પાડે છે. લોકો એને અટકાવે છે ત્યારે એ કહે છે કે,‘વો હી કર રહા હૂં જો મજનૂને લૈલા કે લિયે કિયા થા…’ પછી એને આગળ પૂછવામાં આવે છે ત્યારે કહે છે કે એનું બસંતી સાથે લગ્ન થવાનું હતું પણ એની માસીએ વચ્ચે ફાંસ મારી દીધી છે. ધર્મેન્દ્ર જ્યારે કહે છે કે,‘ગાંવવાલો મેં જા રહા હૂં, ભગવાન મેં આ રહા હૂં’ ત્યારે હેમામાલિની આવે છે અને અમિતાભ પાસે જાય છે. અને બચાવવા કહે છે. ત્યારે અમિતાભ બેફિકર થઈ કહે છે કે,‘જબ દારુ ઉતરેગી તો યે ભી ઉતર આયેગા.’ પણ બસંતી અને એની માસી લગ્ન માટે હા પાડે છે ત્યારે ધર્મેન્દ્ર નીચે ઉતરે છે. પાંચ મિનિટના આ દ્રશ્યને લખવા જાવેદે બહુ સમય લીધો હતો. એની વાત એમણે ‘શોલે’ પાકિસ્તાનમાં રજૂ થઈ ત્યારે ‘અનટોલ્ડ સ્ટોરીઝ’ ના એક ઇન્ટરવ્યુમાં યાદ કરી હતી.

જાવેદ દિવસે શુટિંગમાં જતા હતા અને સાંજે આવ્યા પછી થાકી જવાથી બધા મહેફિલમાં બેસતા અને દિવસ પૂરો થઈ જતો હતો. ધર્મેન્દ્રના એ દ્રશ્યના સંવાદ લખવાનું લંબાતું જ જતું હતું. બન્યું એવું કે છેલ્લો દિવસ આવી ગયો અને સવારે એમને બહાર જવાનું થયું. એમણે વિચાર્યું કે સવારે વહેલા ઊઠીને લખી નાખીશ. પણ ઉઠવામાં મોડું થયું એટલે કારમાં લખતા રહ્યા. કાર એરપોર્ટ પર પહોંચી ગઈ પણ સંપૂર્ણ દ્રશ્ય અને સંવાદ લખી શકાયા નહીં. એમણે કારમાંથી ઉતરીને બાકીનું લખાણ બોનેટ પર કાગળ મૂકીને જેમતેમ પૂરું કરી આપ્યું હતું. ફ્લાઇટનો બોર્ડિંગનો ટાઈમ થયો ત્યાં સુધી એ લખતા રહ્યા હતા. જાવેદ પોતે લખેલું એ દ્રશ્ય ફરીથી વાંચી શક્યા ન હતા. એ લખાણ ડ્રાઇવરને આપ્યું અને કહ્યું કે એમના સહાયકને આપી દેજે અને વ્યવસ્થિત કરી શુટિંગ કરાવી લેવું. ત્યારે સલીમ- જાવેદ લખાણ ફરીથી વ્યવસ્થિત લખવા સહાયક રાખતા હતા. જાવેદ અખ્તરે જે દ્રશ્ય સૌથી વધારે ઉતાવળમાં અને ટૂંકા સમયમાં લખ્યું હતું એ ધર્મેન્દ્રનું પાણીની ટાંકી પરનું દ્રશ્ય ફિલ્મની એક હાઇલાઇટ બની ગયું હતું.